ત્રાસવાદીઓ વિરુદ્ધ કડક પગલાં મુદ્દે જ્હોન્સનની યોજનાની તરફેણ

ત્રણ ચતુર્થાંશ (૭૨ ટકા) બ્રિટિશરોએ વડા પ્રધાનના કડક પગલાંની તરફેણ કરીઃ સૂચિત કાયદા મુદ્દે કાનૂની સંઘર્ષનો તખતો મંડાયો

Wednesday 12th February 2020 03:05 EST
 
 

લંડનઃ સ્ટ્રેથામ સ્ટેબિંગ્સના પગલે ત્રાસવાદીઓ કે ધર્મઝનૂનીઓને જેલમાંથી વહેલા મુક્ત કરવાને અટકાવવા બ્રિટિશ સરકાર નવો કાયદો લાવી રહી છે ત્યારે એક પોલમાં આશરે ત્રણ ચતુર્થાંશ (૭૨ ટકા) બ્રિટિશરોએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના કડક પગલાંની તરફેણ કરી છે. તેમના પગલાનો ૧૨ ટકાએ વિરોધ કર્યો છે અને ૧૫ ટકા અનિર્ણાયક રહ્યાં છે.

સજા પૂર્ણ થવા અગાઉ જ અધવચ્ચે જેલમાંથી મુક્ત કરાયેલા વધુ એક ત્રાસવાદી સુદેશ અમ્માને સ્ટ્રેથામમાં લોકો પર ચાકુથી હુમલો કર્યો તે પછી વડા પ્રધાને ત્રાસવાદીઓને આ રીતે અધવચ્ચે મુક્ત ન કરી શકાય તેવી જોગવાઈ સાથેના કાયદા લાવવા જાહેરાત કરી છે તેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. માનવાધિકારવાદીઓએ સૂચિત કાયદાનો ભારે વિરોધ કર્યો છે ત્યારે YouGov દ્વારા આ મુદ્દે ૩,૧૭૫ લોકોનો તત્કાળ મત લેવાયો હતો.

મતદારોને એક પ્રશ્ન પૂછાયો હતો કે,‘હાલમાં જેલમાં મોકલાતા મોટા ભાગનો લોકો તેમની અડધી સજા કપાયા પછી મુક્ત થવાનો અધિકાર ધરાવે છે. ત્રાસવાદી અપરાધો માટે સજા કરાયેલા લોકોને આપમેળે મુક્ત કરાવા ન જોઈએ અને તેમની બે તૃતીઆંશ સજા પૂર્ણ થયાં પછી મુક્તિ માટે પેરોલ બોર્ડને અરજી કરવાની રહે તેવો પ્રસ્તાવ કરાયો છે. તમે આ પ્રસ્તાવને ટેકો આપો છો કે વિરોધ કરો છો?’ મતદારોના ૭૨ ટકાએ જ્હોન્સનના પગલાને સમર્થન આપ્યું હતું. સૂચિત કાયદાઓનો ૧૨ ટકાએ વિરોધ કર્યો હતો અને ૧૫ ટકાએ તેઓ અચોક્કસ હોવાનું જણાવ્યું હતું.

સિવિલ રાઈટ્સ ગ્રૂપ લિબર્ટી તેમજ લેબર પાર્ટીના શેડો એટર્ની જનરલ શમી ચક્રવર્તી સહિત માનવ અધિકારવાદીઓ સૂચિત કાયદાનો વિરોધ કરવા આગળ આવ્યા છે. મિસ ચક્રવર્તીએ વિરોધમાં જણાવ્યું હતું કે તેઓ લોકોની સજાઓ બદલવાની તરફેણ કરતાં નથી. જોકે, ચોક્કસ કેસમાં અસ્પષ્ટ ક્ષેત્ર હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. આ સૂચિત કાયદા મુદ્દે કાનૂની સંઘર્ષનો તખતો મંડાઈ રહ્યો છે કારણકે માનવ અધિકારવાદીઓ તેને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ સમક્ષ લઈ જવા વિચારી રહેલ છે.

ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનની લેબર સરકારોએ ૨૦૦૩ અને ૨૦૦૮માં પસાર કરેલા કાયદાઓ હેઠળ આગામી મહિનાઓમાં ઓછામાં ઓછાં ૧૮ ત્રાસવાદી કોઈ રિવ્યુ વિના જેલમાંથી મુક્ત કરાનાર છે. આ કેદીઓને અધવચ્ચે મુક્ત કરાશે કે કેમ તે બાબતે કશું કહેવા નં.૧૦ દ્વારા ઈનકાર કરાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter