બોચાસણમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘ભગવાનનો રાજીપો એટલે અબજો રૂપિયાનો નફો’

Wednesday 20th November 2019 05:11 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે.૧૨મીને મંગળવારે તેમની નિશ્રામાં કાર્તિકી પૂનમનો સમૈયો ઉજવાયો હતો. સવારે તેમણે સંતો અને હરિભક્તોને પૂજા દર્શન આપ્યા હતા. સાંજે ‘સંસ્થાનો વિકાસ વચનામૃતમાં દર્શાવેલા સિદ્ધાંતોના પાયા પર’ આ વિષયે સભા યોજાઈ હતી. તેમાં ઉપાસના, આજ્ઞા, સદભાવ અને સતપુરુષ એમ ચાર વિભાગમાં સંત પ્રવચન, સંવાદ અને સદગુરુ દ્વારા પ્રેરણા અપાઈ હતી. કાર્યક્રમમાં નૃત્ય પણ રજૂ કરાયું હતું. સભામાં પધારેલા પૂ. મહંત સ્વામીને હારતોરાથી વધાવવામાં આવ્યા હતા. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ શ્રીજી મહારાજે ઘણી કૃપા કરી છે. એનું માપ કઢાય એવું નથી એટલી બધી કૃપા કરી છે. કૃપા કઈ ? તો પૃથ્વી પર પધાર્યા.’ ૧૪મીએ પૂ. મહંત સ્વામીએ આણંદ વિભાગના સિંહોલના હરિમંદિરનું ઈષ્ટીકાપૂજન કર્યું હતું. તાજેતરમાં અટલાદરા ખાતે મહાઅન્નકૂટનું આયોજન કરાયું હતું. અટલાદરાથી પધારેલા સંતોએ તેના આયોજન વિશે પૂ. મહંત સ્વામીને વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. ૧૫મીએ સાંજે મહેળાવના સંતો અને હરિભક્તો દ્વારા સત્સંગ સભા યોજાઈ હતી. તેમાં નૃત્ય અને સંવાદ રજૂ થયા હતા. મહેળાવ મંદિર હેઠળ આવતા મંદિરોમાં થયેલા અન્નકૂટના દર્શન વીડિયો દ્વારા કરાવાયા હતા. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ ભગવાનનો રાજીપો એટલે અબજો રૂપિયાનો નફો, માટે ભગવાનને રાજી કરવા પર તાન રાખવું.’ ૧૭મીએ સાંજની સભામાં ડોક્ટર સ્વામીએ સંતો અને હરિભક્તોને પ્રેરણાવચનોનો લાભ આપ્યો હતો. ત્યારપછી ‘માન મૂકવાની પ્રેરણા’ સંવાદ ભજવાયો હતો. સભાના અંતે પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું,‘ એકાંતિક ભક્તનો અભાવ આવે એ તો ડૂબ્યો.. ડૂબ્યો. કોઈનો અભાવ લેવો નહીં એમાં સલામતી છે.’ પૂ. મહંત સ્વામીના દર્શન માટે ઘણાં હરિભક્તો અને સંતો પદયાત્રા કરીને બોચાસણ આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter