બ્રિટન આગામી ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે

Thursday 17th January 2019 04:13 EST
 
 

લંડનઃ Access to Cash Review ના રિપોર્ટ મુજબ બ્રિટન ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે. જોકે, આ સમાજમાં લાખો વૃદ્ધ અને અસલામત લોકો ઉપરાંત, ગ્રામીણ સમુદાયોનો સમાવેશ નહિ હોય. આ રિપોર્ટમાં દેવાં વધી જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગત દાયકામાં રોકડ રકમનો ઉપયોગ અડધો થઈ ગયો છે અને ગયા વર્ષે તો ડેબિટ કાર્ડ્સ પેમેન્ટની સૌથી લોકપ્રિય પદ્ધતિ તરીકે બહાર આવ્યાં હતાં. દાયકા અગાઉ, દસમાંથી છ આર્થિક વ્યવહાર રોકડમાં કરાતા હતા, આજે દસમાંથી માત્ર ત્રણ વ્યવહાર રોકડમાં કરાય છે.

યુકે જે ગતિએ રોકડહીન સમાજ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેનાથી નિષ્ણાતોની ચિંતા જોઈ સમીક્ષા કરવામાં આવી છે. Access to Cash Review ના પ્રથમ રિપોર્ટ મુજબ જો વર્તમાન ગતિએ રોકડ ચૂકવણી વ્યવહાર ઘટતા જશે તો બ્રિટનમાં ૨૦૨૬ સુધીમાં રોકડનાં ઉપયોગનો અંત આવી જશે. જોકે, આવી શક્યતા નહિવત્ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

બીજી તરફ, રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે રોકડ વ્યવહારો તદ્દન નાબૂદ નહિ થાય તો પણ આગામી ૧૫ વર્ષમાં રોકડનો ઉપયોગ દસમાંથી માત્ર એક વ્યવહાર પૂરતો જ રહેશે. રીવ્યૂ ચેરમેન નાતાલી સીનેએ જણાવ્યું હતું કે, ‘જો આપણે ઓછી રોકડના વિશ્વ માટે કાળજીપૂર્વક આયોજન નહિ કરીએ, જો આપણે ઊંઘમાં જ કેશલેસ સોસાયટીમાં પહોંચી જઈશું તો, લાખો લોકો આ સમાજથી પાછળ રહી જશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter