બિલિયોનેર્સની યાદીમાં એશિયાનો પ્રથમ ક્રમ

Monday 30th October 2017 09:48 EDT
 
 

લંડનઃ વિશ્વમાં સૌથી વધુ ૬૩૭ બિલિયોનેર્સ સાથે એશિયા પ્રથમ ક્રમે છે, જ્યારે અમેરિકામાં ૫૬૩ બિલિયોનેર્સ છે. બિલિયોનેર્સની ૩૪૨ની સંખ્યા સાથે યુરોપ ત્રીજા ક્રમે છે. ગયા વર્ષે ચાઈનીઝ એન્ટ્રેપ્રીન્યોર્સની સંખ્યા વધવા સાથે સૌપ્રથમ વખત એશિયાનો પ્રથમ ક્રમ આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં જે નવા બિલિયોનેર્સ બન્યા છે તેમાંથી ૭૫ ટકા ચીન અને ભારતના છે. વિશ્વના કુલ ૧૫૪૨ અબજપતિની સંયુક્ત સંપત્તિ ૬ ટ્રિલિયન ડોલરની છે. સંખ્યામાં એશિયન બિલિયોનેર્સ વધુ હોવાં છતાં સંપત્તિની માલિકીમાં અમેરિકન્સ પ્રથમ છે. સરેરાશ જોઈએ તો એશિયામાં દર બીજા દિવસે એક બિલિયોનેરનું સર્જન થાય છે. જો આ ટ્રેન્ડ ચાલતો રહેશે તો એશિયન બિલિયોનેર્સની કુલ સંપતિ ચાર વર્ષમાં અમેરિકન સમકક્ષોની સંપત્તિને આંબી જશે.

ફાઈનાન્સિયલ સર્વિસીસ ફર્મ UBS અને ઓડિટર પ્રાઈસવોટરહાઉસકૂપર્સ (PwC)ના રિપોર્ટ અનુસાર આ જૂથ બ્રિટનના વર્કફોર્સ જેટલા એટલે કે કુલ ૨૭.૭ મિલિયન લોકોને રોજગારી આપતી કંપનીઓની માલિકી અથવા અંકુશ ધરાવે છે. એશિયાના સૌથી મોટા બે અર્થતંત્રો ચીન અને ભારતમાંથી નવા અબજપતિઓ મોટી સંખ્યામાં આવ્યા છે. ચીનમાં નવા ૬૭ અબજપતિ સાથે કુલ આંકડો ૩૧૮નો થયો છે, જ્યારે ભારતના અબજપતિઓની સંખ્યા ૧૬થી વધીને ૧૦૦ સુધી પહોંચી છે.

યુકેમાં ગત વર્ષે ૧૪ નવા અબજપતિનો ઉમેરો થવા સાથે સંખ્યા વિક્રમી ૧૩૪ની થઈ છે. સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર વિશ્વના કોઈ પણ શહેર કરતા લંડનમાં સૌથી વધુ ૮૬ અને ન્યૂ યોર્કમાં ૮૨ બિલિયોનેર્સ છે. આ પછીનું શહેર હોંગકોંગ છે. યુકેમાં હિન્દુજા ભાઈઓ-શ્રીચંદ અને ગોપીચંદ-નો પરિવાર સૌથી ધનવાન છે. તેમની ચોખ્ખી સંપત્તિ ૧૬.૨ બિલિયન પાઉન્ડ અથવા ૨૧ બિલિયન ડોલર જેટલી છે. બીજા સ્થાને લક્ષ્મી મિત્તલ અને ત્રીજા સ્થાને મુંબઈમાં જન્મેલા ડેવિડ અને સિમોન રુબેન ભાઈઓ છે.

સમગ્ર વિશ્વમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સળગતી રાજકીય સમસ્યા છે ત્યારે UBS અને PwCના રિપોર્ટે જણાવ્યું છે કે અબજપતિઓની વધેલી સંપત્તિ જરુરીયાતમંદોને કામમાં લાગે તેવી શક્યતા વધુ છે. તેમના અંદાજ અનુસાર આગામી બે દાયકામાં આ અબજપતિઓ વૃદ્ધ થશે ત્યારે તેમની સંપત્તિના આશરે ૨.૪ ટ્રિલિયન ડોલર પરોપકારના હિતોમાં વપરાશે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter