રામ રોટલાની ૧૯૫મી વર્ષગાંઠ

Tuesday 30th December 2014 11:24 EST
 

પૂજ્ય જલારામ બાપા ત્યાગ, વૈરાગ્ય અને શક્તિના મૂર્તિરૂપ હતા. વ્યક્તિઓના અંગતજીવનમાં અને સામૂહિક જીવનમાં પ્રેરણાસ્ત્રોત હતા. સહજ સાદગીને વરેલા પૂજ્ય જલારામ બાપા અને માતુશ્રી વિરબાઈએ ભૂખ્યાને જમાડવાનું ઉત્કૃષ્ઠ સેવાનું ઉદારણ પૂરું પાડ્યું છે.

વતન વીરપુરમાં સોમવાર તા. ૧૭ જાન્યુઆરી ૧૮૨૦ના રોજ ભૂખ્યાને જમાડવા માટે તેમણે સદાવ્રત શરૂ કર્યું હતું અને ત્યારથી શરૂ થયેલા 'રામ રોટલા'એ ઈતિહાસ સર્જી દીધો છે. તેમનું આ પુનિત કાર્ય આજે દેશ-વિદેશમાં ફેલાઈ ગયું છે.

જાન્યુઆરી ૨૦૧૫ના નવા વર્ષની સાથે સાથે 'રામ રોટલા'ની પણ વર્ષગાંઠ છે. આ વર્ષે વિરપુરમાં સદાવ્રત શરૂ થયાને ૧૯૫મું વર્ષ થશે.

શ્રી હિન્દુ મંદિર, વેલિંગબરોમાં દર વર્ષે 'રામ રોટલા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. મંદિરમાં છેલ્લા ૨૫ વર્ષથી જલારામ ભજન-ભોજનનો પ્રસંગ દર મહિનાના પહેલા શુક્રવારે થાય છે.

- જગદીશ ગણાત્રા, વેલિંગબરો

પેશાવરમાં આંતકી હુમલો

પેશાવરમાં આંતકી હુમલાની કરૂણ ઘટનાના સમાચાર વાંચ્યા. તાલિબાન આતંકીઅોએ પ્રભુના પ્રાણ પ્યારા બાળકોની હત્યા કરી. ખૂબ જ આઘાત લાગ્યો છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ આપે.

આપણા ગુજરાતી બેરોનેસ શ્રીતિ વડેરા સેન્ટાડર બેન્કના યુ.કે.ના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે. શ્રીમતી તૃપ્તીબેન પટેલ પણ 'હિન્દુ ફોરમ ઓફ બ્રિટન'ના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા. બંને બહેનોને આપણા ગુજરાતી સમાજને ખ્યાતી અપાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સમાચારો ફક્ત 'ગુજરાત સમાચાર'માં જ જાણવા મળે છે.

આપણા લાડીલા નેતા કીથ વાઝ ખરેખર આપણી અને દરેક કોમ્યુનિટી માટે ખૂબ જ સેવા આપે છે. બોલવું સહેલું છે, પણ કરવું અઘરું છે. પાન-૧૪ ઉપર શ્રી સી.બી.નો જીવંતપંથ વાંચ્યો. શ્રીતિ વડેરાની જે પ્રશંસા કરી અને એક યા બીજા દાખલા આપી જે વિગતવાર જણાવ્યું તે બદલ શ્રી સી.બી.નો ખૂબ ખૂબ આભાર છે.

આપ સર્વેને ક્રિસમસ મુબારક અને હેપ્પી ન્યુ યર પાઠવું છું. આપણાં પ્રાણ-પ્યારા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' ખૂબ જ પ્રગતિ કરે છે અને હજુ વિશેષ પ્રગતિ કરે તેવી મારી શુભેચ્છા.

- પ્રભુદાસ જે પોપટ, હંસલો

સફાઈ અભિયાન

ભારતના મધ્યપ્રદેશમાં ભોપાલમાં ૩૦ વર્ષ પહેલાં તા. ૨ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાએ અમેરિકન માલિકીની ‘યુનિયન કાર્બાઈડ’ કંપનીમાં સ્થાન લીધું. આ ભયાનક બનાવે ૨૫,૦૦૦ નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો અને આજે ૩૦ વર્ષ પછી પણ આ ફેક્ટરીમાંથી નીકળેલી ઝેરી કચરો જમીનના ઊંડાણ અને પાણીમાં મળી ગયા હોવાથી આજે પણ ખતરનાક બને છે. હજુ પણ કંપનીના આંગણામાં ટોક્સીક વેસ્ટ ભાંગેલા તૂટેલા ૩૪૭ જેટલા કન્ટેઈનરોમાં સચવાયેલા છે અને નિર્દોષ લોકો તેનો શિકાર બને છે.

એમનેસ્ટી ઈન્ટરનેશનલ ચેરિટીના પ્રવક્તાના મંતવ્ય મુજબ જે લોકો આ અકસ્માત સમયે જન્મ્યા પણ નહોતા તેઓ પણ ભયંકર શારીરિક બીમારી સાથે જન્મ લે છે કે બિમારીના ભોગ બને છે. ૧૯૯૮માં યુનિયન કાર્બાઈડ કંપની ડોવ કેમિકલ કંપનીએ ખરીદી. હવે આ ઝેરી કચરાના નિકાલ માટે તેઅો કહે છે કે આ જમીનની માલિકી મધ્યપ્રદેશ સરકારની છે અને એટલે સફાઈની જવાબદારી પણ સરકારની છે અમારી નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે એ આવકાર્ય છે પરંતુ આ સરકાર આ ટોક્સીક વેસ્ટની સફાઈ કરવા માટે તાત્કાલિક હકારાત્મક પગલાં લે અને ભાવિ પેઢીના સ્વાસ્થ્યનું રક્ષણ કરે એવી આશા રાખીએ.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

રણમાં મીઠી વીરડી

ઈંગ્લેન્ડની ગુજરાતી પ્રજામાં લોકપ્રિય બનેલાં અઠવાડિક અખબારો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નો હું વર્ષોથી પ્રશંસક રહ્યો છું. મારા ભારતના વરસવાટ દરમિયાન પણ મારો લંડનમાં સ્થાયી થયેલ પુત્ર બન્ને અખબારો મોકલાવતો રહે છે.

યુ.કે. જેવા અંગ્રેજીથી પ્રભાવિત દેશમાં આપ સૌનું આ ગુજરાતી પ્રકાશન ખરેખર રણમાં મીઠી વીરડી સમાન છે. અહીંના ગુજરાતી પ્રભાવથી દૂર રહેતા ગુજરાતી વર્ગને ગુજરાતી ભાષામાં જકડી રાખીને એમને ખાસ સમાચાર પીરસીને આપશ્રીનું અખબાર ખરેખર આગવી સેવા આપે છે.

લંડનમાં રહીને આવા પ્રભાવિત અઠવાડિકના તંત્રીપદે રહેવા માટે ખાસ અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું.

- ડો. એચ.વી. કેરાઈ, વેલીંગ

વસ્તી વધારો

આપણે આઝાદી પછી તરત જ લોકશાહી અપનાવી. એનાં પરિણામો જોઈએ એવા આવી શક્યા નથી. પ્રજાનો એક સ્તર નિરક્ષર-અજ્ઞાની, આદિવાસી કે પછાત, બાકીનો બીજો સ્તર મનમાની કરીને અજુગતી માંગોની મનોદશાથી વર્તતો-લોકશાહીને ગળે ટૂંપો દઈ રહ્યો છે.

દેશમાં વસ્તીનો બેફામ વિસ્ફોટ આપણને ક્યાં લઈ જશે એનો વિચાર કરવો જ પડશે. એક વખત અખતરો કર્યો પણ પ્રજાનો સંપૂર્ણ સહકાર ના મળ્યો અને વાત ખોરંભે પડી. અનેક સરકારો બદલાઈ તોય કોઈએ વધતી જતી વસ્તીનો વિચાર નથી કર્યો કે જેને લીધે કારમી ગરીબીનો ઉદભવ થયો. ધાર્મિક માન્યતાઓનો પણ મહદ ફાળો છે.

આજે સરકાર ગરીબોને અનાજ અને જૂજ આર્થીક મદદ કરી રહી છે એનાથી વસ્તી ઓછી થવાની નથી, બલ્કે વધશે જ. એને ડારવી જ પડશે. વિજ્ઞાને વસ્તી ન વધે એવાં અનેક ઉપકરણો વસાવ્યા છે. પ્રજાને ફરજિયાત વાપરવાની કડક નીતિનો અમલ નહીં થાય તો આખરી પરિણામ ભયંકર નિવડશે.

ગરીબી હટાવોના ગાણાં ગાયા કરવાથી કંઈ વળવાનું નથી. ગરીબો વધવાથી ગરીબાઈ વધશે જ એમાં કોઈ શંકા નથી. આ વિષચક્ર કદીએ બંધ નહીં થાય. આ ઝેરી ઝાડનાં મૂળીયાં અત્યારથી જ કાપવાં પડશે.

ફરીથી 'બે બાળકો બસ' ની નીતિ દેશ અને પ્રજાના હિતમાં ફરજિયાત બનાવવી પડશે. નોકરીઓ નકરાવી કે થોડા સમય જેલ ભેગા કરવા, એવી શિક્ષાઓ દાખલ કરવી જ પડશે.

દુનિયાના બીજા દેશોની સરખામણીમાં, ગરીબીની રેખા નીચે છેલ્લે પાટલે બેઠેલા ભારતને પ્રગતિને પંથે પાડવું હોય તો આ કડવું ઓસડ પ્રજાને પીવડાવવું જ પડશે. Prevention is better then cure ના સત્યને સમજવું જ પડશે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, સાઉથ નોરવુડ હીલ

ટપાલમાંથી તારવેલું

* લેસ્ટરથી ચંદુલાલ સોનેચા જણાવે છે કે 'તમો શ્રી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)ના પુસ્તકની લેખમાળા ચાલુ કરો તો સારું. સી.બી. પટેલ પણ તેમના પ્રશંસક છે.'

* શ્રી અમરતલાલ કટારીયાએ મોદી સરકાર દેશમાં 'સુશાસન'ની સ્થાપના કરવા માંગતી હોય તો તેઅો ગોંડલ રાજ્યના રાજવી શ્રી ભાગવતસિંહજી પાસેથી શિખી શકે છે તેમ જણાવતો ખૂબજ માહિતીપ્રદ લેખ મોકલ્યો છે. જે અમે આગામી સપ્તાહોમાં 'એશિયન વોઇસ'માં રજૂ કરીશું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter