આનંદો... ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે

Friday 16th October 2015 13:14 EDT
 

ડાયરેક્ટ ફ્લાઇટના આપણા ૧૪ વર્ષ લાંબા સંઘર્ષ પછી એર ઇંડિયા દ્વારા નવેમ્બરના અંત સુધીમાં લંડન-અમદાવાદને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે તેવા આધારભૂત સમાચાર વાંચીને ઘણો જ આનદ થયો. લોકલાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુકેની મુલાકાત વખતે આ ભેટ આપશે જ એવી મને ખાતરી હતી.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા લાગલગાટ ૧૪ વર્ષ સુધી આ માટે લડત લડવામાં આવી હતી. દર સપ્તાહે પીટીશન્સના ફોર્મ છપાતા હતા અને બ્રિટનના તમામ શહેરો અને નગરોમાંથી સહીઅો કરાવવામાં આવી હતી. આટલી મહેનત કદી કોઇ છાપા દ્વારા કરવામાં આવી હોય તેવું મારા ધ્યાનમાં નથી. આજે આ સફળતાનો સઘળો યશ બ્રિટનની જનતાને અને 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ને જ મળવો જોઇએ.

બ્રિટનવાસી ગુજરાતીઓની ડાયરેક્ટ ફ્લાઇટ માટેની વિવેકશીલ, પદ્ધતિસર, ન્યાયપૂર્ણ માગણી મંજૂર કરાઇ તે ખરેખર સુયોગ્ય નિર્ણય છે. આ ડાયરેક્ટ ફ્લાઇટથી સગર્ભા અને બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઅો, વૃધ્ધ વડિલો અને સૌ મુસાફરોની ૧૫થી ૨૦ કલાક લાંબી તકલીફજનક મુસાફરીનો અંત આવશે.

અતુલ પુરોહિત, લંડન

કામ કરે કોઠી અને જશ ખાય જેઠી

હજારો લોકો જાણે છે કે 'એર ઈન્ડિયા' અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત કરશે તો તે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'માં સી. બી. પટેલ તેમજ સર્વે કાર્યકર્તાઓએ વર્ષોથી જે જહેમતો ઊઠાવી છે તેને આભારી છે. પિટીશન તૈયાર કરી પેપરમાં છાપીને હજારો લોકોની સહીઓ કરાવી સોલીસીટર શ્રી મનોજભાઈ અને શ્રી પરેશ રાવલને મોકલીને તમે જે ઝુંબેશ ઊઠાવી હતી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.

સી.બી.ના નેતૃત્વ નીચે ગુજરાત તેમજ અહિના અગ્રણીઓએ વૃદ્ધો અને નાના બાળકોની તકલીફો સમજી ડાયરેક્ટ ફ્લાઇટ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરી હતી. અમદાવાદ અને લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ થાય તો આ બધા મુસાફરોને બહુ બધી સુગમતા પડે. શ્રી નરેન્દ્ર મોદી નવેમ્બરમાં અહીં યુકેની મુલાકાતે આવવાના અને તેઅો ડાયરેક્ટ ફ્લાઈટનો નિર્ણય જાહેર કરે તેવી શક્યતાને પારખીને અમુક લોકો પોતાની વાહ વાહ બોલાવવા અસત્ય બોલી, ખોટો જશ લઈ આટલી હદે પહોંચી શકે છે? 'કામ કરે કોઠી અને જશ ખાય જેઠી' તેવી તેમનામાં ઠગાઈ, લુચ્ચાઈ અને હલકાઈ છે. તેમણે એક જ સુત્ર યાદ રાખવાનું છે કે 'સત્યમેવ જયતે', સત્યનો જ હંમેશા વિજય થાય છે. તેમને તે સૂત્રની ખબર નથી લાગતી. બાકી જૂઠ્ઠું બોલીને જેટલા ઉપર ચડશો એટલું જ જુઠ્ઠાણું નીચે પડશો ત્યારે બહાર આવશે એ વાત કદી ભૂલવી નહીં.

- સુધા રસિક ભટ્ટ, બેનસન.

સીધી વિમાની સેવાના આંદોલનનો ભવ્ય વિજય


આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧૭મી ઓક્ટોબરના અંકના પ્રથમ પાને લંડન-અમદાવાદની સીધી વિમાની સેવાની આવતા નવેમ્બરથી શરૂઆત થઇ રહી છે તેના ઉમદા સમાચાર વાંચીને આનંદ થયો. કહેવાય છેને કે મહેનતનું ફળ અવશ્ય મળે છે, ધીરજ ધરવી જરૂરી છે. એબીપીએલ ગ્રુપના અખબારોએ આ વિમાની સેવા ફરી ચાલુ થાય તે માટે એક વિરાટ આંદોલન ચલાવ્યું હતું. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં પાનાઓ ભરીને પીટીશન છાપવામાં આવી હતી. જેમાં હજારો વાચકોએ સહીઅો કરીને આંદોલનને સમર્થન કર્યું હતું.

આદરણીય સીબીએ આ આંદોલનને પ્રાણપ્રશ્ન બનાવીને ખુબ જ દોડાદોડી કરી હતી. તેમણે રૂબરૂ ભારત જઇને ભારતના લગભગ તમામ પક્ષો, વિમાની સેવાના અધિકારીઓ, ગુજરાતના ભૂતપૂર્વ અને હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ હાલના મુખ્ય મંત્રીશ્રીને મળીને આ આંદોલનને મજબુત બનાવ્યું હતું. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી તે વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેમને આ આંદોલન વિષે તમામ જાણકારી આપી હતી.

અત્રે યાદ રહે કે હું છેલ્લા ૨૩ વર્ષોથી 'ગુજરાત સમાચાર'નો વાચક રહ્યો છું અને ભક્તિ વેદાંત (હરેકૃષ્ણ) મંદિર માટે જે અભૂતપૂર્વ આંદોલન કરી મંદિર બંધ થતું અટકાવ્યું હતું તેનો હું અને આ અખબારોના હજારો વાચકો સાક્ષી છીએ. તે ઉપરાંત ઉપયોગી બાબતોની સફળતાને વરેલા આ બન્ને અખબારોના પરિવાર અને તેના સમર્થકો તમામ લોકોને હાર્દિક અભિનંદન. આ વિમાની સેવા શરુ થવાની છે ત્યારે આ સેવાનો લાભ તમામ લોકોએ લેવો જોઇએ, જેથી આ સેવા કાયમ રહે.


ભરત સચાણીયા, 
લંડન.

એમપી સાદિક ખાનને ખુલ્લો પત્ર

પ્રિય સાંસદ શ્રી સાદિક ખાન

આ સાથે મેં આપ જેના સભ્ય છો તે લેબર પાર્ટીના લીડર મિ. જેરેમી કોર્બીનને ઉદ્દેશી લખેલા મારા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૫ના પત્રની નકલ સામેલ કરી છે. આજ દિન સુધી મને તે પત્રનો ઉત્તર મળ્યો નથી. તમે મે ૨૦૧૬માં યોજાનારી લંડનના મેયરપદની ચૂટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર છો, ત્યારે મારે તમને કેટલાંક પ્રશ્નો પૂછવા છે, જે નીચે મુજબ છેઃ

(૧) જ્યારે તમારા નેતાએ મારા પત્રનો પ્રતિભાવ આપ્યો નથી તો ભારતીયોએ શા માટે લેબર પાર્ટીના ઉમેદવારને મત આપવો જોઈએ?

(૨) લેબર પાર્ટીના નેતા જ્યારે બ્રિટિશ વડા પ્રધાનના આમંત્રણને માન આપી ભારતના વડા પ્રધાન ઈંગ્લેન્ડની મુલાકાતે આવે તેની તરફેણ કરતા નથી તો ભારતીયોએ શા માટે લેબર પાર્ટીના ઉમેદવારને મત આપવો જોઈએ?

૪ સપ્ટેમ્બર, ૨૦૧૩ની અર્લી ડે મોશન ૪૭૯ દેખીતી રીતે જ સાચી નથી કારણ કેઃ

(૧) હિંસાનો આરંભ હિન્દુઓ દ્વારા નહિ, પરંતુ મુસ્લિમો દ્વારા કરાયો હતો. મોશનમાં આ હકીકતનો ઉલ્લેખ કરાયો નથી.

(૨) તેમાં હિંસામાં માર્યા ગયેલા હિન્દુની સંખ્યાનો પણ ઉલ્લેખ નથી.

(૩) '......૨૦૦૨ની કોમવાદી હિંસામાં તેમની ભૂમિકા....’ આ બાબત પણ સાચી નથી.

(૪) '.......તેઓ પ્રત્યક્ષ જવાબદાર છે અથવા સીધી રીતે કરાયેલી ભૂમિકા....’ આ બાબત પણ સાચી નથી.

(૫) ભારતની સર્વોચ્ચ ન્યાયિક કોર્ટે પણ હિંસામાં નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા હોવા વિશે ક્લીન ચિટ આપી છે.

(૬) હિન્દુઓના ધાર્મિક સ્વાતંત્ર્યના તીવ્ર ઉલ્લંઘનો બિનહિન્દુઓ તરફથી જ કરાયાં છે.

મિ. સાદિક ખાન, શું આ બાબત સાચી નથી કે તમારી પાર્ટીના નેતા જેરેમી કોર્બીને EDM 479 પર સહી કરતા પહેલા હકીકતો ચકાસવાની કોઈ દરકાર કે પ્રયાસ કર્યા નથી. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણોના સંદર્ભે પાર્લામેન્ટમાં મૂકાયેલી અર્લી ડે મોશન (EDM)ના છ સ્પોન્સરોમાં કોર્બીન એક હતા.

આ મુદ્દો માત્ર ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં વસતા ભારતીયો માટે જ ચિંતાનો વિષય છે એમ નથી, પરંતુ વિશદ અને વ્યાપક ચિંતાનો વિષય હોવાથી આ ખુલ્લો પત્ર લખવાની ફરજ પડી છે.

આપનો વિશ્વાસુ

ચુની ચાવડા, બોરહામવુડ.

ગુજરાતનો અસલ ગરબો

'ગુજરાત સમાચાર'ના મેનેજિંગ એડિટર શ્રીમતી કોકિલાબહેન પટેલે તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાં આજે ગવાતા ગરબા - નવરાત્રિના પર્વ વિશે ખૂબ સચોટ રીતે અંગૂલિનિર્દેશ કર્યો. સાચી વાત એ છે કે ખાસ કરીને નવરાત્રિના પવિત્ર પર્વના દિવસોમાં ગવાતાં ગરબા પશ્ચિમી વાદ્યસંગીત અને ફિલ્મી ગીતોના સૂર, વસ્ત્રોના ફેશન શો, શરીર પરના ચિતરામણ ક્યારેક ધૃણા ઉપજાવે કે શરમાવે એવું વાતાવરણ સર્જે છે. ખરું પૂછો તો ગરબો એ તો આપણો અનોખો, મોંઘેરો સંસ્કારવારસો છે. ગરબો ગુજરાતનું ભૂષણ છે. વિશિષ્ટતા છે. પ્રખર નૃત્યકાર ઉદયશંકરે કહેલું કે ગુર્જર બહેનોના રાસ-ગરબા જોઈ મને નૃત્ય શીખવાની પ્રેરણા મળી. કવિશ્રી ન્હાનાલાલે કહ્યું કે ‘ગરબો-રાસ એ નર્તકીનું નૃત્ય નથી, સોહાગણનું લાસ્ય છે. પહેલા તો જાતે ગાઈને ગુજરાતણો ગરબે ઘૂમતી. ગાગર, કોડિયાં, કોતરેલા ગરબા જેવા વિવિધ સાધનો લઈ હીંચ લેતી. એ ગરબા ક્યાં ગયા?

આજના ગરબામાં અર્થ વિનાનો અંગમરોડ ઉચિત લાગતો નથી. સાચું છે કે જમાનાને અનુસરીને આપણા વિચારોમાં, ભાવનાઓમાં, પહેરવેશ અને રહેણીકરણીમાં ફેરફારો થાય - પરિવર્તન થાય એમાં કંઈ ખોટું નથી. પણ એ ફેરફારો ઉચિત હોવા જોઈએ. એ વિશે થોડી લક્ષ્મણ રેખા દોરાવી જરૂરી છે. ભાગવતમાં કૃષ્ણગોપીના રાસમાં શ્રીકૃષ્ણે સ્પષ્ટપણે, ભારપૂર્વક કહેલું કે અણિશુદ્ધ પ્રેમ - વિકાર વિનાનો ભાવ અભિવ્યક્ત થાય તો જ રાસમાં પ્રવેશ મળશે.

તેમ છતાં આપણે સાવ નિરાશ થવાની જરૂર નથી. આજના કેટલાક કાર્યક્રમોમાં આયોજકો કેટલીક બાબતો પ્રત્યે સૂચના આપી, પ્રતિબંધ મૂકે છે તે આવકારદાયક છે. બીજું, હજુ આજે પણ ગુજરાત - સૌરાષ્ટ્રમાં અને ક્યાંક ભરવાડોના નેસડામાં રાસડા - ગરબા જૂની ઢબે હીંચ સાથે માતાજીના જ ગરબા જીવંત રખાય છે.

તો આપણે આવા પવિત્ર પર્વના દિવસોમાં શા માટે આપણું જીવન શુદ્ધ સંસ્કારરસથી છલકાવી ન દઈએ?

કાંતાબેન અને પ્રભાકાંત પટેલ, ઓકવુડ

સંતોષનો ઊંડો અહેસાસ એટલે 'ગુજરાત સમાચાર'

તમારી જીંદગી આમ તો તમારી છે

એમાં સમાયેલી થોડી સ્મૃતિ અમારી પણ છે

રેખાઓ ભલે રહી તમારા હાથમાં

પણ એમાં મિત્રતાની એક લીટી અમારી પણ છે.

નિત નવીન લખાણ સાથે દુનિયાના અવનવા સમાચારો સાથે સુંદર માહિતી પીરસતું આપણું સાપ્તાહિક 'ગુજરાત સમાચાર' વાંચી અન્યને વંચાવી ખૂબ આનંદ સાથે સંતોષનો ઊંડો અહેસાસ અનુભવું છું. આપ સૌના અથાક સાથ અને સંયોગથી 'ગુજરાત સમાચાર' ખરેખર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે તેમાં બે મત નથી.

આવા ને આવા સુંદર કામ સાથે અથાક મહેનત એ જ તો છાપાની આગવી ઓળખાણ અને આબરૂ છે. ઈશ્વર હંમેશા આપ સૌને ખૂબ જ મહેનતુ અને મોભાદાર બનાવે એ જ પ્રાર્થના સાથે અભ્યર્થના છે. આ પત્ર સાથે લવાજનો ચેક રવાના કરું છું.

- દિનેશ માણેક, સાઉથ ફિલ્ડઝ

ગુજરાતી ભાષા બચાવો

ભારત અને પરદેશમાં ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે. ભવિષ્યમાં આપણાં બાળકોને તેની નોંધ કે માહિતી ફક્ત ચોપડીઅોમાં જ મળશે એમ લાગે છે. તેનું મહત્વનુ અને મૂળ કારણ એ છે કે અંગ્રેજી ભાષા જ સમાજમાં સન્માન અને મોભો આપે છે તેવું આપણાં માદરેવતનના દરેક વતનીઓ માને છે.

આજે ભારત અને વિદેશોમાં ગુજરાતી વર્ગો ચલાવતી શાળાઓ, બાળકોની અલ્પ સંખ્યા અને ભંડોળ ઘટ્યાં છે અથવા તો બંધ થઈ રહ્યા છે. વળી કોલેજોમાં પણ ગુજરાતી ભાષાની પસંદગીનો વિકલ્પ પણ માન્ય કરતાં નથી. ગુજરાતી ભાષાને ફરી સજીવન કરવામાં આપણું ‘ગુજરાત સમાચાર’ ઘણું જ અસરકારક યોગદાન આપે છે અને હજુ આપી શકે છે.

મારી નમ્ર અરજ છે કે ‘એશિયન વોઈસ’ ઈંગ્લીશ સમાચારમાં એક 'બાળ વિભાગ' શરૂ કરવો. જેમાં નાની અંગ્રેજી વાર્તાઓને ગુજરાતીમાં અનુવાદ કરવા બાળકોને પ્રોત્સાહિત કરવા, ઉત્તમ અનુવાદ કરનારા બાળકોને ગુજરાતી પુસ્તકો ભેટ આપવા. આમ થવાથી બાળકોને તેમના પરિવારના અન્ય સભ્યો પણ મદદ કરશે. એક વિશાળ ગુજરાતી ભાષાનું વર્તુળ બની રહેશે.

- પ્રમોદ મહેતા, ‘શબનમ’ સડબરી.

મોદીજીના આગમનને વધાવીએ...

'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ને ખૂબ ખૂબ ધન્યવાદ કે દરેક જાતના ધાર્મિક, વ્યવહારિક, કૌટુંબિક આરોગ્ય વિગેરે ઉપરાંત દરેક વિગતવાર સમાચારથી આનંદ સંતોષ થાય છે.

આપણા લાડીલા ભારતના વડાસેવક, તન-મન-ધનથી નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી નરેન્દ્રભાઇ મોદી અમેરિકા ગયા ત્યારે તેમનું ખૂબ જ અંતકરણ:પૂર્વક દિલથી દરેક કોમ્યુનિટીએ સન્માન કર્યું. નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને મળ્યા. 'ગુજરાત સમાચાર'માં ફોટા જોઈને ખુશી થઈ. બંને નેતાઅો ખૂબજ પ્રેમથી ભેટ્યા અને તસવીરમાં તેમની ધીરજ, પ્રેમ, લાગણી વગેરે જણાઇ આવે છે.

તેની સામે ઘણા દેશો ખાવાના જુદા અને ચાવવાના જુદા દાંત જેવો વ્યવહાર ભારત સાથે કરે છે. 'મુખમેં રામ અને બગલ મેં છૂરી', પણ એ દિવસો હવે ગયા. આપણા નેતા સ્વ. શ્રી જવાહરજીને ઘણા દેશો છેતરીને લાભ ઊઠાવી ગયા. શ્રી નરેન્દ્ર મોદીને આમ તો શીખામણ આપવાની જરૂર નથી. તેઅો ચતુર છે, પણ સમય વર્તે સાવધાન, આજે કોઈના ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં.

હવે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અહીં પધારે છે ત્યારે 'ગુજરાત સમાચાર' અવનવી માહિતી સાથેના મોદીજી વિષેના સમાચાર પ્રસિધ્ધ કરે છે તેથી આનંદ થાય છે અને મને ખાતરી છે કે મોદીજીની મુલાકાત વખતે પણ 'ગુજરાત સમાચાર'માં જરૂર વિશેષ વાચનસામગ્રી પિરસવામાં આવશે. મોદીજીના સ્વાગત માટે આપણા સર્વે ગુજરાતી સમુદાયે આગળ આવીને ભાગ લેવો જોઇએ.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter