બ્રિટિશ નાગરિકત્વની લડાઈમાં શમીમા બેગમની પ્રથમ પીછેહઠ

Wednesday 12th February 2020 03:15 EST
 
 

લંડનઃ જેહાદી કટ્ટરવાદી સંગઠન ISISના લડવૈયાની પત્ની શમીમા બેગમની બ્રિટિશ નાગરિકતા પાછી ખેંચી લેવા મુદ્દે કાનૂની લડાઈના પ્રથમ તબક્કામાં હાર થઈ છે. ૨૦ વર્ષીય શમીમાએ ૨૦૧૫માં ઈસ્ટ લંડનથી બે અન્ય સ્કૂલ ગર્લ્સ સાથે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવા સીરિયા ગઈ હતી. નવ મહિનાની સગર્ભાવસ્થા સાથે રેફ્યુજી કેમ્પમાં રહેલી શમીમાએ પાછાં ફરવાની ઈચ્છા દર્શાવ્યાં પછી તત્કાલીન હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ગયા વર્ષે તેની બ્રિટિશ નાગરિકતા પાછી ખેંચી લીધી હતી.

નાગરિકતા પાછી ખેંચી લેવાથી તે દેશવિહોણી થઈ જશે તેવી દલીલ સામે સરકારે જણાવ્યું હતું કે શમીમા પોતાના પેરન્ટ્સ મારફત બાંગલાદેશની નાગરિકતા મેળવવાને પાત્ર છે. બીજી તરફ, બાંગલાદેશે આ શક્યતા ફગાવી દીધી હતી.

SIAC પ્રમુખ મિસિસ જસ્ટિસ એલિસાબેથ લેઈંગના વડપણ હેઠળની ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે મિસ બેગમની બ્રિટિશ નાગરિકતા રદ કરવાના નિર્ણયથી તે દેશવિહોણી થઈ જતી નથી. ટ્રિબ્યુનલનો નિર્ણય જાહેર કરતાં જજ ડોરોન બ્લુમે જણાવ્યું હતું કે આ પગલાંથી મિસ બેગમ સામે મોત, અથવા અમાનવીયતા કે અપમાનજનક વર્તનનું જોખમ આવતું નથી. શમીમા બેગમના સોલિસિટરે જણાવ્યું હતું કે તેમની ક્લાયન્ટ આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે. તેમણે આ નિર્ણયને શમીમાને વતન પાછાં ફરવામાં મોટા અવરોધપૂર્ણ ગણાવ્યો હતો.

શમીમા બેગમ ૧૫ વર્ષની હતી ત્યારે બેથનાલ ગ્રીન એકેડેમીની અન્ય બે વિદ્યાર્થિની કાદિઝા સુલતાના (૧૬) અને અમીરા આબેઝ (૧૫) સાથે પોતાનાં ઘર અને પરિવારોને છોડી ISમાં જોડાવાં તુર્કીના ઈસ્તંબુલ જવા ગેટવિક એરપોર્ટથી રવાના થઈ હતી. ત્યાંથી તેઓ સીરિયાના રાક્કા ગયાં હતા. શમીમાએ જણાવ્યા અનુસાર તેણે ISના તાબાના ક્ષેત્રમાં પહોંચ્યાના ૧૦ દિવસ પછી ત્યાં ઈસ્લામ ધર્મ અપનાવનારા ડચ નાગરિક જેહાદી યાગો રેજિક સાથે લગ્ન કર્યાં હતાં.

શમીમાએ ગત ફેબ્રુઆરીમાં ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે તેણે પોતાના પતિ સાથે જાન્યુઆરી ૨૦૧૭માં રાક્કા છોડ્યું હતું. તે સગર્ભા હતી. બાળકનો જન્મ થયાં પછી થોડા સમયમાં તેનું મોત થયું હતું. તેને અગાઉ જન્મેલાં બે બાળકનાં પણ મોત થયાં હતાં. શમીમાએ અગાઉ જે કેમ્પ્સમાં તે રહેતી હતી તેને અત્યંત ‘ગંદા અને દયનીય’ વાતાવરણના ગણાવ્યાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter