દેવ દિવાળી વિશેષાંક

Tuesday 17th November 2015 10:25 EST
 

'ગુજરાત સમાચાર'નો દીપોત્સવી વિશેષાંક તા. ૬ નવેમ્બર ૨૦૧૫ને શુક્રવારે મને પોષ્ટમાં મળી ગયો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હરહંમેશ ધનતેરસના શુભ દિવસ પહેલા સર્વે લવાજમી વાચકોને દિવાળી અંક પહોંચાડી દે છે. હમણાં મે જાણ્યું કે બીજા ગુજરાતી છાપાનો દીપોત્સવી અંક (આજે સોમવારે તા. ૧૬ના લાભપાંચમના રોજ) પણ હજુ સુધી લવાજમી ગ્રાહકોને મળ્યો નથી.

ચાલો, આશા રાખું કે દેવ દિવાળી કે હોળી પહેલા તો તે જરૂરથી મળશે. સૌ વાચકો નોંધી લેજો કે એક બે અઠવાડીયામાં જ એ છાપા વાળા 'ઘોષણા' કરશે કે અમારો અંક વાચકોને ખૂબજ ગમ્યો વગેરે..

'ગુજરાત સમાચાર'ના દિપોત્સવી અંકમાં પહેલા જ પાના પર માનનીય વડાપ્રધાન ભાવપૂર્વક ભગવાન ગણેશની આરાધના કરી રહ્યા છે તે દ્રશ્ય ખૂબજ રોમાંચક છે. તે જ પ્રમાણે શ્રી મોદીજીના માતુશ્રી હીરાબા તથા લંડનના વે મેડવાળા ડો. ભીખુભાઇ, ડો. વિજયભાઇ અને શ્રીમતી મંજુબેનના માતુશ્રી શાંતાબા દ્વારા તમે આ દિપોત્સવી અંક આપણી માતૃશક્તિને સાદર કર્યો તે ખૂબજ પ્રભાવિત કરનાર છે.

નવું વર્ષ આપને, આપના સમાચાર પત્રોને અને સૌ સાથીદારોને સર્વ પ્રકારે સુખ, શાંતિ ભર્યું નિવડે તેવી પ્રભુ પ્રાર્થના.

- મનહર શાહ, ફિંચલી.

દીપાવલિ અંકનું વિશેષ વાંચન

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલા જ પાના પર મનોહર તસવીર સાથેનો દિવાળી વિશેષાંક દિવાળી પર્વ પહેલાં જ 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ'ના અંક સાથે મને તા. ૬ને શુક્રવારના રોજ ટપાલમાં મળ્યો. ખરેખર સુંદર ગ્લોસી પેપર પર મનોરમ્ય તસવીરો સાથેનો આ દિવાળી વિશેષાંક તેમાં સમાવાયેલ માહિતીને કારણે ખૂબ જ ગમી ગયો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી બ્રિટનની મુલાકાતે આવનાર હતા ત્યારે જ તેમણે વિવિધ દેશોની મુલાકાત લઇને ભારતની યશગાથામાં વધાારો કર્યો તેની માહિતી વાંચીને ખૂબજ આનંદ થયો. આ ઉપરાંત શ્રવણની જેમ પોતાની જનેતાની સેવા કરનાર વે મેડના ભીખુભાઇ અને વિજયભાઇના માતૃપ્રેમ વિષેનો લેખ વાંચીને નતમસ્તક થઇ ગઇ. આ ઉપરાંત વિવિધ લેખો, વાર્તાઅો, કવિતાઅોે વગેરે વાંચીને મારી દિવાળી સાચા અર્થમાં સુધરી ગઇ.

રશ્મિ દેસાઇ, હેરો.

મને બજારમાં દિવાળી અંક ન મળ્યો

હું છેલ્લા ૨૨ વર્ષથી 'ગુજરાત સમાચાર' નિયમીત મંગાવું છું. પરંતુ આ વર્ષે દિવાળી પૂર્વે મારે ભારત જવાનું હોવાથી મે ત્રણ મહિના માટે મારા લવાજમને કામચલાઉ વિરામ આપ્યો હતો. પરંતુ કમનસીબે મારુ ભારત જવાનું રદ થયું. તે દરમિયાન જ મારા મિત્રએ મને ફોન કરીને જણાવ્યું કે આ વખતના દિવાળી અંકના પહેલા પાના પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગણપતિ દાદાની આરતી કરતા હોય તેવો અલભ્ય અને કદી ન જોયો હોય તેવો ફોટો છપાયો છે અને લગભગ ૩૫-૪૦ પાના ભરીને શ્રી નરેન્દ્રભાઇ મોદી અને તેમના પ્રવાસો તેમજ કામગીરી અંગે માહિતી રજૂ કરાઇ છે.

મેં દીપાવલિ વિશેષાંક મેળવવા સ્થાનિક દુકાનમાં તપાસ કરતા દુકાનવાળા ભાઇએ જણાવ્યું કે 'ભાઇ, મારે ત્યાં આવેલા 'ગુજરાત સમાચાર'ના બધા દિવાળી અંક વેચાઇ ગયા છે. હું તમારા માટે દિવાળી અંક મંગાવી આપીશ.' મેં બીજા અખબારનો દિવાળી અંક છે કે કેમ?' તેમ પૂછતા તેમણે જણાવેલ કે 'ના બીજા અખબારનો દિવાળી અંક હજુ સુધી આવ્યો નથી'. મને ખૂબજ આશ્ચર્ય થયું કે 'ગુજરાત સમાચાર'ના દિવાળી અંક ચપોચપ વેચાઇ ગયા અને દિવાળીના દિવસે પણ બીજા છાપાવાળાનો દિવાળી અંક હજુ વેચાવા આવ્યો નથી. આ તો કેવું તંત્ર કહેવાય? વાચકોને દિવાળી પછી દિવાળીનો અંક મળે તે કેવું?

અતુલ પુરોહિત, વેમ્બલી.

દિવાળી અંકમાં વાચન-વૈવિધ્ય

આદરણીય સી.બી. અને કાર્યાલયના સૌ મિત્રોને દિવાળીની શુભકામના. આપ સૌએ દિવાળી પહેલાં જ ગ્રાહકોને દિવાળી અંક પહોંચાડી વાચન-વૈવિધ્યરૂપી મિઠાઈ પીરસી. બાળલેખકોના લેખ પ્રગટ કરી ભાવિ લેખકવૃંદને પ્રોત્સાહિત કરવા ભાવી પાળ બાંધી લીધી.

ભારતના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરદેશની મુલાકાતથી ભારતની પ્રતિભાને મંચ પર પ્રસારિત કરી રાષ્ટ્ર ભાવનાને મૂર્ત કરી.

લોકપ્રિય સાપ્તાહિકના ગ્રાહક થવામાં રાજી રહું છું અને તેની ઉત્તરોત્તર પ્રગતિ ઈચ્છું છું.

હીરાભાઈ મ. પટેલ, લુટન

આધુનિક શ્રવણ

‘ગુજરાત સમાચાર’ દ્વારા બ્રિટનના જુદા જુદા શહેરોમાં વડિલ સન્માનના કાર્યક્રમોની યોજના પછી શ્રવણ જેવા સંતાનોનું સન્માન કરવાનું આયોજન ખૂબ આવકાર્ય છે.

જાણીતા અંગ્રેજી અખબારના સમાચાર મુજબ સાઉથ એન્ડ સીના ૫૪ વર્ષના રહેવાસી શ્રી નરેશ અગ્રવાલને ગયા વર્ષે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તેમને ‘લીવર ટ્રાન્સપ્લાન્ટ’ની જરૂર છે અને જો તે નહી મળે તો તેઓ કદાચ એક વર્ષથી વધારે નહીં જીવે. તેના પરિણામે તેમના ૨૧ વર્ષના બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દીકરા ડે અગ્રવાલે કોઈ ખચકાટ વિના તેના લીવરનું પિતાની જીંદગી બચાવવા દાન કર્યું. જીવતા માણસના અંગોનું દાન કરવું જોખમી કહેવાય છે, પરંતુ છ મહિના પછી ડે અને નરેશભાઈ બંનેની તબિયત સારી છે.

એશિયન સમાજ કેટલાય કારણોસર ‘ઓર્ગન ડોનેશન’માં ખૂબ પાછળ છે. આ અગ્રવાલ પરિવારનો સંપર્ક કરીને આ કિસ્સાને પ્રકાશમાં લાવશો તો મારા મંતવ્ય મુજબ કદાચ તે બીજા પરિવારો માટે પ્રેરણાદાયક બની રહેશે. ડે અગ્રવાલને ખૂબ ધન્યવાદ અને પ્રભુ તેમને લાંબુ અને તંદુરસ્તીભર્યું આયુષ્ય આપે તેવી પ્રાર્થના.

- મુકુન્દ આર. સામાણી, લેસ્ટર.

‘શ્રવણ સન્માન’

આ દેશની ધરા ઉપર વૃદ્ધાશ્રમ વધતા જાય છે અને આથમતી સંધ્યાએ પહોંચેલ વડીલોની તેઓના જીવનની સાર્થકતાને અહેસાસ કરાવી, કામમાં અતિ વ્યસ્ત હોવા છતાં ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સી. બી. સાહેબ તથા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવીને સન્માન કરતા રહો છો તે ખરેખર પ્રસંશનીય છે. હવે એક અનોખુ અદભૂત અને અલૌકિક ‘શ્રવણ સન્માન’ કરવામાં માગો છો તે જાણીને ખરેખર ખુશી થાય છે.

શ્રવણ અતિ ગરીબ મા-બાપનો દીકરો હતો, જેણે પોતાના અંધ મા-બાપની અંતિમ સમય સુધી ભવ્ય રીતે સેવા કરીને પોતાના ખભા ઉપર કાવડ રાખી ત્રાજવામાં મા-બાપને બેસાડી ઉઘાડા પગે માઈલો ચાલીને અર્વણનીય જાત્રા કરાવેલ. આ દેશના દિકરા, દિકરી, જમાઈ કે પુત્રવધુ કે જેઅો મા-બાપની અંતીમ સમય સુધી તન, મન અને ધનથી નિસ્વાર્થ સેવા કરે છે તેવા સદગુણી વ્યક્તિનું ‘શ્રવણ સન્માન’ કરવા માગો છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપ હિન્દુસ્તાનની ‘માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ’ના સુત્ર અને સંસ્કૃતિને જીવંત રાખવા માંગો છો. આપ દિકરા દિકરીના મનમંદિરમાં મા-બાપ તરફની ફરજને અખંડ રાખવા માગો છો તેને માટે સી.બી.સાહેબ અને તમારા કાર્યકર્તાઓને માટે મારી પાસે શબ્દ નથી.

ખરેખર તમો ‘સત્યમ શિવમ સુંદરમ્’નું કાર્ય કરવા માગો છો. અમારી પ્રભુ પાસે એજ પ્રાર્થના છે કે આવા ભગીરથ કાર્ય કરવા ઇશ્વર તમને ખૂબ જ શક્તિ આપે.

- સુધા રસિક ભટ્ટ, બેનસન

ગુજરાત સમાચારના ગુણલાં’

‘ગુજરાત સમાચાર’ના ગુણલાં કેમ ના ગાઈએ?

આખુ વરસ નિયમિત દર અઠવાડિયે વાંચકોને ‘ગુજરાત સમાચાર’ મળ્યું છે અને એ જ પ્રમાણે નવા શરૂ થતા વરસમાં એવો જ લાભ મળે એવી આશા રાખીએ છીએ અને તે માટે સર્વ કાર્યકર્તાઓને અભિનંદન અને આભાર.

સાથે દિવાળીના તથા નવા વરસના ખૂબ ખૂભ અભિનંદન અને વડિલોના આશિર્વાદ તથા સહુ વાંચકોને પણ નવા વરસની શુભકામનાઓ. સી.બી.ના ‘જીવંત પંથ’ વાંચવાની ખૂબ જ મઝા આવે છે ખૂબ જ જાણવાનું મળે છે. જુની કવિતાઓ યાદ કરાવો છો મઝા આવે છે પેપર ખોલું કે પહેલાં જ ‘જીવંત પંથ’ જ વાંચુ છું.

આપણા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વેલકમ કહીએ એમનામાં મૈત્રીભાવના ખૂબ જ છે. નરેન્દ્ર મોદી કવિ પણ છે એમની કવિતા ‘કાગળ પરના દીવા’ કેમ ભૂલી શકાય? જે અત્રે પ્રસ્તુત કરૂ છું.

‘પ્રારબ્ધને અહિંયા ગાંઠે કોણ?

હું પડકાર ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહિ

હું જાતે બળતું ફાનસ છું.

ઝળહળાંની મોહતાજ નથી

મને મારું અજવાળું પૂરતું છે.

અંધારામાં વમળને કાપી, કમળ તે જ તો સ્ફુરતું છે.

ધુમ્મસમાં મને રસ નથી, હું ખૂલ્લો અને નિખાલસ છું.

કુંડળીને વળગવું ગમે નહિ. ને ગ્રહો ને શિર નમે નહિં.

કાયરોની શતરંજ પર જીવ સોગઠાં બાજી રમે નહિ.

હું પોતે જ મારો વંશ જ છું. હું પોતે મારો વારસ છું.

પ્રારબ્ધને અહિંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનાર માણસ છું.

- નરેન્દ્ર મોદી.

મેં એમની આ કવિતા વાંચી છે. મને ખૂબ જ ગમી છે. સી.બી પટેલ તથા ‘ગુજરાત સમાચાર’ના સર્વ કાર્યકર્તાઓને નૂતન વર્ષાભિનંદન અને ખૂબ પ્રગતિ કરતું રહે એવી અભ્યર્થના.

- નીરુબેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ.

000

જનસેવાના યજ્ઞની જીવનજ્યોત

નમસ્કાર, વિક્રમ સંવત ૨૦૭૨થી શરૂ થતા નૂતનવર્ષાગમનના પવિત્ર અવસરે અમે અંતરથી અભિલાષા રાખીએ છીએ કે આનંદ ઉમંગના કિરણ કેસુડાં વેરતું સુવર્ણ નવપ્રભાત હો. વિધવિધ દિશાઓમાંથી મિલનના સુર જલ-પ્રવાહો સાગરને મળવા ઉમટે તેમ આપ સર્વના મુખમંડળ પર આનંદ-મંગળની રમ્ય રંગોળી દીપતી રહે, સમગ્ર વાતાવરણ ખુશનુમા રહે, જન્મભૂમિ-કર્મભૂમિના કલ્યાણકાજે જનસેવાના યજ્ઞની જીવનજ્યોત વિશ્વના વિરાટ તેજપુંજમાં સદા જલતી રહે. સ્વપ્ન અને સિદ્ધિની વચ્ચે સર્વદા સાધનાની સરિતા વહેતી હોય છે. અખંડ શ્રદ્ધાના હલેસાં અને અવિરત પુરુષાર્થની નૈયાવડે ભગીરથ સાધના-સરિતાને સફળતાપૂર્વક પાર કરી શકાય એવું કાર્ય આપ કરી રહ્યા છો.

સ્નેહીશ્રી સી.બી. સાહેબ, મારી પાસે આપના માટે શબ્દો ખૂટી પડ્યા. ખરેખર ધન્ય છે, આપની ધરીજ, કાર્યદક્ષતા, આદર્શવાદ, વિચારશક્તિ, શૈલી, સમય, અતૂટ પરિશ્રમ, સમાજના વિકાસ માટે આપી રહેલ યોગદાન સાથે આપની વ્હાલી અર્ધાંગિની પુષ્પાબહેન, સ્વજનો તેમજ 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ની કાર્યકર્તા સમિતિના સાથ સહકાર માટે કોટિ કોટિ અભિનંદન.

- સરયુબહેન શિરીષભાઈ પટેલ, બર્મિંગહામ.

માણસાઈના દીવા

દીપાવલી અને નૂતનવર્ષનું આગમન થઈ રહ્યું છે. એ પ્રસંગે સર્વેનું જીવન પવિત્ર, રસમય અને પ્રેમમય અને પ્રામાણિક તથા પ્રકાશમય બની રહે, દરેક વાચક મિત્રોને નવું વર્ષ સુખમય રહે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. નવા વર્ષે જીવનમાં એવો સંકલ્પ લઈએ જેથી કરીને આપણે સમાજમાં ઉપયોગી થઈ શકીએ. અહીંની વસાહત પાસેથી એક વસ્તુ આપણે અપનાવી શકીએ છીએ અને તે છે માણસાઈના દીવા. તો આપણે સહુ માણસાઈના દીવા બની અરસપરસ મદદરૂપ થવાની આકાંક્ષા રાખી જીવન સુગંધી બનાવીએ.

અહીં સર્વેને અનુભવ થયો હશે કે બસમાં, ટ્રેઈનમાં અગર બીજી કોઈ જાહેર જગ્યામાં જે વ્યક્તિ ડિસેબલ હોય તેને પહેલો પ્રેફરન્સ અહીંની પ્રજા આપે છે. પણ અમુક સમયે આવું જોવા મળતું નથી. તો આ એક સોનેરી સંકલ્પ નવા વર્ષમાં અપનાવી માણસાઈના દીવા પ્રગટાવીએ અને જીવન સુંદર બનાવીએ. આ શુભ પ્રસંગે માનનીય શ્રી સી.બી સાહેબને તેમજ ગુજરાત સમાચારના કાર્યકર્તાઓને પરમકૃપાળુ પરમાત્મા સુખમય જીવન આપે અને 'ગુજરાત સમાચાર' દિન પ્રતિદિન પ્રગતિના શીખરો સર કરે તેવી મારા તરફથી સર્વે ગ્રાહકમિત્રો તરફથી શુભકામના પાઠવું છું.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

દાળ મોંઘી અને દારૂ સસ્તો?

આજકાલ ભારતના ટીવી-અખબારોમાં ગરીબ માણસો દાળ ખૂબ જ મોંઘી થઈ ગઈ હોવાની અને દાળ લેવી પોષાતી નથી તેથી દાળ સાવ પાણી જેવી ખાવી પડે છે વગેરે ફરિયાદો કરતા જોવા મળે છે. આજ ગરીબ માણસોને દર અઠવાડિયે પરિવાર સાથે સિનેમામાં જઇને ફિલ્મ જોવી મોંઘી નથી પડતી. દર રવિવારે પરિવાર સાથે ફરવા જાય ત્યાં મસાલા-ઢોંસા, પાણીપુરી, ભાજીપાંઉ ઝાપટવા મોંઘા નથી લાગતા. આજે તો દરેક ઘરમાં જેટલા સભ્યો એટલાં મોંઘામાંના ઈન્ટરનેટ સાથેના મોબાઈલ ફોન વસાવે છે. એક વ્યક્તિ રોજના રૂ. પચાસના પાન-મસાલા, ગુટખા પેટમાં પધરાવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ પણ દરરોજ દારુ પીતો હોય છે. આ બધું જ બિનજરૂરી અને મોંઘું છે. છતાં તેના વગર ગરીબ માણસ ચલાવી લેતો નથી અને સૌને માત્ર દાળ જ મોંઘી પડે છે. જે વસ્તુ બિનજરૂરી છે તેનો ઉપયોગ ન કરીએ તો દાળ મોંઘી ન લાગે.

દાળ મોંઘી છે તેવા બહાનાં હેઠળ નમો અને નમો સરકારને નિષ્ફળ સરકાર ઠરાવવાના વાહિયાત પ્રયાસો થઈ રહ્યા છે. દાળ મોંઘી થવાનું કારણ આ વર્ષે દુષ્કાળના કારણે દાળનું ઉત્પાદન ઓછું થયું છે અને સરકારને બદનામ કરવા કે કાળાબજાર કરવા માટે સંગ્રહખોરો દાળનો સંગ્રહ કરી રાખે છે.

નમો સરકાર આવવાથી લાંબાગાળા બાદ ભારત દેશને બીજા ઘણાં ફાયદા થશે. આપણે સ્વતંત્ર થયા તેના અડસઠ વર્ષમાં ઘણા વડા પ્રધાન આપણને સુખી નથી કરી શક્યા ત્યારે હવે ચાર વર્ષ નમોને પણ ચકાશી જુઅો. રાહ જોવામાં શું ખોટું છે? દેશના વડા તો નમો જ હોવા જોઈએ, કોઈ દેશને વેચવાવાળા કે ગોટાળા કરવાવાળા તો નહીં જ.

- નવનિત ફટાણિયા, હેનવેલ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter