બજેટમાં £૧.૮ બિલિયનનો છૂપો કરઃ ૧૦ મિલિયન લોકોને અસર

Tuesday 28th November 2017 13:21 EST
 

લંડનઃ ઈન્સ્યુરર્સ દ્વારા ઓફર કરાતી લાંબા ગાળાની બચત યોજનાઓમાં રોકડ રોકાણ કરતા લાખો લોકોને બજેટમાં £૧.૮ બિલિયનના છૂપા કરનો માર પડશે. વૃદ્ધાવસ્થા અથવા મકાનની લોન્સને ચૂકવવામાં કામ લાગતી આ લોકપ્રિય યોજનાઓમાં લોકો ૧૦થી ૨૦ વર્ષ સુધી બચત કરતા હોય છે. બજેટના છૂપા નિયમો મુજબ આ રોકાણો પર નવો ટેક્સ લાગુ પડશે.

હાલ નફા સાથેની એન્ડોવમેન્ટ અને હોલ-લાઈફ ઈન્સ્યુરન્સ પોલિસી પર નફો ફૂગાવાના દરથી નીચે હોય તો ટેક્સમાફી મળે છે. જો વળતર ઊંચુ હોય તો બચતકારોનો ટેક્સ લાભના હિસ્સા પર કપાઈ જાય છે. આ ટેક્સ કંપનીઓ પર હોવાથી કોર્પોરેશન ટેક્સ લાગે છે. જોકે, કંપનીઓ હંમેશા તેને બચતકારોના ફંડમાંથી કાપીને ચૂકવે છે.

હવે જાન્યુઆરીથી અમલી થનારા નિયમો અનુસાર બચતકારો એક પણ પેનીની કમાણી કરે તેના પર ૧૯ ટકાનો કોર્પોરેશન ટેક્સ લાગુ થશે, જે માટે ફૂગાવાનો દર ધ્યાને લેવાશે નહિ. આ ટેક્સ પણ બચતકારો પર પાસ-ઓન કરી દેવાશે. બજેટના દસ્તાવેજો અનુસાર ટ્રેઝરીને આ પગલાંથી આગામી પાંચ વર્ષમાં વધારાની ૧.૭૭ બિલિયન પાઉન્ડની આવક મળશે. ટ્રેઝરીનું કહેવું છે કે આ નીતિથી વ્યક્તિ કે પરિવારોને નહિ પરંતુ, ઈન્સ્યુરન્સ કંપનીઓને જ તેની અસર થશે. જોકે, એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સ કહે છે કે આ પગલાથી ગ્રાહકોને નિશ્ચિતપણે ઓછી ચુકવણી થશે. બીજી તરફ, ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કરાયો તેનો લાભ પણ બેન્કોએ ગ્રાહકોને આપ્યો ન હોવાથી માર પડ્યો છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter