બ્રિટિશર સાથે બળજબરીથી લગ્ન મુદ્દે ભારતનો ત્રીજો ક્રમ

Wednesday 05th June 2019 04:12 EDT
 
 

લંડનઃ બ્રિટિશ નાગરિકો સાથે બળજબરીથી કરાતાં લગ્નના કિસ્સાઓમાં ૧૧૦ લગ્ન સાથે ભારત ત્રીજા ક્રમે છે. યુકે સરકારના તાજા આંકડા અનુસાર આવા કિસ્સાઓમાં સૌથી વધુ ૭૬૯ લગ્ન સાથે પાકિસ્તાન પ્રથમ અને ૧૫૭ લગ્નો સાથે બાંગલાદેશ દ્વિતીય ક્રમે છે. સોમાલિયા ૪૬ લગ્નો સાથે ચોથા ક્રમે છે.

યુકેની હોમ ઓફિસ અને ફોરેન ઓફિસની સંયુક્ત સંસ્થા ધ ફોર્સ્ડ મેરેજ યુનિટ (FMU) અનુસાર ભારતમાં ગયા વર્ષે બ્રિટિશ નાગરિકો સાથે બળજબરીથી લગ્ન કરવાની ૧૧૦ ઘટના નોંધાઈ હતી. સંસ્થાના વિશ્લેષણ મુજબ ભારતમાં ૨૦૧૬માં અને ૨૦૧૭માં અનુક્રમે ૭૯ અને ૮૨ કેસ નોંધાયા હતા. આવાં લગ્નનાં લગભગ ૩૦ ટકા કેસ લંડન સાથે સંકળાયેલા હતા. ભારતમાં બ્રિટિશ નાગરિકો સાથે બળજબરીથી કરાવાતાં લગ્નની સંખ્યા દર વર્ષે વધતી રહી છે.

એફએમયુએ જણાવ્યા મુજબ, બળજબરીથી કરાતાં લગ્ન કોઈ એક દેશ કે સંસ્કૃતિના સાથે જોડાયેલી સમસ્યા નથી. એફએમયુ વર્ષ ૨૦૧૧થી એશિયા, મધ્ય-પૂર્વ, આફ્રિકા, યુરોપ અને ઉત્તર અમેરિકા સહિત ૧૧૦થી વધુ દેશ સાથે સંકળાયેલા આવા કેસીસ પર નજર રાખે છે. સંસ્થાએ ગત વર્ષે પબ્લિક હેલ્થલાઈન, ઈમેઈલ અને ઈન્કવાયરી સેન્ટરમાંથી માહિતી મુદ્દે બળજબરીથી લગ્ન વિશેના ૧૮૦૦ કેસમાં સલાહ આપી હતી. આ કેસીસમાં ૭૫ ટકા મહિલા સામેલ હતી. આ દરમિયાન નોંધાયેલા ૧૧૯ કેસમાં વિદેશનો સંબંધ ન હતો. કદાચ આવા લગ્ન બળજબરીથી સંપૂર્ણપણે બ્રિટનમાં જ થયા હતાં. જોકે, આ પાછલાં વર્ષોથી તુલનાએ ઓછો આંકડો છે. તેમ છતાં સ્પષ્ટ છે કે બ્રિટનમાં પણ બળજબરીથી લગ્નો તો કોઈને કોઈ રીતે થઈ જ રહ્યાં છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોઈ સાથે સંમતિ વિના, બળજબરી, હિંસા, ધાકધમકી કે લાગણીશીલ કે શારીરિક દબાણથી લગ્ન કરવાને ગેરકાનૂની ઠરાવતા કાયદા ૨૦૧૪થી અમલી થયાં છે અને અપરાધીને સાત વર્ષ સુધીની જેલની સજા કરી શકાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter