હેમાંશુ રોય-ત્રિવેદી હવે પૂર્ણકાલીન કામકાજમાંથી નિવૃત્ત છે પરંતુ, વિવિધ ભૂમિકાઓમાં સક્રિય પણ છે. તેઓ 2024થી સ્કોટલેન્ડમાં ટિમોર-લેસ્ટેના માનદ્ કોન્સલ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ એક્શન એઈડ યુકેના ટ્રસ્ટી પણ છે અને ફાજલ સમયમાં યુનાઈટેડ નેશન્સના તેમજ યુનિવર્સિટી ઓફ સસેક્સ, બ્રાઈટન, યુકે ખાતે ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ ખાતે વોલન્ટીઅર મેન્ટર તરીકે કામગીરી બજાવે છે. તેમણે ફેબ્રુઆરી 2018થી નવેમ્બર 2022 સુધી ટિમોર-લેસ્ટેમાં યુનાઈટેડ નેશન્સ રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે તેમજ ડિસેમ્બર 2013થી ડિસેમ્બર 2017 સુધી પાપુઆ ન્યૂ ગિનીમાં યુએન રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર અને UNDP રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ તરીકે સેવા આપી હતી.
યુએન સાથે જોડાયા તે પહેલા રોય-ત્રિવેદીએ યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DFID) ખાતે 13 વર્ષ કામગીરી બજાવી હતી જ્યાં તેમણે સિવિલ સોસાયટી ડિપાર્ટમેન્ટના વડા (2009-2013), યુકે વ્હાઈટ પેપર ‘બિલ્ડિંગ અવર કોમન ફ્યુચર’ (2009)ના ટીમ લીડર સહિત અનેક ભૂમિકા ભજવી હતી. તેમણે યુકે, મોઝામ્બિક, ભારત અને માલાવી ખાતે બિનસરકારી સંસ્થાઓમાં 20 વર્ષની કામગીરી સાથે કારકિર્દીનો આરંભ કર્યો હતો. તેમણે યુનિવર્સિટી ઓફ સસેક્સમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ અને યુનિવર્સિટી નઓફ શેફિલ્ડમાં અભ્યાસ કર્યો હતો.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે મુલાકાતમાં હેમાંશુભાઈએ જણાવ્યું હતું કે ઈસ્ટ આફ્રિકામાં તેમના ઉછેર દરમિયાન વિકાસ ઉભરતા દેશોનું કેવું પરિવર્તન લાવી શકે તેના સાક્ષી બન્યા હતા. તેમણે પોતાના મૂળિયાં વિશે સ્મરણ કરતા કહ્યું હતું કે,‘ મારો પરિવાર ભારતના ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે. મારા પેરન્ટ્સનો જન્મ અને ઉછેર સૌરાષ્ટ્રના નાના શહેર ચૂડામાં થયો હતો. આદિવાસી મહિલાઓનાં જૂથો અને સેવ ચિલ્ડ્રન સાથે કામગીરી દરમિયાન મને આ બધા વિસ્તારોની મુલાકાત લેવાની તક મળી હતી. મારા ઘણાં સગાંસંબંધી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહે છે તેથી મારા પૂર્વજોના વતન સાથે હું જોડાયેલો રહી શકું છું. મને મારી વિરાસતનું તેમજ તળિયાના સ્તરે પહેલોથી માંડી યુકે સરકાર અને યુએન સાથે નિર્ણયપ્રક્રિયા થકી ભારતના વિકાસમાં યોગદાન આપવાનું ભારે ગૌરવ છે.’
રોય-ત્રિવેદીએ પાપુઆ ન્યૂ ગિની અને ટિમોર-લેસ્ટેમાં રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે કામગીરીમાં સરકારો અને કોમ્યુનિટીઓ સાથે મજબૂત ભાગીદારીના નિર્માણ વિશે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સ્કોટલેન્ડમાં ટિમોર-લેસ્ટેના માનદ્ કોન્સલ તરીકે તેમણે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક વિનિમયમાં ડાયસ્પોરાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો. ડિપ્લોમસી, આંતરરાષ્ટ્રીય વિકાસ અથવા માનવતાવાદી કાર્યોમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા ડાયસ્પોરાના યુવા વર્ગને સલાહ આપતા રોય-ત્રિવેદી કહે છે કે ‘ઈન્ટર્નશિપ અને અન્ય માર્ગો થકી અભ્યાસ, શીખવા અને અનુભવ પ્રાપ્ત કરવાની ઘણી તક છે. મારી સલાહ તમારી સ્થાનિક કોમ્યુનિટી સાથે સંપર્ક વધારી તળિયાના સ્તરે સેવા કરવાની છે. મને ઈન્ડિયન ટ્રાઈબલ વિમેન્સ ટ્રસ્ટ સાથે કામ કરવાથી લોકો સામેના સાચા પડકારો તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નીતિઓની અસરો વિશે જાણવા અને શીખવા મળ્યું હતું. નાનાથી શરૂ કરી તમારો અનુભવ વધારો, આ પછી, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ અથવા એક્શન એઈડ જેવી સંસ્થાઓ કે NGOs સાથે કામ કરો. ડાયસ્પોરાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. હું એશિયા અને આફ્રિકાના યુવાનોને બધામાં રસ લેવા, સંપર્ક વધારવા અને પ્રતિબદ્ધ રહેવા તેમજ સતત શીખતા રહેવા પ્રોત્સાહિત કરું છું.’