છાશ લેવા જાવ છો ને દોણી સંતાડો છો?

Tuesday 14th April 2015 10:43 EDT
 

'ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે કે ચેતતો રહેજે' આવો ઘાટ એક ગુજરાતી સાપ્તાહિકના પાને જોવા મળ્યો. માની ન શકાય તેવા ચમત્કારો અને ફળપ્રાપ્તિ કરાવી આપવાના દાવા કરતા કહેવાતા તાંત્રીકો, બાબાઅો, જ્યોતિષીઅો અને ફકીરોની જાહેરાતો પ્રસિધ્ધ કરતા અમુક સાપ્તાહિકો પોતાની જાતને બચાવવા માટે બાબા-ફકીરોની જાહેરાતોના પાના પર જ ગુજરાતી અને અંગ્રેજીમાં હસવું આવે એ રીતની નોંધ મૂકે છે. પાછા નોંધમાં જણાવે છે કે પ્રકટ થતી જાહેરાતને આધારે પૈસા મોકલતા પહેલા જરૂરી પૂછપરછ કરવી. જાહેરાત આપનારા લોકો જે દાવાઅો કરે તેના વિષે અમે કોઇ જવાબદારી સ્વીકારતા નથી વગેરે વગેરે.

સ્વાભાવીક છે કે અખબારના માલીકો અને તંત્રી જાણતા જ હશે કે આવી જાહેરાતોના દાવામાં કોઇ દમ નથી. તેઅો કદાચ એમ માનતા હશે કે તેમના અખબારના પાને બોગસ દાવાઅો કરતા બાબા-ફકીરો દ્વારા પડાવાતી મોટી રકમ સામે રખેને કોઇ વ્યક્તિ કોર્ટ કે પોલીસ કાર્યવાહી કરે તો આવી નોંધ દ્વારા તેઅો બચી શકે.

પણ ભલા માણસ, તમને ખબર છે કે આ બાબા - ફકીરો વગેરે ખોટા ધંધા કરે છે, લોકોનું આર્થિક અને જાતીય શોષણ કરે છે, તેમના દાવાઅો પોકળ છે અને તેમાં જરા જેટલી પણ સચ્ચાઇ નથી. તો પછી એવી જાહેરાતો જ કેમ છાપો છો કે તમારે તમારી જાત બચાવવા નોંધ મૂકવી પડે. આ તો 'છાશ લેવા જાવ છો ને દોણી સંતાડો છો' તેવો ઘાટ થયો.

અખબારને ચોથી જાગીર કહી છે તો ભલા માણસ 'ચોથી જાગીર'ની જેમ વર્તન કરો ને! શા માટે તમે લેભાગુ બાબા-ફકીરોને પ્રોત્સાહન આપો છો. 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' આવા ધુતારાઅોની જાહેરાતો છાપતું નથી તે બદલ અમે સૌ ગર્વ અનુભવીએ છીએ.

રજનીકાંત જોશી, વેમ્બલી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

અંતિમ સંસ્કારનો ખર્ચો

કીએ જા તું જગમેં ભલાઈ કા કામ, તેરે દુખ દૂર કરેગેં રામ. ૨૧મી માર્ચના અંકમાં ‘વડીલ સન્માન અને સેવાના' શીર્ષક નીચે લેસ્ટરથી શ્રી ખીમજી વીરજીભાઈ પરમારનાં પત્રનાં અનુસંધાનમાં થોડું કહેવા માંગુ છું. મૃતકની અંતિમ વિધિ કરવા જાણકાર માણસોનું જૂથ ઊભું કરી નિઃશુલ્ક સેવા આપવાનું તેમનું સૂચન ખરેખર ઉપયોગી અને અપનાવવા જેવું છે. સૂચન બદલ તેમનો આભાર.

દેશમાં બ્રાહ્મણો પણ અંતિમ સંસ્કાર વિધિ કરવા બ્રાહ્મણને બોલાવતા નથી. આ દેશમાં આવી અન્ય બીજા ધર્મોની નકલ કરીને આપણે બ્રાહ્મણને બોલાવવાનો ચીલો પાડ્યો છે. આપણે સાધુ-સંતોની નાતજાત પૂછતા નથી, તેમ સેવા આપનાર અને લેનારને નાતજાતનું નડતર ન હોય, પણ મૃતકની અંતિમ ઇચ્છા અને સિદ્ધાંતોને ખ્યાલમાં રાખવો પણ જરૂરી છે.

‘ગુજરાત સમાચારે' જૂન ૨૦૧૧માં ગુજરાતી ભાષા જ્ઞાન અને રીતરિવાજ પર એક સફળ સેમિનાર યોજ્યો હતો. જેમાં શ્રોતા અને ઘણા વાંચકોએ અંતિમ સંસ્કાર અને લગ્ન વિધી કરાવતા બ્રાહ્મણોમાં કર્મકાંડની જાણકારીનાો અસંતોષ વ્યક્ત કર્યો હતો. દરેક જ્ઞાતિની લગ્ન વિધિમાં થોડો ફેર હોય છે. તેમ અંતિમ સંસ્કાર વિધિમાં હોઈ શકે તેથી દરેક જ્ઞાતિએ પોતાની અલગ અંતિમ સંસ્કાર વિધિની પુસ્તિકા છપાવવી હિતાવહ છે.

અમૂક પ્રકારની વ્યક્તિઓ જ આ સેવા આપવા માગે છે અથવા આપી શકે છે. દુઃખના સમયે મદદગાર થતા પરગજુઓની અવગણના ન જ થાય. લેશ માત્ર જોવાની અપેક્ષા ન હોય તેવી નિષ્કામ સેવા મનુષ્ય જીવનને સાર્થક કરે છે.

ઈલાબહેન ત્રિવેદી, સ્ટેનમોર.

૦૦૦૦૦૦૦

મદદરૂપ બનતો 'જીવંત પંથ'

‘ગુજરાત સમાચાર’ નિયમિત રસથી હું વાંચું છું. બેલેન્સ સમાચાર અને દરેક કોમ્યુનિટી પ્રત્યે પ્રેમ, હળવા મળવાની તેમની આગવી પ્રતિભા એક અનેરો આનંદ બધાને આપે છે.

‘જીવંત પંથ’ નિયમિત વાંચુ છું. પણ આ વખતનો લેખે ડીપ્રેશન ઉપરનો છે. તે વાંચીને શ્રી સીબીને હું અભિનંદન આપુ છું. આપણા ભારતીય સમાજમાં ઘણા સ્ત્રી-પુરુષો આવા ડીપ્રેશનના ભોગ બનેલા છે, તેમને ખબર નથી કે તેઅો શા માટે હતાશા ભોગવે છે? આ વાંચી તેમને નવું બળ મળશે. સારા થવા માટે એક પંથ મળશે. જૈન ધર્મ કહે છે કે સારુ કર્યું, કરાવ્યું અને અનુમોદયું. બધામાં પૂણ્ય છે, તો તમને ઘણું ઘણું પૂણ્ય મળશે.

- સુધા કપાસી, કિંગ્સબરી.

૦૦૦૦૦૦૦

ચુંટણી પૂર્વે એનસીજીઓ દ્વારા રાજકીય બેઠક

યુકેની ચુંટણી અંગે તાજેતરમાં એનસીજીઓ દ્વારા યોજવામાં આવેલી આગામી બેઠકમાં ગુજરાતીઓના પ્રશ્નોની ચર્ચા થઇ. જે ખુબ જ પ્રસંશાને પાત્ર છે. આ બેઠકનું સંચાલન શ્રી સીબીએ કરેલું અને તેમને ખાસ જણાવેલ કે આ મહત્વની બેઠકમાં યુકેના અન્ય રાજકીય પક્ષોના મહાનુભાવો સહિત મહિલા રાજકારણી પણ હાજર છે. આ દેશ પ્રત્યે ગુજરાતીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. શ્રી સુભાષભાઈ ઠકરાર, શ્રી અલ્પેશ પટેલ, મુરબ્બી શ્રી કાન્તીભાઈ નાગડાએ રજૂ કરેલ મંતવ્ય ખૂબ જ અગત્યના હતા.

ગુનાહિત પ્રવૃત્તિમાં ગુજરાતીઓની સંખ્યા ખુબ જ ઓછી છે. ગુજરાતીઓ આ દેશના કાયદા કાનુનને માન આપે છે. છતાં પણ ગુજરાતીઅોને ઈમીગ્રેશનના મુદ્દે ખુબ જ મુશ્કેલીઓ પડે છે. આપણા વડીલો અને આપણી સ્વૈચ્છીક સંસ્થાઓને સરકાર તરફથી ખુબ જ ઓછું ભંડોળ મળે છે. જે ખુબ જ દુ:ખની બાબત છે. આગામી તા. ૭મી મે'ના રોજ ચુંટણી થઇ રહી છે ત્યારે યુકે માં રહેતા તમામ ગુજરાતીઓ એ સો ટકા મતદાન કરીને કોઇ એક રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી આપવી જોઇએ.

તારીખ ૨૭મી માર્ચના રોજ ભારતીય લોકસભામાં આદરણીય શ્રી અટલ બિહારી બાજપાઈજી અને મદન મોહન માલવિયાજીને ભારતનો સર્વોચ્ચ ઈલ્કાબ ભારત રત્ન એનાયત થયો. ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રી પ્રવણ મુખર્જીએ પ્રોટોકલની પરવા કર્યા વગર બીમાર બાજપાઈજીના ઘરે જઇ તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. જે ખુબજ પ્રસંશાને પાત્ર છે.

બાજપાઈજીનું જીવન રાષ્ટ્રને અર્પિત છે. તેઓ એક માત્ર એવા હયાત રાજકીય વ્યક્તિ છે જે પ્રથમ લોકસભાના સભ્ય હતા. તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન તરીકે નિમાયા હતા. એક વકત તો લોકસભામાં માત્ર એક મતથી હારી જતા તેમણે વડા પ્રધાન પદ છોડીને સાબિત કર્યું હતું કે તેઅો ખુરશી માટે સોદાબાજી કરતા નથી.

'ગુજરાત સમાચાર'માં 'તસ્વીરે ગુજરાત' કોલમના લેખક વિષ્ણુ પંડ્યાજી ભારતના રાજકીય ઈતિહાસનો ખુબજ બહોળો અનુભવ ધરાવે છે. તેમના લેખમાં શહીદ ભગત સિંહ વિષેની અજાણી વાતો રજૂ કરી છે. પંડ્યાજીએ કટોકટી સમયે જેલ વાસ પણ ભોગવ્યો હતો.

ભરત સચાણીયા, લંડન

૦૦૦૦૦000000૦૦૦૦૦૦

ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય

આપણે સર્વેએ ચૈત્રી નવરાત્રિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરી. સમગ્ર વિશ્વના માઈભક્તો, માતાજીના નવરાત્રિમાં પૂજા, અર્ચના, ભક્તિમાં તરબોળ રહી માતાજીના અવિરત આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા.

'જીવંત પંથ' તો ખરેખર જીવંત છે. ‘માં તે માં બીજા બધાં વગડાના વા’ પહેલાંની એક પણ કહેવત ખોટી નથી. તેનું આ 'જીવંત પંથ'માં સુંદર રીતે ઉલ્લેખ કરેલ છે. માની સાથે કોઈની સરખામણી ન થઈ શકે. આપે 'મા'ની ખૂબસુરતી સાથે ભગવાનને સરખાવી માતાને ઉચ્ચ સ્થાન આપી 'જીવન પંથ'ની વિશેષતા વધારી છે. આ લેખ વાંચી આંખો ભીની થઈ છે. 'મા'ની મમતા આંખોમાં માતાનો પ્રેમ નીતરતો નજરે પડે છે. આટલુ જૂનુ ૧૯૬૬નું કાવ્ય અત્યારે પણ તાજુ લાગે છે. આ તો 'ગુજરાત સમાચાર'ની ખૂબસુરતી છે. આવા જૂનાને સૌને મનહરતા કાવ્યો વાંચકોના મન બહેલાવે છે. તમે સૌ ધન્યતાને પાત્ર છે.

‘પ્રાણ જાયે પર ધરમ ન જાય.’

- ભાનુમતી એમ. પીપરીયા, ઈલફર્ડ

૦૦૦૦૦

આચરણ વગરનો ઉપદેશ

આજના સમયમાં આપણે નવયુવાનો માટે ફરિયાદ કરીએ છી કે આજના જુવાનિયા બગડી ગયા છે, સ્વભાવે સ્વચ્છંદી છે, મા-બાપને તરછોડે છે અને તેમની સેવા નથી કરતા કે સાંભળતા નથી વગેરે.

પરંતુ, તેમ થવા પાછળ આપણે નવયુવાનોને જવાબદાર ન ઠેરવી શકીએ. પરંતુ, આપણે માવતર પણ તેમને સારાં સંસ્કાર આપવામાં ઉણા ઉતર્યા છે તેમ સ્વીકારી લેવામાં કંઈ જ ખોટું નથી. બાળક કંઈ જન્મથી જ ખરાબ નથી હોતું. તે બાળકને જેવી તાલીમ મળે છે તે મુજબનું તે સ્વરૂપ ધારણ કરીને આપણી સમક્ષ પેશ થાય છે. આજના શિક્ષણમાં પણ બાળકોને કે નવયુવાનોને વડીલો - મા-બાપ પ્રત્યેના આદર્શ નથી શિખવવામાં આવતાં. (જે આપણાં સમયનાં ભણતરમાં શિખવવામાં આવતાં હતાં) તો આપણી જીવનશૈલીએ પણ આધુનિકતાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે કે આપણાં બાળકોનાં માર્ગદર્શક બનવાનું પણ ભૂલી શક્યા છે. બાળકો કે નવયુવાનો જે કંઈ યોગ્ય કે અયોગ્ય કરે તે આજનાં માવતર આંખ આડા કાન કરીને સ્વીકારી લેવાની વૃત્તિ ધરાવતાં થઈ ગયા છે.

આપણી સાચી સંપત્તિ તો આપણાં સંસ્કારી બાળકો છે. નહીં કે માલ મિલકત કે પૈસા. જ્યાં સુધી આપણાં બાળકોને માત-પિતા સુસંસ્કારી નહીં બનાવે ત્યાં સુધી માતા-પિતા પણ તેમના નવયુવાન બાળકો તરફથી કોઈ સુખની આશા નહીં રાખી શકે, સંભવ જ નથી.

આપણે ઊંઘતા હોઈએ અને બીજાને જાગવાનું કહીએ એ કેમ બને? આચરણ વગરનો ઉપદેશ ફોગટ છે, માટે આપણે બીજાને સુધારવા હોય તો પ્રથમ આપણે સુધરવું પડશે.

- નવનીત ફટાણીયા, હેનવેલ

૦૦૦૦૦૦૦


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter