પુત્ર અન્યનો હોવાનું જાણ્યા બાદ પતિ દ્વારા પત્ની સામે કાનૂની કાર્યવાહી

Wednesday 04th September 2019 02:36 EDT
 

લંડનઃ આઠ વર્ષનો પુત્ર પોતાનો નહિ પરંતુ, પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોને લીધે થયો હોવાનું જાણ્યા બાદ પતિએ પત્ની સામે કેસ દાખલ કર્યો હતો. પત્ની ૧૫ વર્ષની હતી ત્યારે તેને ગર્ભ રહ્યો તે વખતે પરપુરુષ સાથે તેનું લફરું હોવાની ઉડતી વાતો સાંભળ્યા બાદ ગયા વર્ષે પતિએ ડીએનએ ટેસ્ટ કરાવવા કહ્યું હતું. તે પછી પત્ની સામે વિશ્વાસભંગ, પુત્ર પાછળ ખર્ચેલા નાણાંની પરત ચૂકવણી અને ભોગવેલી માનસિક યાતનાના ડેમેજીસ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. કોને દોષ દેવો તે બાબત પાછળ સમય વેડફવા માગતો ન હોવાનું કહીને પતિએ પત્નીના પ્રેમીનું નામ જણાવવાની પણ માગણી કરી હતી. તેણે તે પ્રેમી સામે પણ કાનૂની કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી હતી.

હાઈકોર્ટના ફેમિલી ડિવિઝનના જસ્ટિસ કોહેને ચૂકાદામાં જણાવ્યું હતું કે પોતે બાળકનો જૈવિક પિતા નથી તે જાણીને પતિ ભાંગી પડ્યો હતો. આ તેના માટે અંગત તેમજ તેની ગરિમા અને દરજ્જા માટે મોટો આઘાત હતો. જોકે, હવે પતિએ તેના ‘સાયકોલોજિકલ પિતા’ રહેવાનો અને તેની પાછળ ખર્ચેલા નાણાં પાછા નહિ માગવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, પોતે તેનો પિતા નથી તેવું તે બાળકને જણાવવા માગે છે.

જજે જણાવ્યું હતું કે લંડનમાં રહેતી અને ‘ખૂબ પસ્તાવો’ કરી રહેલી બાળકની માતાએ આ અંગે બાળકને ન જણાવવા વિનંતી કરી હતી. તે જીવનને સમજતો થાય અને સત્યને જીરવી શકે તેવો થાય ત્યાં સુધી આ વાત તેને જાહેર ન કરવા માતાએ જણાવ્યું હતું. જસ્ટિસ કોહેને ઉમેર્યું હતું કે બાળક ખૂબ બુદ્ધિશાળી છે અને માતા-પિતાના તૂટી ગયેલા લગ્નસંબંધથી ખૂબ દુઃખી છે.

બાળકને તેના સાચા પિતાના નામની જાણ ક્યારે કરવી તેનો નિર્ણય સોશિયલ વર્કરે લેવો તેવો આદેશ જજે કર્યો હતો. સાથે જ બાળકને ફ્રાન્સના પોતાના હોલિડે હોમ લઈ જવા પતિને પરવાનગી આપવાનો પણ જજે ઈનકાર કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter