બ્રિટિશ મહિલા વકીલને એર ઇન્ડિયા સ્ટાફ સાથે ગેરવર્તન બદલ જેલ

Wednesday 10th April 2019 03:29 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં એર ઈન્ડિયાની મુંબઈથી લંડનની ફ્લાઈટ દરમિયાન ચાલક દળના સદસ્યો સાથે ગેરવર્તન તેમજ વંશીય ટીપ્પણીઓ કરનારી આયરિશ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વિશેષજ્ઞ મહિલા વકીલ સિમોન બર્ન્સને છ મહિનાની જેલની સજા સંભળાવાઈ છે. તેણે વાઈનની ચોથી બોટલ પીવા માટે માંગી હતી, જેનો સવિનય ઈનકાર કરવામાં આવ્યો હતો. મહિલા વકીલ રોષે ભરાઈ કર્મચારીના ચહેરા પર થૂંકી હતી.

નવેમ્બર ૧૧, ૨૦૧૮ની ઘટનામાં મહિલા વકીલ સિમોન બર્ન્સે એર ઈન્ડિયાની મુંબઈથી લંડન ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન શરાબ ન આપવાના મુદ્દે ચાલકદળના સભ્યો સાથે આચરેલાં ગેરવર્તનની સમગ્ર ઘટના વિમાનના કેમેરામાં કેદ થઈ હતી. રોષે ભરાયેલી વકીલ ટોઈલેટમાં સિગારેટ પીતી પણ જણાઈ હતી. લંડનના હીથ્રો એરપોર્ટ પર ફ્લાઈટ ઉતરવા સાથે જ તેની ધરપકડ કરાઈ હતી. માર્ચ મહિનામાં તેને દોષિત ઠરાવાઈ હતી. મહિલા વકીલે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન આઈઝલવર્થ ક્રાઉન કોર્ટના જજ નિકોલસ વૂડે મહિલા વકીલ સિમોન બર્ન્સને એરક્રાફ્ટમાં શરાબમાં ચકચૂર થવા માટે છ મહિના તેમજ ફ્લાઈટ કર્મચારી પર હુમલા માટે બે મહિનાની સજા ફટકારી હતી. આ બંને સજા સાથે જ ગણાશે. આ ઉપરાંત, તેણે જેના પર હુમલો કર્યો હતો તે કર્મચારીને ૩૦૦ પાઉન્ડ પણ ચુકવવાના રહેશે. જજ નિકોલસ વૂડે સજા ફરમાવતા કહ્યું હતું કે, ‘બંધ એરક્રાફ્ટમાં શરાબી અને તર્કવિહિન વ્યક્તિનો અનુભવ ગભરાવનારો તેમજ સલામતી માટે સંભવિત જોખમરુપ છે.’ સુનાવણીમાં સ્પષ્ટ થયું હતું કે મહિલા વકીલ પહેલેથી જ ખૂબ નશામાં હોવાં છતાં શરાબ માગી રહી હતી. શરાબ ન આપવા પર તેણે જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી અને ચાલક દળના એક સભ્યના ચહેરા પર થૂંકી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter