એનાપોલિસઃ મૂળ અમદાવાદની 21 વર્ષીય પલક પટેલની હત્યા 12 એપ્રિલ, 2015ના દિવસે કરાયાને 10 વર્ષ વીતી જવાં છતાં, FBIને તેના હત્યારા પતિ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની ભાળ મળી નથી. પતિ અને પત્ની મેરિલેન્ડની ડોનટ શોપમાં સાથે કામ કરતા હતા અને ત્યાંજ ચાકુ વીંઝીને પલકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. પટેલ ભદ્રેશકુમાર FBIની મોસ્ટ વોન્ટેડ ફરાર આરોપીની યાદીમાં રહ્યો છે અને તેની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે 250,000 ડોલર સુધીનું ઈનામ પણ જાહેર કરાયું છે.
ડોનટ શોપમાં કોઈની હાજરી નહિ વર્તાતા એક ગ્રાહકે પોલીસને એલર્ટ કરી હતી અને સત્તાવાળાને પલકનો મૃતદેહ મળ્યો હતો. વીડિયો સર્વેલન્સ ફૂટેજમાં પલક સ્વેચ્છાએ પતિ ભદ્રેશકુમાર સાથે સ્ટોરેજ એરીઆમાં જતી હોવાનું જણાયું હતું. FBI બાલ્ટિમોર ફિલ્ડ ઓફિસના સ્પેશિયલ ઓજન્ટ જોનાથન શાફરના જણાવ્યા મુજબ આ ઠંડા કલેજે કરાયેલી હત્યા છે. લો એન્ફોર્સમેન્ટની નજરે ન ચડાય તે રીતે ભદ્રેશકુમારે છેલ્લી ઘડીએ હત્યાની યોજના વિચારી હશે. હુમલા પછી ભદ્રેશકુમાર પાછલા બારણેથી નાસી જઈ કપડાં બદલવા અને અંગત સામાન લેવા એપાર્ટમેન્ટમાં પરત ફર્યો હતો અને ત્યાંથી નેવાર્ક, ન્યૂ જર્સીની ટેક્સી લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. તે છેલ્લે નેવાર્ક-પેન સ્ટેશને દેખાયો હતો. આ પછી, સ્થાનિક પોલીસે FBIની મદદ લીધી હતી.
પલક અરવિંદભાઈ પટેલનો જન્મ 31 મે,1993માં ગુજરાતના અમદાવાદમાં થયો હતો. દયાળુ અને જવાબદાર યુવતી પલકને શિક્ષક થવાની ઈચ્છા હતી. તેના લગ્ન 25 નવેમ્બર 2013ના રોજ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ સાથે થયાં હતાં. દંપતી સપ્ટેમ્બર 2014માં અમેરિકા આવી પહોંચ્યા હતા અને સંબંધીની શોપમાં બાંબી શિફ્ટ્સ કામ કરતા હતા. પલકના પેરન્ટ્સ માર્ચ 2015માં તેમની મુલાકાતે આવ્યા ત્યારે ભદ્રેશની હાજરીમાં જ તેની સાથે વાત થઈ શકતી હતી. પલકને મૃત્યુ પહેલાં ઘરની બહુ યાદ આવતી હતી અને ભારત પરત ફરવા માગતી હતી.
કોઈ ઉશ્કેરણી વિના જ પલકની હત્યાનો હેતુ અસ્પષ્ટ છે, પરંતુ પલકની ભારત ફરવાની ઈચ્છા અને આ મુદ્દે પતિ ભદ્રેશની અનિચ્છા વિશે વિચાર કરાઈ રહ્યો છે. સ્પેશિયલ એજન્ટ શાફરના જણાવ્યા મુજબ દેખીતી રીતે જ તેની હત્યા કરાશે તેવો કોઈ અંદેશો પલકને ન હતો અને હત્યાની થોડી ક્ષણો પહેલાં પણ કોઈ ઝપાઝપી થયાના અણસાર મળ્યાં નથી.
પલકની માતા ન્યાયની આશા રાખી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ‘હું મારી પુત્રી માટે ન્યાય માગું છું. કોઈ પણ કારણ વિના તેના પતિ તરફથી છેતરપીંડી થઈ છે. અમારો પરિવાર વીંખાઈ ગયો છે. અમે પલકને ચાહીએ છીએ અને તેની ખોટ સાલે છે. મને શ્રદ્ધા છે કે એક દિવસ ભદ્રેશકુમાર ઝડપાઈ જશે કારણકે આ કેસમાં દરેક જણ ન્યાય મેળવવા સખત મહેનત કરી રહ્યા છે.’