બિહારમાં વિશ્વના સૌથી વિશાળ શિવલિંગની સ્થાપના

Saturday 24th January 2026 16:17 EST
 
 

મોતિહારીઃ બિહારના મોતિહારીના કેસરિયાના કઠૌલિયા ગામે નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરના પ્રાંગણમાં દુનિયાના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ 120 એકર વિસ્તારમાં કરાઈ રહ્યું છે. આ મંદિર દુનિયાનું સૌથી મોટું રામાયણ મંદિર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ શિવલિંગને તામિલનાડુના મહાબલિપુરમથી 40 કરતા વધારે દિવસમાં 2500 કિલોમીટરનું અંતર કાપીને બિહાર લવાયું છે. આ શિવલિંગનું નિર્માણ કરવામાં 10 વર્ષનો સમય લાગ્યો છે. ગ્રેનાઈટથી નિર્મિત આ શિવલિંગમાં 1008 નાના શિવલિંગ કોરાયા છે. આ શિવલિંગને તૈયાર કરવામાં 1008 કારીગરોએ પોતાની સેવા આપી હતી. આ વિશાળ શિવલિંગની સ્થાપના મુશ્કેલ હતી. 200 મેટ્રિક ટન વજન અને 33 ફૂટ લંબાઇ ધરાવતા આ શિવલિંગની સ્થાપના માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે એન્જિનિયર્સની ટીમે તેને સફળતાથી સ્થાપિત કરી હતી. શિવલિંગને 30 ફૂટ કરતા ઊંચા ગુંબજ પર સ્થાપિત કરાયુ હતું. જે કારણે તેની કુલ ઊંચાઇ 60 ફૂટ કરતા પણ વધારે થઇ ગઇ છે. બે હેવી ક્રેઇનની મદદથી શિવલિંગની સ્થાપના કરાઇ હતી. પહેલા શિવલિંગને હવામાં લિફટ કરાયુ હતું અને પછી તેને ઊંચાઇએ લઇ જઇને સ્થાપિત કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter