ભારતમાં ધીમી ન્યાય પ્રક્રિયા

Tuesday 22nd September 2015 11:09 EDT
 

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧૯મી સપ્ટેમ્બરના અંકના પ્રથમ પાને મુંબઈ ખાતે ૨૦૦૬માં ટ્રેઈનમાં થયેલા ત્રાસવાદી હુમલાના ચુકાદાના સમાચાર વાંચીને દુ:ખ થયું. અમેરિકાના ટ્વીન ટાવર પર થયેલા ત્રાસવાદી હુમલા પછી ભારત અને વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. ૨૦૦૬માં મુંબઇની લોકલ ટ્રેઈનમાં એક પછી એક જોરદાર હુમલા થયા. મુંબઈમાં દરરોજ લાખો મુસાફરો લોકલ ટ્રેઇનમાં અવર જવર કરે છે તેનો લાભ ઉઠાવીને ત્રાસવાદીઓએ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.

ભારતમાં કાયદો વ્યવસ્થામાં ઘણી ખામી છે. જાહેર સ્થળો પર પોલીસની હાજરી નામની હોય છે, જે એક ગંભીર બાબત છે. ટ્રેઈન બ્લાસ્ટનું લક્ષ્ય મોટાભાગે ગુજરાતીઓ હતા. પાકિસ્તાની ત્રાસવાદીઓએ આ બ્લાસ્ટને અંજામ આપી ફરાર થઇ ગયા, જેઅો આજ દિવસ સુધી પકડાયા નથી. આ ચુકાદાને આવતા ઘણા વર્ષો થયા અને હવે પછી પાછું ચુકાદા સામે અપીલ થશે અને તેમાં પણ ખુબ જ વિલંબ થશે.

ભારતમાં આવા ગંભીર ગુન્હાઓ માટે ઝડપથી ન્યાય તોળવા માટે હવે સમય આવી ગયો છે. ત્વરીત ચુકાદા આવશે તો સમય અને પૈસાના બચાવ સાથે ગુન્હાઓમાં પણ ઘટાડો થશે. તાજેતરમાં જ ભારતની સેનાને જીવતા પાકિસ્તાની ત્રાસવાદીઓને પકડવાની સફળતા મળી છે અને ભારતે પુરાવા સાથે વિશ્વ સમક્ષ સાબિત કરી દીધું છે કે ભારતમાં અશાંતિ ફેલાવવાનું કામ પાકિસ્તાન કરે છે. પકડાયેલા ત્રાસવાદીઓ પર ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરીને સમય અને પૈસાનો બચાવ કરવામાં આવે તો દેશની પ્રજા માટે ખુબ જ લાભદાયક થશે અને નવા આતંકવાદીઅોને પણ સંદેશ જશે કે ભારતમાં તાત્કાલીક ન્યાયી કાર્યવાહી થાય છે.

ભરત સચાણીયા, લંડન.

ભલે પધારો નરેન્દ્ર મોદી

આપણા લાડીલા મોદી નવેમ્બરમાં અહીં લંડન પધારે છે. તેમની ફક્ત ૩ દિવસની મુલાકાત દરમિયાન શ્રી મોદીનું વેમ્બલી સ્ટેડીયમમાં જાજરમાન સ્વાગત થશે અને ૭૦,૦૦૦થી પણ વધારે ભારતીયો હાજર રહેશે અને સંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવાશે. આ મુલાકાતથી બે મહાન રાષ્ટ્રો ગૌરવશાળી બનશે.

'ગુજરાત સમાચાર'માં તો ખૂબ જ વિગતવાર લખેલ છે અને હજુ વિશેષ માહિતી આપશો. સૌ ભાઈઓ, વડીલો, બહેનોને નમ્ર વિનંતી કે આપણા સેવાભાવી શ્રી નરેન્દ્ર મોદીને ખૂબ જ મઝાનો આવકારઆપી આશીર્વાદ આપો. કારણ કે તેમણે ભારત માટે અને અહીં પણ આપણા માટે તન-મન-ધનથી સેવા આપી છે. ક્વિન એલિઝાબેથ અને શ્રી કેમરનને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઅો આ દેશમાં આપણી કદર કરે છે અને સેવા આપે છે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

માનવતાની મહેક

યુદ્ધગ્રસ્ત સિરિયામાં એક જ ધર્મમાં પ્રવર્તતી જુદી માન્યતાઓને કારણે થતી, ભાંગફોડ, ખુનખરાબી અને હિંસાથી બચવા લાખોની સંખ્યામાં મુસ્લિમ નિરાશ્રીતોએ યુરોપના દેશો તરફ દ્રષ્ટી માંડી છે. ના છૂટકે, હદપાર થનારા આ લોકોના કારણે સ્થાનિક સરકાર માટે સમસ્યા ઉભી થઇ છે. નિરાશ્રીતોમાં બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓનો પણ સમાવેશ હોય છે. લાંબી મુસાફરીમાં ભૂખ, તરસ અને ઉજાગરો વેઠવાના કારણે ઘણા નિરાશ્રીતો અસ્વસ્થ થયા છે તો અમુક મરણ પણ પામ્યા છે.

કેટલાક કટ્ટરવાદી મુસલમાનો ઇસ્લામ ધર્મને નહિ માનનારાઓને કાફિર કહે છે અને તેમના ધર્મનો અને સંસ્કૃતિનો પણ વિરોધ કરે છે અને તેમને દુશ્મન માને છે. સિરિયાની આસપાસ આટલા બધા સમૃદ્ધ મુસ્લિમ દેશો હોવા છતાં, આ લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને પણ યુરોપના દેશોમાં આશરો મેળવવા પસંદ કરે છે. નિરાશ્રીત લોકો સાથે જે સહાનુભુતિ દર્શાવવામાં આવે છે, માનાવતાપૂર્વક વર્તન થાય છે, તે જોતા એમ લાગે છે માનવતા મરી પરવારી નથી. ખૂબીની વાત એ છે કે ખ્રિસ્તી લોકોમાં ધરમ માટે કોઈ ઘેલછા જણાતી નથી. ધરમના નામે ધતિંગ થતા નથી. માનવ સેવા એજ તેઓ માટે શ્રેષ્ટ ધરમ છે એવું લાગે છે. કદાચ આથીજ પૃથ્વી ઉપર સ્વર્ગ હોય તો અહીજ હોય એવો અહેસાસ થાય છે!

નિરંજન વસંત, લંડન

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી

ભારતની સાંસદમાં રાજકારણીઅો દ્વારા હોબાળો મચાવવાનું ઘટનાચક્ર વર્ષોથી બંધ થતું નથી. રાજકર્તા પાર્ટી પોતાની ભૂલો છાવરવામાં વ્યસ્ત બની જાય છે. વિરોધપક્ષ દોષારોપણમાં લાગી જાય છે. મહત્ત્વના નિર્ણયો બાજુએ રહી જવા પામે છે. જનતાના કરોડો રૂપિયાનો વ્યય થાય છે. બુદ્ધિજીવી વર્ગ ટી.વી.ની ચેનલો પર ગરમાગરમ ચર્ચામાં ઉતરી જાય છે. સરવાળે ફીફાં ખાંડીને સંસદનું સત્ર સમાપ્ત થઈ જાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 'કોંગ્રેસે ગાંધી પરિવારને બચાવવો છે, અમારે દેશને બચાવવો છે'. મોદીજીનું કથન સાવ સાચું છે.

સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બાદ છેક ૪૦ વરસ પછી તેમને ભારતરત્નનો ઈલ્કાબ અપાયો. એક સાદો સમારંભ યોજીને આ મરણોત્તર ખિતાબ તેમના પૌત્ર વિપિન પટેલને સુપ્રત કરવામાં આવ્યો. જ્યારે 'ગાંધી પરિવાર બચાવો'વાળી કોંગ્રેસ સરકારે સરદારશ્રી પહેલાં રાજીવ ગાંધીને ભારતરત્નનો મરણોત્તર એવોર્ડ આપી ચુકી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ કરતા રાજીવ ગાંધીને ચડીયાતા ગણતી કોંગ્રેસને એટલું પણ ભાન નથી કે સરદારશ્રીની દેશસેવા આગળ 'ભારત રત્ન'નો ખિતાબ પણ ટૂંકો પડે, અને સવાલ એ પણ થાય છે કે શું રાજીવ ગાંધી ભારત રત્નને લાયક હતા? 'ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી'વાળી કહેવત યાદ આવી જાય છે.

- જગદીશ ગણાત્રા, વેલીંગબરો.

ટપાલમાંથી તારવેલું:

* વેમ્બલીથી રમેશભાઇ મહેતા જણાવે છે કે અની દેવાણી કેસના સમાચાર વાંચીને ખૂબજ દુ:ખ થયું. અની દેવાણીને આફ્રિકામાં તો ન્યાય ન મળ્યો અહિં યુકેમાં પણ હવે શ્રીયેનને માત્ર પ્રશ્નોની યાદી જ મોકલવામાં આવશે. શું અન્નીના મોત અંગે શ્રીયેને એક પતિ તરીકે જાહેરમાં સાચી વિગતો જાહેર ન કરવી જોઇએ?

* અતુલભાઇ પુરોહિત, હેરોથી જણાવે છે કે 'ગુજરાત સમાચાર'ની ચેરીટી સંસ્થા કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા એ-લેવલમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઅોને આશરે £૮,૦૦૦નું ઇનામ આપવામાં આવશે. આપણી ભારતીય ચેરીટી દ્વારા વિદ્યાર્થીઅોને ઉત્તેજન આપવાનું આવું ઉમદા કાર્ય સૌ પ્રથમ વખત થઇ રહ્યું છે. જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

* તેજપાલભાઇ શાહ, લેસ્ટરથી જણાવે છે કે સીબીનો જીવંત પંથ, વિષ્ણુભાઇ પંડ્યા અને હરિભાઇ દેસાઇની કોલમ વાંચવાની ખૂબજ મઝા આવે છે. 'ગુજરાત સમાચાર'માં દેશ વિદેશના તમામ સમાચારનો સમાવેશ ખૂબજ સરસ રીતે કરાય છે અને જો 'ગુજરાત સમાચાર' વાંચવા ન મળે તો જાણે કે જીવનમાં કાંઇક ખુટતું હોય તેમ લાગે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter