કહેવું બહુ સહેલું, પણ કરવું ખૂબ અઘરું

Thursday 05th March 2015 12:04 EST
 

કહેવું બહુ સહેલું, પણ કરવું ખૂબ અઘરું

દિલ્હીની ચૂંટણીમાં 'આમ આદમી પાર્ટી'ના વિજય બદલ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ. પાર્ટીએ આપેલા વચન મુજબ તેઅો નિષ્ઠાપૂર્વક સરકાર ચલાવવામાં સફળ થાય અને ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેશે તેવી આશા. બાકી દિલ્હીની સરકાર ચલાવવાની ખૂબ જ અઘરી છે. કહેવત છે ને કે 'કહેવું બહુ સહેલું છે અને કરવું ખૂબ અઘરું છે.'

હમણાં પૂ. મોરારિબાપુની સુરતની થયેલી કથામાં તેમણે એક સુંદર વાત કરેલી. દશરથ રાજા દર્પણમાં તેમનો ચહેરો જોતા હતા ત્યારે મુગટ વાંકો દેખાતા તેમણે તે સીધો કરી દીધો હતો. તે પછી જણાવેલ કે 'કોઈપણ વ્યક્તિને સમાજમાં અને કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ જ પ્રતિષ્ઠા મળે ત્યારે મનરૂપી અરીસામાં જોઈને નક્કી કરવું કે પોતે તે સફળતા માટે લાયક છે? અને નિષ્ઠાપૂર્વક સફળતાને અહમ, અહંકાર વિના નિભાવી શકશે.'

જોઈએ, કેજરીવાલ વચનોનું પાલન કરે છે કે પછી પેલા રાજકારણીની માફક બીજા ઉપર દોષનો ટોપલો નાખવાનો પ્રયત્ન કરશે.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

000000

સ્ત્રી તારા કેટલા રૂપ

સ્ત્રી ઈશ્વરની દીધેલી મહાન કૃતિ છે. જન્મથી મરણ સુધી સ્ત્રીએ અનેક અદભૂત પાત્રો ભજવ્યા છે. જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સૌથી વધારે કરુણ કલ્પાંત બાપ કરે છે. મા-બાપ બીમાર છે તેવી ખબર સાસરીયે દીકરીને પડે કે તુરંત જ તે ખાવા-પીવાની બધી સગવડ કરીને દોડતી મા-બાપની સેવા કરવા જાય છે. દીકરી બે કૂળને તારે છે. સ્ત્રી પતિ માટે ‘ભોજ્યેશુ માતા, કાર્યેષુ મંત્રી, ચરણેશુ દાસી અને શયનેશુ રંભા’ છે.

પતિના જીવનને યમરાજ પાસેથી પાછું લાવનાર સતિ સાવિત્રી હતા, જેમનું જીવન અદ્ભૂત તપની યાદ અપાવે છે. પિયરે ફૂલ પર ચાલ્યા હોવા છતાં પતિનો પડછાયો બનીને ૧૪ વર્ષ વનમાં ફક્ત કાંટા પર ચાલનાર સીતા હતા જે તેમનું પતિવ્રતાપણું બતાવે છે. દ્વાર પાસે ૧૪ વર્ષ સુધી આરતીની થાળી લઈ પતિની રાહ જોતી ઉર્મિલાની અવર્ણનીય પ્રતિક્ષાની તોલે કોઇ ન આવે. વર્ષો સુધી રામના દર્શન કરવા રાહ જોતી વૃદ્ધ શબરીનું અદભૂત ધૈર્ય ક્યાં જોવા મળે. દુશ્મન સામે હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે લડતી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની મહાન મર્દાનગીનો જોટો ન જડે. આવી વિરાંગના હિન્દુસ્તાનની શાન, ગૌરવ, શ્રદ્ધા, સંસ્કૃતિ અને પ્રેરણા બની છે.

નરને નીપજાવનાર નારી તું નારાયણી છે. મા આપણી પ્રથમ ગોદ છે જેના બાહુમાં આપણે સંસારમાં સુરક્ષિત રહ્યા છીએ. મા હતાશાની આશા, ભાંગ્યાની ભેરુ, નાસીપાસની પ્રેરણા, સૌથી સુંદર, સ્નેહી અને સંસારની સમ્રાટ છે. પોતાના પુત્ર કરતા પૌત્રો, પૌત્રી - પોતાના વંશને દિલ, આત્મા, વાણી અને પ્રેમથી રમાડનાર, વાર્તા કહેનાર, હાલરડાં ગાઈને સુવડાવનાર અને અનુભવે વંશનું વૈદુ કરતી કુટુંબની છેલ્લી ફરજ બજાવતી દાદીમાની હેત વર્ષાવતી મૂંગી આશિષો આપનાર નારી છે.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન

૦૦૦૦૦૦૦૦00000000000000

અચ્છે દિન આયેંગે?

બીજા દેશોની સરખામણીએ બાળમૃત્યુના ઊંચા દરનો આંકડો, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યાનો અભાવ વગેરે બાબતોથી ભારતનું આરોગ્ય ખાતું ઘણા લાંબા સમયથી વગોવાયેલું છે. મે-૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલાં પ્રવચનોમાં કહેલું કે 'અમે સત્તા હાંસલ કરીશું તો દેશના વહીવટી માળખામાં ફેરફાર કરીને ગરીબો માટે સગવડો વધારીશું.' પરંતુ તાજેતરમા શ્રી મોદીની સરકારે આરોગ્ય ખાતાના બજેટમાં ૨૦ ટકાનો કાપ મૂક્યો છે. સરકારી આંકડા મુજબ એચઆઈવીના દર્દથી પીડાતી વસ્તીમાં વિશ્વમાં ભારતનો ત્રીજો નંબર છે. છતાં તે પ્રોગ્રામમાં પણ ૩૦ ટકાનો કાપ મૂકાયો છે. ટીકાકારો કહે છે કે ચૂંટણી પહેલાં આપેલા વચન મુજબ આવા કાપ મૂકવાની ગરીબોની સગવડ કેવી રીતે વધશે?

ચૂંટણી દરમિયાન ભાજપનું સૂત્ર હતું ‘અચ્છે દિન આયેંગે’ ભારતની જનતાએ મોટી આશાઓ સાથે કોંગ્રેસને જાકારો આપીને ઐતિહાસિક નવી સરકારને સત્તા સોંપી છે. હવે ભવિષ્ય જ કહેશે કે ‘અચ્છે દિન આયેંગે’ કે નહીં. મે ૧૯૯૪માં નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના પ્રમુખપદે આવ્યા ત્યારે બધા નાગરિકોને આવાસ પૂરા પાડવાનો વાયદો કરેલો પણ આજેય ૨૦ વર્ષ પછી પણ મોટાભાગની વસ્તી આવાસહિન છે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

૦૦૦૦૦૦૦

વડીલોના સન્માન દ્વારા સમાજ સેવા

શનિવાર તા. ૨૪-૧-૧૫ના દિવસે લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન, પી.વી. રાયચુરા સેન્ટર, ક્રોયડન ખાતે સાઉથ લંડન કોમ્યુનિટી તથા 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ' સહિત ક્રોયડન અને ક્રોયડન આસપાસ વસતા ૮૦ વર્ષ અને તેથી મોટી વયના વડીલોનું સન્માન કરી આપ સૌએ સમાજની ખૂબજ સુંદર સેવા કરી છે. હું સન્માનનો અધિકારી ના હોવા છતાં સન્માન પત્રક અર્પણ કરી મારું સન્માન કરાયું તે બદલ અમારો પરિવાર આપ સૌનો આભારી છે. તમારો, ગુજરાત સમાચાર - એશિયન વોઈસ અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો જ નથી.

તા. ૭-૨-૧૫ના ગુજરાત સમાચારના અંકમાં ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના નામ અને ફોટા સહિતનો સન્માનનો વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે તે દરેકના જીવનનું એક સંભારણું થઈ જશે.

અમારું પરિવાર તથા અમો સર્વે અંતઃકરણપૂર્વક પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમોને શક્તિ આપે. સમાજમાં ખૂબ ખૂબ નામના મેળવો અને પ્રતિષ્ઠા મેળવો અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની પ્રગતિમાં વધારો થાય.

- રમણિક ગણાત્રા, બેકનહામ.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦000000

બ્રિટનમાં પાર્લામેન્ટની ચૂંટણી

બ્રિટનમાં પાર્લામેન્ટની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતીઅો અને હિન્દુઅો તેમાં ખૂબ જ મહત્વની ભુમિકા ભજવી શકે છે. આપણે કોઇનું કશું મફતનું લેવું નથી. પરંતુ આપણે જો બેદકરાર થઇને આપણા ખુદના અધિકારોને જતા કરીશું તો યુગાન્ડાની જેમ આપણે પહેરેલા કપડે ભાગવું પડે એવો જમાનો આવી શકે છે.

આજે આપણી વસતી બ્રિટનમાં અને લંડનના વિવિધ પરાઅોમાં ખૂબજ હોવા છતાં સરખામણીએ અન્ય સમુદાય કરતાં આપણા કાઉન્સિલર અને એમપીની સંખ્યા ઘણી જ અોછી છે. આવું કેમ થાય છે? આપણો અવાજ જો પાર્લામેન્ટ કે કાઉન્સિલમાં નહિં હોય તો આપણા બાળકોના ભણતરથી લઇને આપણા મંદિર, કોમ્યુનિટી સેન્ટર વગેરેની પ્લાનીંગ પરમીશનથી લઇને અન્ય મુદ્દાઅો માટે આપણને ખૂબ જ તકલીફ પડશે.

વિવિધ પક્ષો આપણા મતને અંકે કરવા ખૂબજ આતુર છે. પરંતુ તેઅો તે માટે આપણી કોમ્યુનિટીમાં ભાગલા ન પડાવે તે જોવાનું રહ્યું. નહિં તો આપણા ઉમેદવારો જીતી શકશે નહિં. 'ગુજરાત સમાચાર'માં સાચુ જ હેડીંગ લખાયું છે કે 'આગામી ચૂંટણીમાં વિજયની ચાવી માઇગ્રન્ટ્સના હાથમાં.'

રાજેન્દ્ર સોલંકી, થોર્નટન હીથ.

૦૦૦૦૦૦૦૦૦

સમુદાયની સેવા

આપ સર્વે 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ના માધ્યમથી આપણા સમાજ અને ગુજરાતી સમુદાયની જે સેવા કરી રહ્યા છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. તમોને અંતરથી આપણા સમુદાય માટેની ચિંતા છે અને તમે દરેક બાબતમાં કોમ્યુનિટી માટે અવાજ ઊઠાવ્યો છે તે તમોને અમારા પ્રત્યેની લાગણી અને ચિંતા બતાવે છે.

૮૦ વર્ષથી વધુ વયના વડીલોનું જે સન્માન કર્યું તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. જેમના તરફ આજે કોઈ ધ્યાન નથી આપતું તેમના સન્માનનો તમને વિચાર આવ્યો અને સૌનું બહુમાન કર્યું તેની પ્રેરણા પણ પરમાત્માના આશીર્વાદથી જ મળે અને સૌ વડીલો અને તેમના કુટુંબીજનોના પણ આપને ખરેખર આશીર્વાદ મળશે અને મળે જ છે.

- પરેશ પી. દેસાઈ, વિલ્સડન.

00000000000000


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter