સૌએ કેટલા આશીર્વાદ આપ્યા હશે!

Tuesday 02nd December 2014 11:25 EST
 

સૌએ કેટલા આશીર્વાદ આપ્યા હશે!

તા. ૨૨ નવેમ્બર ૨૦૧૪ના 'ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસ'ના અંકમાં બે આર્ટીકલ ખુબ જ આકર્ષક છે જેના માટે તમો બધા અભિનંદનના અધિકારી છો.

૮૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વડીલોનું તમોએ જે રીતે સન્માન કર્યું તે વડીલોના તમોને કેટલા આશીર્વાદ મળ્યા હશે તેની મને કલ્પના પણ નથી આવતી. તમારી સૂઝ અને મહેનત જરૂર દાદ માંગી લે છે. ખાલી એક જ દાખલો આપું કે મારા એક વડીલ સ્નેહી નેવું વર્ષની ઉંમરના સ્ટેનમોરમાં રહે છે, તેઅો બીમારીમાં ફસાઈ ગયા છે. તેઅો બોલી, ચાલી કે ખાઈ શકતા નથી. દીવસે બધા કામે હોય ત્યારે તેઅો ઘરમાં એકલા હોય. તેમનાં પત્ની બે વર્ષ પહેલાં સ્વર્ગવાસ પામ્યા. મારા અંગત સ્નેહી હોવાથી હું દર મહિને સાઉથમાંથી સ્ટેનમોર એક કલાક માટે જાઉં છું. મને મળીને તેઅો એટલા ખુશ થાય છે કે હું કલ્પના પણ નથી કરી શકતો. મને કહે છે કે તમે આવો છો અને ખૂબ જ આનંદ થાય છે. પણ તમોએ તો બધા વડિલોનું સન્માન કરી આરતી ઉતારી. તેમણે સૌએ કેટલા આશીર્વાદ આપ્યા હશે! ધન્ય છે સી.બી. તમે પૈસા કમાઈ જાણો છો અને વાપરી પણ શકો છો.

એ જ અંકમાં બીજા આર્ટીકલ ‘અંતિમ યાત્રાની પૂર્વ તૈયારી કરી છે ખરી?માં ખૂબ જ વિસ્તારપૂર્વક તમોએ આપણી પ્રજાને માર્ગદર્શન આપેલ તેથી ઘણાને ફાયદો થશે.

- રમણિક ગણાત્રા, બેકેનહામ

૦૦૦૦૦૦

પ્રેમ-આત્મિયતા બજારમાં મળતા નથી

મને આપના '૮૫ કરતા વધુ વયના વડિલોના સન્માનના સેવાયજ્ઞ'માં હાજર રહેવાનું સદભાગ્ય સાંપડ્યું તે બદલ અત્યંત આનંદ સહ આભાર. અહીં યુ.કે.માં લગભગ બધા જ લોકો ખાધેપીધે સુખી હોય છે. પરંતુ એક જ ચીજ એવી છે જેનાથી ઘણા માવતર વંચીત છે. તે છે પ્રેમ, લાગણી, સ્નેહ અને આત્મિયતા, જે ખરીદી શકાતા નથી કે બજારમાં વેચાતા પણ નથી.

સમ ખાવાનો એકનો એક જ દીકરો હોય તો પણ તે માવતર સાથે રહેવા માંગતો નથી. અલગ રહેવાનું પસંદ કરે તેતો ઠીક છે મારા પરિચિતો પૈકી અમુક તો માવતર સાથે સંબંધ પણ રાખવા માગતા નથી. માવતર બિમાર હોય તો ઈલાજ કરાવવાની વાત તો દૂર રહી પરંતુ ખબર લેવા કે મળવા પણ આવતા નથી. આવા કપરા અને કઠીન સમયમાં માનવતરની અવગણના કરનાર સંતાનોની સરખામણીમાં કોઈપણ જાતના લોહીનો પણ સંબંધ ન હોવા છતાં નિઃસ્વાર્થ ભાવે આશા-અપેક્ષા સિવાય આપ સૌ વડીલોનું પ્રેમથી સન્માન કરો એ પ્રસંશનીય અને આનંદદાયક છે.

તમો ભ્રામક જાહેરખબરોની આવક જતી કરીને પણ આવા સેવાયજ્ઞનું આયોજન કરો છો તે ખરેખર સરાહનીય અને ધન્યવાદને પાત્ર છે. તે બદલ સી.બી. સાહેબ, કમલભાઈ તથા આપના કર્મચારી તથા પ્રોગ્રામને સફળ બનાવવા સાથ આપનાર સૌને ધન્યવાદ.

આપના સેવાયજ્ઞની જ્યોત જલતી રહે એવી શુભકામના સહ પ્રભુ પ્રાર્થના.

સેવા અફળ જતી નથી. વડીલોના અંતઃકરણના આશીષ ફળશે.

આપ અન્ય વિસ્તારોમાં આવા સન્માન સમારંભ રાખવાની વાત કરતા હતા તેમાં બની શકે તો દરેક વડીલોને બે-ચાર મિનિટ પોતાની તંદુરસ્તીનું રહસ્ય જણાવવાનો મોકો મળે તે જરૂરી છે. આવા દરેક વડીલો 'ગુજરાત સમાચાર'નું લવાજમ ભરતા હોય તો સોનામાં સુગંધ ભળે એ મારું નમ્ર સૂચન છે. અંતમાં ખૂબ ખૂબ આભાર.

- વલ્લભભાઈ એચ. પટેલ, વેમ્બલી.

ડ્યુઅલ સિટીઝનશીપના ગેરફાયદા

તા. ૨૭-૧૧-૧૪ના રોજ ૬-૩૦ વાગ્યે ઝી ટીવી પર ઈમિગ્રેશન ઉપર ચર્ચા ચાલતી હતી. અનુભવી વકીલ બહેનને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેમાં ઘણો અગત્યનો સવાલ ડ્યુઅલ સીટીઝનશીપ એટલે કે બે દેશોની નાગરિકતા ઉપર પણ હતો. તેમાં પાકિસ્તાન અને બ્રિટીશ નાગરિક બહેને તેમનો પાકિસ્તાનનો કડવો અનુભવ જણાવ્યો હતો અને તેમને બ્રિટિશ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ નહોતી મળી તેમ જણાવ્યું હતું. હવે તે બહેનને પાકિસ્તાની સિટીઝનશીપ જતી કરવી છે. જ્યારે એક ભાઈએ અોસીઆઈ અને પીઆઈઓ માટે તથા ઘણાએ ઓવર સ્ટે માટે પણ પૂછેલું.

કહેવત છે કે, બે ઘરનો પરોણો ભૂખ્યો મરે. આ કહેવત તે બહેનને સંપૂર્ણ ફીટ થાય છે. આજનો સળગતો પ્રશ્ન ઈમિગ્રેશન છે અને સરકારનો માથાનો દુ:ખાવો છે. સરકારે દરેક ગુનેગારની બ્રિટિશ સિટીઝનશીપ છીનવી લેવી જોઈએ અને જે દેશના વતની હોય ત્યાં (સેકન્ડ હોમ) પાછા મોકલવા જોઈએ. વફાદારી જેવી પણ કાંઈ ચીજ હોય છે, પણ ઘણા જેનું ખાય છે તેનું જ ખોદે છે.

- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

નોંધ: જે વ્યક્તિ બેવડી નાગરિકતા ધરાવતી હોય તે જો પોતાના વતનના દેશમાં જાય ત્યારે તેમની તમામ તકલીફો કે મુશ્કેલીઅો માટે સ્થાનિક સરકાર જવાબદાર હોય છે. જ્યારે ભારતના અોસીઆઇ કે પીઆઇઅો ધરાવતી વ્યક્તિ ભારત જાય અને તેને મુશ્કેલી પડે તો તેવા સંજોગોમાં બ્રિટનની સરકાર મદદ કરે છે. ધ્યાન રહે કે OCI-PIO એ બેવડી નાગરીકતા આપતા નથી. તે માત્ર આજીવન વિઝા આપે છે અને OCI હોલ્ડર વગર પરમીટે નોકરી કરી શકે છે કે વિદ્યાર્થી ભણી શકે છે.

૦૦૦૦૦૦

વડિલોનું સન્માન

તા. ૮ નવેમ્બર ૨૦૧૪નો આપે આયોજિત કરેલ કાર્યક્રમ ખરેખર ઘણો સારી રીતે ઉજવાયેલ. જે બદલ આપને તેમજ આપના સહકાર્યકરો કમલભાઈ, કોકિલોબેન જ્યોત્સનાબેન, રૂપાંજનાબેન વગેરેને ખૂબ ખૂબ ધન્યવાદ. માનવંતા સીબીને ખાસ અભિનંદન. સૌ બહુ પ્રેમથી કાર્ય કરે છે અને કરાવે છે.

- સૂર્યકલા શાહ, ન્યુ બાર્નેંટ.

૦૦૦૦૦૦૦૦

સંસ્મરણો

તા. ૧૫ નવેમ્બરના અંકમાં જીવનપંથ વાંચીને હું પણ ભૂતકાળમાં ડૂબકી લગાવીને બાળપણની સ્મૃતિમાં વિચરી આવ્યો. સાઈઠ વર્ષ પહેલાં અમારા ગામમાં ઇલેક્ટ્રીસિટી, રેડિયો, ટેલીફોન, ગેસકુકર, કે એવી બીજી કોઈ આધુનિક સગવડો નહોતી. છતાં પણ જીવન આનંદથી ભરેલું રહેતું. દરરોજ સમી સાંજે ફાનસમાં અજવાળામાં મારા પૂ. બાપુજી ગ્રામોફોન વગાડતા ત્યારે સર્વ પાડોશીઓ સાથે બેસીને રોજીંદા સુખદુઃખની અંતર ખીલીને ગોષ્ઠિ કરતાં તે કદી ભૂલાશે નહીં.

પરંતુ આ પત્ર લખવાનું ખરું કારણ છે, શ્રી સી.બી.એ દર્શાવેલ ધૂન! 'સાચી વાણીમાં શ્રીરામ, સાચા વર્તનમાં શ્રીરામ...' ખૂબ સરસ રચના અને શબ્દો છે. પરંતુ કમનસીબે મેં કદી આ ધૂન વાંચી કે સાંભળી નથી. ‘સોશ્યલ મીડિયા’ દ્વારા તેને શોધવાના પ્રયત્નો પણ નિષ્ફળ થયા. મારા જેવા વાંચકોના લાભાર્થે શક્ય હોય ત્યારે આખી ધૂન અખબારમાં પ્રસિદ્ધ કરવા કૃપા કરશો. ધન્યવાદ.

- મુકુન્દ આર. સામાણી, લેસ્ટર.

૦૦૦૦૦૦

યુદ્ધવિરોધી આંદોલનની કોન્ફરન્સ

જુલાઈ-૧૪ દરમિયાન 'Ware Resistance international'ની ત્રિવાર્ષિક સભા સૌ પ્રથમવાર આફ્રિકા ખાતે સાડા ચાર દિવસ માટે મળી હતી. સ્થળ હતુંઃ કેપટાઉન. નગરપાલિકાનો ઐતિહાસિક સિટી હોલ. આ હોલ સાથે સંકળાયેલ ઐતિહાસિક ઘટનાઓમાં મુખ્યત્વે ૧૯૮૫માં ડો. ઈવાન ટોમ્સના ફરજિયાત લશ્કરી ભરતીના કાયદાના વિરુદ્ધમાં ઉપવાસ, ૧૯૮૯માં આર્ચબિશપ ડેસ્મંડ ટુટુનો પીસ માર્ચ અને નેલ્સન મંડેલાનો જેલવાસ બાદ પ્રથમવાર દેશના નાગરિકોને ઉદબોધન મુખ્ય છે.

WRIની રચના ૧૯૨૧માં થઈ હતી જેનું સ્વપ્ન યુદ્ધ વિનાનું વિશ્વ છે અને બહાર પડાયેલા આવેદનના શબ્દો છેઃ 'યુદ્ધ એ માનવતા વિરુદ્ધ આચરવામાં આવતો ગુનો છે.' કારણ કે યુદ્ધોનો ઉપયોગ સત્તા જમાવવા અથવા તો આર્થિક શોષણ કરવા માટે કરવામાં આવે છે અને કોઈપણ અપવાદ વિના બધા જ યુદ્ધો દુઃખ અને વિનાશ જ નોતરે છે. તેમજ દબાયેલાઓને વધુ દબાવવાના નવા માળખાને જન્મ આપે છે.

ભારતમાં ૧૯૮૫માં શ્રી નારાયણ દેસાઈના વડપણ હેઠળ સ્વરાજ આશ્રમ વેડછી ખાતે અને ૨૦૧૦માં ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે કોન્ફરન્સ યોજાઈ હતી. WRI ૪૦ દેશોમાં ૮૦થી વધુ જુદી જુદી સંખ્યાઓ સાથે મળીને કામ કરે છે. આ વખતના કાર્યક્રમો-ચર્ચાઓમાં ૧. હિંસાને સમજવી ૨. અહિંસાના જુદા જુદા પ્રયોગો (આફ્રિકામાં) ૩. કોર્પોરેશન્સ સામે તેમજ જીવાદોરી - અસ્તિત્વ સામે અહિંસક લડતો ૪. શાંતિ કેમ સ્થાપીશું વિગેરે વિષયો પર વિચારણા કરવામાં આવી હતી.

મિત્રો આજના યુદ્ધખોર વાતાવરણમાં દિલોદિમાગને શાતા તેમજ ઉજ્જવળ ભાવિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

- ભીખુભાઈ પટેલ, નોટિંગહામ

૦૦૦૦૦૦૦

ભારતના પ્રધાન મંડળનું પ્રથમ વિસ્તરણ

ભારતના પ્રધાન મંડળના વિસ્તરણ અંગે જણાવવાનું કે અનેક મહત્વના ખાતાઓ એક પ્રધાનના હાથમાં હોવાથી મુશ્કેલી સર્જાતી હતી. જેનો હવાલો નવનિયુક્ત પ્રધાનોને ફાળવીને સમતોલ બનાવવાનું કાર્ય થયું. ગોવાના મુખ્ય મંત્રી મનોહર પરિકરને સુરક્ષા વિભાગ સોંપાયો. જે પ્રસંશાને પાત્ર છે. સાદાઇના પ્રતિક સમાન શ્રી પારીકાર ગોવાના મુખ્યમંત્રી હતા ત્યારે હમેશા બસ, ટ્રેન અને સ્કૂટર પર ફરતા. તેઓ પ્રમાણિક નેતા છે.

ઉતર ગુજરાતમાંથી શ્રી હરિભાઈ ચોધરીને ગૃહના રાજ્ય મંત્રી અને સોરાષ્ટ્રમાંથી શ્રી મોહનભાઈ કુંડારિયાને કૃષિ ક્ષેત્રે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા તે આવકારપાત્ર છે. શ્રી મોહનભાઈ લંડન અમદાવાદની સીધી વિમાની સેવાની ઓલ પાર્ટી કમિટીના

સભ્ય હોવાથી હવે કેન્દ્રમાં પ્રધાન થયા બાદ આપણી લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટના આંદોલનને જરુર સફળતા મળશે. મજાની વાત એ છે કે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના અમદાવાદ ખાતેના કન્સલ્ટીંગ એડિટર શ્રી ભૂપતાઇ પારેખને ગુજરાતના મુખ્ય મંત્રી સુશ્રી આનંદીબેન પટેલે એક ખાસ સંદેશો પાઠવીને કહ્યું હતું કે સીબીને કહેજો કે 'મેં પણ અમદાવાદ લંડનની સીધી વિમાની સેવા તાત્કાલિક મળે તે માટે શ્રી મોદીજીને પત્ર લખ્યો છે.

ગુજરાત રાજ્યના સ્પીકર તરીકે યુવાન આદિવાસી શ્રી ગણપતભાઈ વસાવાની ફરી નિયુક્તિ થઇ તે બદલ અભિનંદન.

ભરત સચાણીયા અને પરિવાર, લંડન.

0000000

મન થાય છે

ચાંદની રાતમાં,

ચાંદ જેવું રૂપ તમારું,

જોવાનું મન થાય છે.

તમો ક્યાં છો? દેખાતા નથી.

તમોને મળવાનું મન થાય છે.

સપનામાં તો અક્સર આવો છો,

આવીને ચાલ્યા જાઓ છો,

દિલમાં તમોને રાખવાનું મન થાય છે.

હું તો રાહ જોતો અહીં બેઠો છું,

તમોને આંખમાં કેદ કરવાનું મન થાય છે

- અમૃતલાલ પી. સોની, વેમ્બલી, લંડન

ટપાલમાંથી તારવેલું

* લેસ્ટરથી ચંદુલાલ સોનેચા જણાવે છે કે 'તમો શ્રી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)ના પુસ્તકની લેખમાળા ચાલુ કરો તો સારું. સી.બી. પટેલ પણ તેમના પ્રશંસક છે.'

૦૦૦૦૦


    comments powered by Disqus    to the free, weekly Gujarat Samachar email newsletter