પોલીસે મારી જીંદગી બરબાદ કરી નાખી - રાજેશકુમાર મહેતા, જીપી

કોર્ટ ઓફ અપીલ દ્વારા ડો. મહેતા પરના આરોપો રદઃ મહિલા દર્દી સાથે બળજબરીના કેસમાં ખોટી રીતે દોષિત ઠર્યા હતા

Wednesday 08th January 2020 02:06 EST
 
 

લંડનઃ મહિલા દર્દી સાથે બળજબરીપૂર્વક છેડછાડના કથિત કિસ્સામાં ખોટી રીતે દોષિત ઠરાવાયા બાદ જેલવાસ ભોગવનારા બર્મિંગહામના ફેમિલી ડોક્ટર રાજેશકુમાર મહેતાએ પોલીસ અને પ્રોસિક્યુટર્સની નિષ્ફળતા તેમની જીંદગીને કેવી રીતે પતનના માર્ગે દોરી ગઈ તેની વીતકકથા જણાવી હતી. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેમને ગુનેગાર ઠેરવ્યા હતા. જોકે, જે મહિલાએ તેમના પર જાતીય હુમલાનો આરોપ મૂક્યો હતો તે પોલીસ અને કોર્ટ સમક્ષ જૂઠ્ઠું બોલી હતી તેવા નવા પૂરાવા મળ્યા બાદ કોર્ટ ઓફ અપીલ દ્વારા ડો. મહેતા પરના આરોપો રદ કરી દેવાયા હતા.

ગયા વર્ષે એપ્રિલમાં બર્મિંગહામમાં રહેતા ૬૫ વર્ષીય ડો.રાજેશકુમાર મહેતાને દોષિત ઠેરવીને ૧૫ મહિના માટે જેલમાં મોકલી અપાયા તે અગાઉ ૪૦ વર્ષ સુધી તેઓ જીપી તરીકે કાર્યરત હતા. ડો. મહેતાને જીપી તરીકે દૂર કરાયા અને સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં તેમનું નામ દાખલ કરાયું તે પહેલા તેમણે પૂર્ણ સમય માટે જીપી તરીકે સેવા આપી હતી. કોર્ટ ટ્રાયલ બાદ તેમનું નામ મેડિકલ રજિસ્ટરમાંથી કાઢી નખાયું હતું.

ડો. મહેતાએ જણાવ્યું હતું કે તેમણે તેમનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. તેમણે કહ્યું,‘ મેં મારી કારકિર્દી ગુમાવી દીધી.’ તેમણે જેલમાં ડરી જવાય તે હદે ડ્રિંક્સ, ડ્રગ્સ અને હિંસા જોઈ હતી. કોરિડોરમાં વંદા, લોહી અને ઉલટી, જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, ‘ મારા પરિવારનો સાથ ન હોત તો હું જીવતો ન હોત.’ ડોક્ટરોના યુનિયન મેડિકલ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જણાવાયું હતું કે તેઓ ડો. મહેતાનું નામ રદ કરવાના નિર્ણયને પાછો ખેંચી લેવા માટે જનરલ મેડિકલ કાઉન્સિલને દબાણ કરશે.

ડોક્ટરના વકીલોએ જણાવ્યું હતું કે ટ્રાયલ પછી હજુ પણ એનોનિમીટી ઓર્ડરથી રક્ષણ હેઠળ રહેલા દર્દી અગાઉ કરાયેલા અન્ય કથિત હુમલા વિશે જૂઠ્ઠું બોલ્યા હોવાનું જણાયું હતું. કથિત હુમલાના દિવસે બનેલી ઘટનાઓ વિશે મહિલા દર્દી ખોટું બોલી હોવાનું બહાર આવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે તેના મિત્ર સાથે બર્મિંગહામના સ્પાર્કહિલમાં આવેલી સર્જરી પર ગઈ હતી. તે વ્યક્તિની ઓળખ વિશે સોગંદ લઈને તેણે કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનું જણાયું હતું.

અપીલ જજોએ જણાવ્યું હતું કે કથિત હુમલાના દિવસે દર્દીએ સર્જરીમાં ગાળેલા સમય વિશે આપેલા પુરાવા સાથે જ તેમને નિસ્બત હતી. તેના જૂઠ્ઠાણાને સીધી રીતે આક્ષેપ સાથે સંબંધ ન હતો. કોર્ટે ઠેરવ્યું કે તે બાબતની તેની પ્રામાણિકતા પર નકારાત્મક અસર થઈ. તેના પરિણામે તેના મુખ્ય દાવાની વિશ્વસનીયતાને નજરઅંદાજ કરી દેવાઈ હતી.

ડો. મહેતાએ પોલીસ અને પ્રોસિક્યુટર્સની કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ અને વેસ્ટ મીડલેન્ડ્સ પોલીસે ઘણાં પ્રશ્રોના જવાબ આપવા પડશે. તેમણે જે જાહેર કરવાનું હતું તે ન કરતા તેનું વિનાશક પરિણામ આવ્યું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter