બ્રિટનમાં કામ કરતી માતાઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ

Wednesday 05th June 2019 04:35 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં નોકરી કે કામ કરતી માતાઓની સંખ્યા વધી રહી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના તાજા આંકડા અનુસાર ચારમાંથી ત્રણ અથવા તો ૭૫.૩ ટકા માતાઓ કામ કરી રહી છે, જે વિક્રમી સંખ્યા છે. બે વર્ષથી ઓછી વયના બાળકો સાથે કામ કરતી માતાઓનું પ્રમાણ પણ વધ્યું છે. આંકડા એમ પણ કહે છે કે દંપતીઓમાં માત્ર પુરુષની આવક પર આધારિત દંપતીની સંખ્યા ૧૦ લાખથી નીચે ગઈ છે. વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી અમ્બર રડે આંકડાઓને વધાવતાં કહ્યું હતું કે મહિલાઓ કામ કરવાથી જ આર્થિક સ્વતંત્રતા હાંસલ કરી શકશે.

કામ કરતી માતાઓ અંગે રેકોર્ડ્સ રખાતા થયા તે પછી પહેલી વખત ૭૫ ટકાનો આંકડો વટાવી દેવાયો છે. આંકડા જણાવે છે કે બાળકો ઉછેરવા નોકરી છોડનારી મહિલાઓ તેમજ પરિવારમાં એકમાત્ર કમાનાર પુરુષ હોય તે સંખ્યા પણ ૧૦ લાખની નીચે ગઈ છે. દેશના ૨૧ મિલિયન ઘરમાં લગભગ ૧૦માંથી છ ઘરમાં તમામ પુખ્ત વ્યક્તિ કામ કરે છે, જે એક વર્ષમાં એક ટકાનો વધારો સૂચવે છે. કુલ ૧૮.૧ મિલિયન પરિવારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ કામ કરે છે. જે ઘરમાં કોઈ પણ વ્યક્તિએ કદી નોકરીન કરી હોય તેવાં ઘરની સંખ્યા આ માર્ચ સુધીમાં ૧.૩ ટકા ઘટી છે.

ઘરમાં જ રહેતી પરીણિત અથવા પાર્ટનર મહિલાની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. તાજા આંકડા મુજબ ૬૫થી ઓછી વયની ૧.૮ મિલિયન સ્ત્રીઓ કામ કરવાનું પસંદ કરતી નથી, જે પાંચ વર્ષમાં ૨૫૫,૦૦૦નો ઘટાડો સૂચવે છે. જોકે, કામ કરતી માતાનો ખ્યાલ પણ વિવાદાસ્પદ રહ્યો છે. કામ કરતી માતાનાં બાળકો મોટા ભાગે ચાઈલ્ડકેર હસ્તક જ રહે છે. બાળકો તેમના પેરન્ટ્સ સાથે સમય ગાળવાનું ગુમાવી રહ્યાં છે, જે તેના સંવેદનાત્મક વિકાસને ખરાબ અસર કરે છે તેમ નિષ્ણાતોનું કહેવું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter