હોળી ધૂળેટીની ઊજવણી પછી શું?

Tuesday 29th March 2016 10:34 EDT
 

હોળી ધૂળેટીની ઊજવણી પછી શું?

પવિત્ર તહેવાર હોળી-ધૂળેટીની ઊજવણી ખૂબ જ ધામધૂમથી મંદિરો તથા સામાજિક સંસ્થાઅોમાં મોટાપાયા ઉપર થયું. પણ પ્રશ્ન એ થાય કે છે કે શું આ મહત્ત્વનો પવિત્ર તહેવાર ફક્ત ઊજવણી પૂરતો મર્યાદિત રાખવાનો? આ તહેવારનો સાચો ઉપદેશ આપણામાં થતી ઈર્ષા, દ્વૈષ, અહમ અને અહંકારનું દહન કરવાનો અને ગેરસમજ અથવા વર્તનથી સગા-સંબંધી, મિત્રગણ સાથેના સંબંધોમાં તિરાડ પડી હોય તો તેને માફ કરી, ભૂતકાળ ભૂલી ધૂળેટીના તહેવારમાં એકબીજા ઉપર જુદા જુદા રંગોનો છંટકાવ કરી સંબંધોને પુનર્જીવીત કરવાનો છે. વસંતઋતુના આગમનથી નવા સંબંધોની શરૂઆત કરીશું તો જ હોળી-ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ઈસ્ટરના તહેવારોની ખરી ઊજવણી કરી ગણાશે.

અત્યારે અહમ - અહંકારવાળી ભક્તિનું પ્રમાણ વધી ગયું છે અને હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયોમાં પણ ઈર્ષ્યા, દ્વૈષ, હરિફાઈ ચાલી રહી છે. આશા રાખીએ છીએ કે દરેક વાર-તહેવારનો સાચો અર્થ જીવનમાં ઉતારીને ભાવિ જીવનને આનંદમય, મંગળમય બનાવી જીવવાનો પ્રયત્ન કરીએ?

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

બંસી બજાઈ યમુના કે તટ પર

તા. ૧૧-૧૨-૧૩ માર્ચ ૨૦૧૬ના રોજ નવી દિલ્હીમાં યમુના નદીના કિનારે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની આર્ટ ઓફ લિવિંગની સંસ્થાએ વસુધૈવ કુટુંબકમની ભાવના જનતામાં જાગૃત કરવા યોજેલ વિશ્વ સંસ્કૃતિનો ભવ્ય મહોત્સવ જયજયકાર સાથે ઊજવાઈ ગયો.

આ મેગા શોમાં ૧૫૫ દેશોના પ્રતિનિધિઓ સહિત ૩૫ લાખ લોકો ભેગા થયા. ૩૫૦૦ સંગીતકારો અને નૃત્યકારોએ ભાગ લીધો જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું. તેમણે પ્રવચનમાં કહ્યું કે 'આપણી વિરાસત પર આપણે ગર્વ કરવો જોઈએ. સુવિધા વચ્ચે રહેવું એ આર્ટ ઓફ લિવિંગ નથી. સંઘર્ષની સામે થઈ, બીજાના માટે જીવવું એ આર્ટ ઓફ લિવિંગ કહેવાય.'

આ કાર્યક્રમની એક ઝલકે અમારું મન મોહી લીધું. અઢી ત્રણ ફૂટની લાંબી બંસરીના સંચાલન સાથે ૮૫૦૦ સંગીતકારોનું ઓરકેસ્ટ્રા વાગ્યું. જુદા જુદા ચાલીસ પ્રકારના વાજીંત્રો સાથે, માલકૌંસ રાગમાં છેડાયેલું આ ભવ્ય અને સૂરીલું સંગીત ખૂબ કર્ણપ્રિય અને અદભૂત હતું. આ સૂરીલા સંગીતનો બ્રહ્મનાદ સર્વત્ર છવાઈ ગયો અને સાંભળનારાને મંત્રમુગ્ધ કરી દીધાં.

- કાંતાબહેન અને પ્રભાકાંત, ઓકવૂડ

બજેટ અને રાહત

ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને મધ્યમ વર્ગને અનુકુળ આવે તેવું બજેટ રજૂ કર્યું. બાળકોમાં સ્થુળતા અંગે ચિંતા દર્શાવી તેમણે સોફ્ટ ડ્રિન્ક્સ પર સુગર ટેક્સની જાહેરાત કરી તે સીગારેટ પર ટેક્સ જેવી લાગી. આ ટેક્સથી ૫૦૦ મિલિયન પાઉન્ડની આવક થશે જેનો ઉપયોગ શાળાઓમાં રમતગમતના પ્રસાર માટે કરાશે. પરંતુ શુદ્ધ ફ્રૂટ જ્યુસ અને દૂધ આધારિત પીણાંને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી તે સારૂ થયું. ઇન્કમ ટેક્ષનું પર્સનલ એલાઉન્સ વધારીને £૧૧,૫૦૦ કરાતા ખાસ કરીને આપણી પાર્ટ ટાઇમ કામ કરતી મહિલાઅોને લાભ થશે. તેમણે મોટી કરરાહતો આપી રોકાણકારોને મદદ કરી છે. પણ બ્રિટિશ અર્થતંત્ર હજુ જોખમમાં છે તે જાણીને દુ:ખ થયું.

બ્રિટન ઈયુમાંથી નીકળી જશે તો દેશને ભારે નુકસાન થશે તેવી ચેતવણી તેમને આપી. તેમણે ISAની મર્યાદા વાર્ષિક £૨૦,૦૦૦ કરી તેનાથી બચતો વધશે. તેમણે ઘર ખરીદવા માંગતા યુવાનો માટે પણ 'હેલ્પ ટુ બાય આઇસા' યોજના શરી કરી છે તેનો લાભ આપણા સંતાનોએ લેવો જ જોઇએ. રોજગાર દર ૭૪.૧ ટકાએ પહોંચ્યો તે ૧૯૭૧ પછી ટોચે છે. સામે બેરોજગારીનો દર ઘટીને ૫.૧ ટકા થઈ ગયો તે આનંદની વાત છે.

અર્જુન પટેલ, કાર્ડીફ.

સન્માન અને સરાહના

'એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્ઝ (AVPPL)'ને દસ વર્ષ પૂરા થયા તેની શાનદાર ઉજવણી પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં કરવામાં આવી તે જાણીને ખૂબજ આનંદ થયો. આપણા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિવિધ કાર્યક્ષેત્રમાં સફળતા મેળવતા નાગરિકોની સિદ્ધિઓની કદર કરવા આ એવોર્ડ્ઝનું આયોજન કરાય છે તે ખરેખર સરાહનીય છે. આપણા આ એવોર્ડ સમારોહમાં દર વર્ષે અલગ અલગ ક્ષેત્રના મોટા ગજાના અગ્રણીઅોને એવોર્ડ એનાયત થાય છે તેથી હજારો યુવાનોને આગળ આવવા અને પોતાના ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરવા પ્રોત્સાહન અને પ્રેરણા મળે છે. એમપી કિથ વાઝ ખરેખર આપણા ટોચના નેતા સાબીત થયા છે. તેઅો જૂન મહિનામાં એમપી તરીકે ૨૯ વર્ષ પૂરા કરી રહ્યા છે તે આ દેશમાં નાની સુની સિધ્ધિ નથી. અપણા બન્ને અખબારો શરૂઆતથી જ કિથ વાઝને જે સહયોગ આપે છે તે કોઇએ ભૂલવું જોઇએ નહિં. તંત્રી શ્રી સી. બી. પટેલ આવા એવોર્ડ દ્વારા સૌને આગળ આવવાની તક આપે છે તે બદલ તેમને અભિનંદન. એવોર્ડ્ઝ મેળવનાર સૌને શુભકામનાઅો.

અજીતભાઇ પરમાર, લેસ્ટર

સરસ્વતિ સન્માન

લંડનમાં પ્રતિષ્ઠીત સ્થળ હાઉસ ઓફ લોર્ડ્સમાં તા. ૧૪ માર્ચના રોજ ૨૦૧૫ની એ-લેવલ પરીક્ષાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું લોર્ડ ધોળકિયાના પ્રમુખ સ્થાને કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવ્યા તે જાણીને ખૂબ જ આનંદ સાથે ગર્વ થયો.

લોર્ડ ધોળકીયા, લોર્ડ ભીખુભાઇ પારેખ, એમપી સ્ટિવ રીડ અને સીબી પટેલનું પ્રવચન વાંચીને તેમજ ફોટો વગે્રે જોઇને ત્યાં ઉપસ્થિત છું તેવું લાગ્યું. આ અગ્રણીઅોના પ્રવચનથી સૌ વિદ્યાર્થીઅોને પોતાની આગળની કારકિર્દી માટે સરસ ફાયદો થશે અને પ્રેરણા મળશે. વિદ્યાર્થીઅોએ આવા આગેવાનોના પ્રવચનો વાંચીને પોતાના જીવનનું ઘડતર કરવું જોઇએ.

આ કાર્યક્રમમાં પ્લેટિનમ એવોર્ડ £૨,૫૦૦, ત્રણ ગોલ્ડ એવોર્ડ્ઝ - પ્રત્યેક £૧,૦૦૧ અને ત્રણ સિલ્વર એવોર્ડ્ઝ- પ્રત્યેક £૫૦૦ મળી કુલ £૭,૦૦૦નું ઇનામ આપવામાં આવ્યું તે સરાહનીય છે અેન બીજી સંસ્થાઅો અને દાતાઅોએ પણ આવા સન્માનમાંથી પ્રેરણા લેવી જોઇએ. ઈનામ વિજેતા વિદ્યાર્થીઅો શિવ પટેલ, સીતા નવીન શાહ, પૃથ્વી અમીન, રુશિંગ બખાઈ, આલિશિયા તન્ના, જય કપુરિયા, નિમિષ પટેલને ઝળહળતી સફળતા માટે શુભકામના અને ભાવિ કારકિર્દી માટે શુભાશિષ.

અતુલ ખમાર, ક્રોયડન.

જન સેવા એજ પ્રભુ સેવા

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી સંસ્થાના ઇલફર્ડ સ્થિત હોલ ખાતે માતા પિતા અને આપણા વડિલોની સેવા કરતા ૨૨ જેટલા સંતાનો અને સગા-સંબંધીઅોને 'શ્રવણ સન્માન' આપવામાં આવ્યું તેમજ આપણા માટે પોતાનું સર્વસ્વ હોમી દેનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના ૫૬ જેટલા વડિલોનું સન્માન કરવામાં આવ્યું તે જાણીને ખૂબજ અનંદ થયો. આવા કાર્યો ફક્તને ફક્ત 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' જ કરી શકે. વડિલ સન્માન, સરસ્વતિ સન્માન, શ્રવણ સન્માન, એશિયન વોઇસ પોલિટિકલ પબ્લિક એવોર્ડ, અને એશિન એચિવર્સ એવોર્ડ, યુથ કોન્ફરન્સ વગેરે મળી 'ગુજરાત સમાચાર અનેે એશિયન વોઇસ દ્વારા કેટલા બધા કાર્યક્રમો કરવામાં આવે છે.

જતીનભાઇ પારેખ, સીબી પટેલ અને અન્ય અગ્રણીઅોનું ભાષણ વાંચીને આનંદ થયો કે તમે સૌ સારા કાર્યો માટે ખૂબજ મહેતન કરો છે તે જરૂર ફળ આપશે. રેડબ્રિજ કાઉન્સિલના નેતા કાઉન્સિલર જસ અઠવાલ મુખ્ય મહેમાન તરીકે તેમજ કાઉન્સિલર દેવ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેજ દર્શાવે છે કે નેતાઅો પણ આપના આ સેવા કાર્યોને અનુમોદન આપી રહ્યા છે. કમનસીબે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો નથી. આ અગાઉ ક્રોયડનના એક કાર્યક્રમમાં હું હાજર રહ્યો હતો અને આપ વડિલોને જે પ્રેમ આપો છો તેમની આરતી કરો છો, તેનો હું સાક્ષી બન્યો હતો. ઇલફર્ડ મંદિરને પણ સૌએ જ સુયોગ્ય દાન કે મદદ કરવા જોઇએ તોજ આવા સારા કાર્યો થઇ શકશે.

રજનીભાઇ પટેલ, હેરો.

વૈષ્ણવજન તો તેને રે...

હું 'ગુજરાત સમાચાર'નો વાચક છું. લોકો અને વાંચકો છેતરાય નહીં અને નાણા, સમય બરબાદીથી બચે તેવી જાહેરાતો છાપવાનું બંધ કરવા વર્ષો પહેલાં કરેલી મારી અપીલનું તમે પાલન કર્યું તે બદલ ધન્યવાદ. ભુતભૂવાની જાહેરખબરો બંધ કરવાના કારણે 'ગુજરાત સમાચાર'ના લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે.

'ગુજરાત સમાચાર'ની તા. ૧૨-૩-૧૬ની આવૃત્તિના પાન-૧૦ પર એશિયન વેપારીઓના શોષણ બાબત શ્રી નિરંજન વસંતનો જાહેર પત્ર છપાયો છે. પે-પોઈન્ટ વિશે લખેલો એક પત્રની નકલ સાથે બીડું છું તે ભાઈને મારા વતી પોસ્ટ કરી દેવા વિનંતી છે.

આ સાથે 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...' ભજનનું વૈશ્વિક મહત્ત્વ અને તેનો શક્ય ઇંગ્લીશ અનુવાદ બીડું છું. મારા ઘણા ઇંગ્લીશ મિત્રો સાથે વાતચીતમાં તેઓ ઇંગ્લીશ વિશ્વનો સારામાં સારો શિક્ષક અને સજ્જન છે કહી ગર્વ લે ત્યારે હું આપણા પૂ. ગાંધીજીનું પ્રિય ભજન અને મોગલ વખતના નરસિંહ મહેતાના ગુણ ગાઉં ત્યારે તેઓ આપણી સજ્જનતા અને સંસ્કૃતિના દર્શન કરી ઝાંખા પડે. આ ભજન - ગીતને આંતરરાષ્ટ્રીય ભાવના અને ભાષા અપાયા તો પૂરાં વિશ્વને ભારત દર્શન થાય અને હિંસા, લાલચ, સ્વાર્થ વિ. અવગુણો છોડી માણસાઈનું મૂલ્ય સમજતા થાય.

- મનુભાઈ પટેલ, ન્યુ માલ્ડન.

ભારત તારા કેટલા નામ

આજકાલ દેશમાં નજીવી બાબતોમાં ધર્મને વચ્ચે લાવીને નિરર્થક ઉહાપોહ મચાવાય છે. દેશની એકતાને તોડી પાડતા અને પ્રજાના માનસમાં વિસંવાદ અને તિરસ્કારની ભાવનાઓ પેદા થાય એવા બાલીશ અને બિનજરૂરી ઉદ્ગારો બુદ્ધિગમ્ય નથી.

આર્યોએ આપણી ભૂમિને ‘આર્યાવર્ત’, ભરત રાજાના વંશજોએ એને ‘ભારતવર્ષ’ કે ‘ભારત’ કહ્યું, મોગલોએ એનું નામ હિન્દુસ્તાન પાડ્યું અને આખરે અંગ્રેજોએ ‘ઇન્ડિયા’ તરીકે ઓળખાવ્યું. હજારો વર્ષો પહેલાં દેશની સરહદ, આજના ઇરાન સુધી અને બર્માને અડકતી હતી. પરંતુ બદલાતા સંયોગોએ એ જ મહાન દેશના અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભાગલા પાડ્યા. કાળના ખપ્પરમાં હણાયેલ દેશનો તૂટેલો એ ટૂકડો આજે દુનિયામાં ‘ઇન્ડિયા’ તરીકે ઓળખાય છે.

આધુનિક દુનિયા અને માનવજાત દરેક સાથે કદમ મિલાવીને વર્તે એમાં જ હિત સમાયેલું છે. મારી અંગત માન્યતા પ્રમાણે તો આ દેશને‘હિન્દુસ્તાન’ કહેવું વધારે બંધ બેસતું લાગે છે. અથવા, આજની પરિસ્થિતિ અને સંજોગોને અનુસરી, ધાર્મિક કટ્ટરવાદને સંપૂર્ણ તિલાંજલિ આપીને ‘ઇન્ડિયા’ જ રહેવા દેવું. દેશના હિતમાં સર્વાનુમતે જે યોગ્ય હોય એજ કરવું. પ્રજા કે પાર્ટીઓ આવો બકવાસ બંધ કરે એજ દેશના હિતમાં છે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન.

કોંગ્રેસ અને ભાજપ

સ્વતંત્રતા પછી કોંગ્રેસ પાસે ૫૦ વર્ષ સુધી સત્તા હતી ત્યાર તેણે જાતિવાદ, ભ્રષ્ટાચાર, મૂડીવાદ, અનામત વગેરે મુદ્દા ઉપર રાજકારણ કરીને રાજ કર્યું. તેમને થયું કે અશિક્ષિત અને ગરીબ પ્રજાને આ બાબતે કંઈ ખબર પડતી નથી. પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં જ્યાં ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, મીડિયા એટલા આગળ આવી ગયા છે કે સામાન્ય પ્રજાને પણ ખબર પડી જાય છે કે કોણ મિનિસ્ટર અને કયા પક્ષ શું કામગીરી કરી રહ્યા છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ અનુક્રમે સોનિયા ગાંધી અને ઇન્દિરા ગાંધીના રબર સ્ટેમ્પ જ હતા. ખેર ગાંધી ફેમિલિ વ્યક્તિગત રીતે સારૂ હોઈ શકે. કોંગ્રેસ હવે સત્તા મેળવવા હવાતીયા મારે છે. રાહુલ ગાંધી હજુ બહુ પરીપકવ નથી જણાતા તેઅો રાજકારણમાં પાછા પડે છે.

ભાજપે પણ આટલા વર્ષો પછી સત્તા આવી છે તો પ્રજા કલ્યાણના કામ કરી ટકાવી રાખે. ખેર ભારત માતા ના નસીબ સારા છે કે હાલમાં તેનું શાસન યોગ્ય વ્યક્તિના હાથમાં છે.

- પરેશ પી. દેસાઈ, લંડન


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter