તમારી વાત

Tuesday 21st June 2016 13:13 EDT
 

હવાતીયા મારતા અગ્રણીઅો
તા. ૧૧મી જૂન ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર’ના અંકમાં પાન નં. ૨૨ ઉપર ભાઇ કમલ રાવે લખેલો અમદાવાદ - લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટમાં જશ લેવા હવાતીયા મારતા અગ્રણીઅોનો લેખ વાંચ્યો.
આ સમાચાર વાંચીને ઘણુંજ દુ:ખ થયું. NCGOની કમિટીના ચંદ્રકાન્તભાઇ રાભેરૂ અને જીતુભાઇ પટેલ જેવા અગ્રણીઅોએ જાતે જાહેરમાં જણાવ્યું કે સીબી પટેલ અને ‘ગુજરાત સમાચાર -એશિયન વોઇસ’ આ ઝુંબેશમાં અગ્રેસર હતા. આ બન્ને અગ્રણીઅોએ જાહેરમાં આ સાચી હકીકત જણાવી તે ખરેખર હિંમતભર્યું કામ છે.
અરે મોદી સાહેબે ૬૦,૦૦૦ની મેદની વચ્ચે સીબી પટેલનું નામ પણ લીધું હતું, પછી આપણા આગેવાનો સરેઆમ ટીવી પર જશનો ટોપલો પોતાના માથે લેવાની પેરવી કરે તે કેટલી હદે યોગ્ય કહેવાય? ખરેખર આ શોભતું નથી. તમે આવા લોકોને ખુલ્લા પાડ્યા તે સારૂ કર્યું.
- દશરથભાઇ પટેલ, હેરો

NHSના અૌષધોમાં કથીત ભાવ વધારો
‘ડેઇલી મેલ’ અને ‘ધ ટાઇમ્સ’ અખબારોમાં આપણા બિઝનેસ અગ્રણી ભાઇઅો ભીખુભાઇ અને વિજયભાઇ પટેલ સામે કાદવ ઉછાળતા અહેવાલો છપાયા હતા. તે અંગે તા. ૧૧મી જૂન ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ’માં આપે અહેવાલ પ્રસિધ્ધ કર્યો તે ખૂબજ સારૂ કામ કર્યું. તમે અહેવાલ રજૂ કરીને આપણા વાચકોના મનમાં કોઇ ગેરસમજ ન ફેલાય તે માટે મહત્વનું કામ કર્યું. “એશિયન વોઇસ”નો તમારો તંત્રીલેખ દાદ માંગી લે તેવો રહ્યો .
અમુક લોકો આપણા ભારતીયો કે ગુજરાતીઅોની પ્રગતિ દેખી શકતા નથી અને તેને કારણે તેઅો શોધી શોધીને આપણા લોકોને આવી રીતે હાની પહોંચાડવાનું કાર્ય કરે છે. તમે સત્ય અહેવાલો રજૂ કરીને આ ગેરસમજને દૂર કરી તે અગત્યનું છે.
- રશ્મિકાંત શાહ, વેમ્બલી

જરૂરતમંદો માટે મોદી સરકાર વધુ કાર્ય કરે
શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ સત્તા પર આવ્યા ત્યારે ફક્ત ગરીબ પ્રજાના કલ્યાણ માટે જ બધું કરવાનો ખૂબ પ્રચાર કર્યો હતો. સરકારને સત્તા પર બે વર્ષ પૂરાં થયા તેનો ખૂબ પ્રચાર કરાયો હતો. આજના યુગમાં સરકાર અને મિનિસ્ટર્સ શું કાર્ય કરે છે તે દરરોજ ૨૪ અવર્સ ન્યુઝ અને મીડિયામાં લોકો જુએ જ છે.
કોઈપણ કાર્ય ઢંકાયેલું રહેતું નથી તો પછી આટલી મોટી ઊજવણી કરીને તેની પાછળ આટલો બધો સમય અને પૈસા ખર્ચવાની શું જરૂર છે ?
ખરેખર તો આખી દુનિયાના લોકશાહી દેશોમાં ભારતમાં જ સૌથી વધારે પૈસા, સમય અને શક્તિની બરબાદી થાય છે. લોકશાહી તો બ્રિટનમાં પણ છે, પરંતુ અહીં આટલી હદે સમય અને પૈસા વેડફાતા જોવા મળતા નથી.
હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોટા ખર્ચામાં કાપ મૂકીને ખરેખર જરૂરિયાતવાળી વ્યક્તિઓ પાછળ ખર્ચ કરવો જોઈએ. તેમ થશે તો જ ગરીબ પ્રજાનું કંઈક અંશે ભલું થશે.
- પરેશ પી. દેસાઈ, લંડન

યુવાપેઢીને માર્ગદર્શનની જરૂર
‘ગુજરાત સમાચાર’ના દરેક અંકમાં આવતા વાચકોના અભિપ્રાયોથી હું સારી રીતે પરિચિત છું.
તે અભિપ્રાયો અને સૂચનો વાંચ્યા પછી મારા મનની વાત આપની સમક્ષ લખું છું. આપનો અભિપ્રાય ‘ગુજરાત સમાચાર’ દ્વારા જ વાંચવા મળશે તેનો આનંદ થશે. યુ.કે.માં સમર(ગરમીના દિવસો) દરમિયાન ભારતથી ઘણા સંતો, પ્રવચનકારો અને કથાકારો આ દેશમાં અચૂક આવે છે. લોકો તેમની કથા-પ્રવચનો સાંભળે છે.
મને એવું લાગે છે કે વક્તાઓને બે-ચાર કલાક જુદા જુદા વિષયો પર સાંભળ્યા પછી સાંભળનારા લોકોએ પણ ક્યારેક પોતાના અભિપ્રાય સાથેના સમાચાર લખવા જોઈએ. તેની સાથે તંત્રીશ્રીએ પણ પોતાનો અભિપ્રાય લખવો જોઈએ.
આપણો યુવાવર્ગ દિવસે દિવસે આપણી સંસ્કૃતિ, તહેવારો, રીતરિવાજોથી દૂર થતો જાય છે યુવાનો આ દેશની સંસ્કૃતિ અને રીતરિવાજો અપનાવીને આપણાથી દૂર થઈ રહ્યા છે.
આપે આ બધા માટે પણ ક્યારેક કલમ ચલાવીને વાચકો સમક્ષ તમારો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. યુવાવર્ગ આપણો જ છે. તે આપણાથી જુદો થવાનો જ નથી. આપણે તેમના માટે પણ ક્યારેક પત્રમાં લખવું જોઈએ.
આપ મારા વિચારો સાથે સહમત હશો જ એવું તો નથી માનતો પણ યુવાનોના વિચાર, વાણી, વર્તન, રહેણીકરણી અંગે કોઈકે તો લખવું જ જોઈએ. બીજા લખે કે ન લખે, આપે જુદા જુદા વિષયો પર લખવું જોઈએ.
અંતમાં લખું કે આપણું પેપર વધુને વધુ વાચકોમાં વંચાતું રહે.
- ગોવિંદભાઈ કુંભારીયા, ટીપટોન

ભારતમાં ટુરિઝમનો વિકાસ જરૂરી
વર્ષોથી હું ‘ગુજરાત સમાચાર’નો ગ્રાહક છું, ચાહક છું. ભાઈશ્રી સી.બી.(ચંદ્રકાંતભાઈ)ના લેખો અને ઘણીવાર આવતી કવિતાઓ, ગીતો, ભજનો વગેરે વાંચીને ખૂબ આનંદ આવે છે.
આપણા ભારતમાં ખૂબ સુંદર સમુદ્રકિનારો છે. પરંતુ, ટુરીઝમ માટે સારી વ્યવસ્થા નથી. સગવડો નથી. અનેક જાતના સરકારી નિયંત્રણો છે. તે માટે સરકાર કંઈ કરે તો ટુરિઝમ પ્રવૃત્તિ ખૂબ જ વધે. દેશને ફાયદો થાય. એક પ્રસંગ લખું છું. ગઈ સાલ અમારા સ્નેહી નવીનભાઈ ક્રુઝમાં ફરવા ગયા હતા. તેમની બોટ પોરબંદર પણ ગઈ હતી. તેમાં યુરોપિયન ટુરિસ્ટ પણ મોટી સંખ્યામાં હતા. ઘણા ટુરિસ્ટને ૬૦ ડોલર ભરીને ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેવી હતી. પણ તે દિવસે તે બંધ હતું એટલે તેના વ્યવસ્થાપકોએ તે બતાવવાની ના પાડી દીધી.
‘ગુજરાત સમાચાર’ના અંક સાથે આપણા અહીંના મિલ્યોનેર સાહસિક ભાઈ-બહેનોની પ્રગતિ દર્શાવતો અંક મળ્યો જે સાચવી રાખવા જેવો છે. તેમાંથી પ્રેરણા લઈ જીવનમાં ઘણું જાણી શકાય.
- તુલસીદાસ ચાવડા, હેરો

બ્રેક્ઝિટ છાવણીની વાતો સત્યથી વેગળી
ઈયુ રેફરન્ડમ માટે બ્રેક્ઝિટ છાવણી દ્વારા ઘણી વાતો વધારીને કહેવામાં આવી છે. તેઓ સાર્વભૌમત્વ છીનવાઈ જવાની, યુકેમાં મોટાપાયે માઈગ્રેશનની અને ઈયુમાં લોકશાહીના અભાવની વાતો કરે છે. તેમનું કહેવું છે કે ઈયુ બહાર રહેવાથી ઝડપી વિકાસ થશે અને નવા વેપાર કરાર થશે. પરંતુ, નક્કર હકીકત દર્શાવે છે કે તેમની વાતો ખોટી છે.
સાર્વભૌમત્વની વાત કરીએ તો ઈયુમાં ૨૮ દેશો છે. તેમના સાર્વભૌમત્વનું શું ? તેઓ શું એમ કહેવા માગે છે કે માત્ર બ્રિટન જ સાર્વભૌમત્વ ગુમાવશે અને ઈયુના અન્ય દેશો નહીં ?
મોટાપાયે માઈગ્રેશન એ તેમની ઉપજાવી કાઢેલી કાલ્પનિક વાત છે. એવું કશું જ થવાનું નથી. આવી સ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થાતંત્ર છે. આમ તો માઈગ્રેશન આ દેશના આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ માટે સારું ગણાય.
અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે આપણને વધુ યુવાનોની જરૂર છે. લોકલ લોકો જે કામ કરવા ઈચ્છતા નથી હોતા તે કામો આ યુવાનો કરશે.
કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સમાં મિનિસ્ટર દ્વારા આપણું પ્રતિનિધિત્વ હોય, કમિશનમાં પણ પ્રતિનિધિત્વ હોય અને યુરોપિયન પાર્લામેન્ટમાં આપણા MEPદ્વારા પ્રતિનિધિત્વ હોય તો પછી ઈયુમાં લોકશાહીનો અભાવ કેવી રીતે ગણાય ? ઈયુના ત્રણે મુખ્ય સંસ્થાનોમાં આપણી રજૂઆતનું મહત્ત્વ છે. બીજું તેમને શું જોઈએ ?
આપણે બ્રેક્ઝિટ છાવણીએ ઉભા કરેલા ‘કાલ્પનિક ભય’ની અવગણના કરવી જોઈએ અને ઈયુમાં રહેવાનો નિર્ણય લેવો જોઈએ.
- બલદેવ શર્મા, હેરો


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter