નોર્થ ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ગુનાખોરી

Wednesday 08th January 2020 02:13 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડનો નોર્થ વિસ્તાર દેશમાં સૌથી વધુ ગુનાખોરી ધરાવે છે. જૂન સુધીના ગત ૧૨ મહિનામાં પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૧૨૮ ગુના સાથે વેસ્ટ યોર્કશાયર પ્રથમ સ્થાને છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના ડેટા મુજબ લંડન વેલ્સના ગ્વેન્ટ સાથે સંયુક્ત ૧૧મા ક્રમે છે. જોકે, ચોરી અને લૂંટફાટમાં રાજધાની લંડનમાં પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ સૌથી વધુ ગુના છે. આ ડેટામાં ફ્રોડના ગુનાનો સમાવેશ કરાયો નથી.

ગત વર્ષે લંડનની શેરીઓમાં ૧૪૬ લોકોની હત્યા થવા છતાં, પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૫૦થી ઓછાં ગુના સાથે તે ૧૧મા ક્રમે છે. દેશના સૌથી વધુ ગુનાખોરીના વિસ્તારોમાં ક્લિવલેન્ડ, ગ્રેટર માન્ચેસ્ટર, હમ્બરસાઈડ, લેન્કેશાયર, નોર્થમ્બરિયા, સાઉથ યોર્કશાયર અને ડરહામનો સમાવેશ થાય છે. ટોપ ટેનમાં એકમાત્ર દક્ષિણનો વિસ્તાર કેન્ટ છે જ્યાં, પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૧૦૬ ગુના રેકોર્ડ થયા છે પરંતુ, હત્યા અને હુમલા જેવાં હિંસક અપરાધોમાં તે બીજા ક્રમે આવે છે.

ગત ૧૨ મહિનામાં ચોરી અને ફ્રોડ સહિત બિનહિંસક ગુનાઓ સહિત ૬.૦૨ મિલિયન ક્રાઈમ નોંધાયેલા છે, જે અગાઉના વર્ષની સરખામણીએ સાત ટકાનો વધારો સૂચવે છે. નાઈફ ક્રાઈમમાં પણ સાત ટકાનો વધારો થયો છે. પોલીસમાં નોંધાયેલા હિંસક ગુનાઓ ૧૫ ટકાના વધારા સાથે કુલ ૧.૭ મિલિયન છે, જે દર મિનિટે ત્રણ ગુનાનું પ્રમાણ છે. વેસ્ટ યોર્કશાયર પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૪૭ હિંસક ગુનાનો સૌથી ઊંચો દર ધરાવે છે. વેલ્સમાં પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૫૬ ગુના સાથે ગ્લોસ્ટરશાયર, નોર્થ યોર્કશાયર અને ડાયફેડ- પોવિસ રહેવા માટે સૌથી સલામત સ્થળો ગણાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter