નવા વર્ષે રેલભાડાંમાં ૩.૧ ટકાનો વધારો

Monday 03rd December 2018 06:36 EST
 
 

લંડનઃ યુકેમાં રેલવે પ્રવાસીઓએ આગામી બીજી જાન્યુઆરી ૨૦૧૯થી ભાડાંમાં સરેરાશ ૩.૧ ટકાનો વધારો સહન કરવો પડશે, જે છ વર્ષમાં સૌથી મોટો વધારો બની રહેશે. આમ પણ, યુરોપિયન નેટવર્ક્સની સરખામણીએ યુકેમાં રેલવેભાડાં વધુ ઊંચા છે. આ વધારાના કારણે લાંબા અંતરના રેલપ્રવાસીએ વર્ષે વધારાના ૧૦૦થી ૧૫૦ પાઉન્ડનો બોજો સહન કરવાનો આવશે. યુકેમાં રેલસેવા નિયમિત નથી અને વારંવાર સમયપત્રક ખોરવાય છે તેનો વિરોધ કરી પ્રવાસીઓ નવા ભાડાંવધારા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

રેલઉદ્યોગની સંસ્થા રેલ ડિલિવરી ગ્રૂપે ભાડાંવધારાની જાહેરાત પછી જણાવ્યું હતું કે રેલવે કંપનીઓ માટે પ્રોફિટનો માર્જિન આશરે બે ટકાનો રહેશે, જ્યારે બાકીની આવક રેલવેના સંચાલનમાં વપરાશે. ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ પોલ પ્લમરે જણાવ્યું હતું કે ભાડાંની આવકમાંથી પ્રવાસીઓ માટે સુવિધા વધારવામાં આવશે.

બ્રિટનમાં વેતનની સરખામણીએ રેલભાડાં વધુ ઝડપથી વધી રહ્યાં છે. ગત દાયકામાં વાસ્તવિક વેતન નીચું ગયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ના આરંભે જ રેલભાડું ૩.૪ ટકા વધારાયું હતું. પેસેન્જર જૂથોએ આ વર્ષે અનિયમિત રેલસેવાના કારણે ભાડાંવધારાને સ્થગિત કરવાની માગણી કરી છે. ભાડાંવધારો ૩.૬ ટકાની ઉચ્ચમર્યાદામાં ટ્રેનકંપનીઓની મુનસફી અનુસાર કરી શકાય છે.

નોર્ધન રેલવેના ભાડાંનો વધારો ઈન્ડસ્ટ્રીની સરેરાશ કરતાં થોડો વધુ એટલે કે ૩.૨ ટકા રહેશે. જોકે, GTR (૩ ટકાથી થોડો ઓછો), C2C (૨.૬ ટકા) અને ચિલ્ટર્ન (૨.૮ ટકા) ભાડાંવધારો કરશે. લંડનના મેયર સાદિક ખાને સ્પષ્ટ કર્યું હતું કે ટ્યૂબ અને બસભાડું આ વર્ષે પણ નહિ વધે પરંતુ, પ્રાઈસ કેપ્સ અને ટ્રાવેલકાર્ડ્સમાં રેલપ્રવાસ ૩.૧ ટકા મોંઘો બનશે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter