બ્રિટિશ રેલસેવાએ નિર્ણય ફેરવ્યોઃ ઈન્ટરરેલ-ઈયુરેલનો જ હિસ્સો

Wednesday 14th August 2019 02:58 EDT
 
 

લંડનઃ યુકે બ્રેક્ઝિટ પછી અલગ થાય તે અગાઉ જ યુકે ટ્રેન ઓપરેટર્સના જૂથ રેલ ડીલિવરી ગ્રૂપ (RDG) દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી ઈન્ટરરેલ અથવા ઈયુરેલ યોજનાનો હિસ્સો નહિ રહે તેવી જાહેરાત કરી તેના બીજા જ દિવસે પીછેહઠ કરી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્શે ઈન્ટરરેલ અથવા ઈયુરેલ યોજના છોડવાને ‘કાઉન્ટરપ્રોડક્ટિવ’ ગણાવી હતી.

બ્રિટિશ રેલસેવા દ્વારા ૪૭ વર્ષના સભ્યપદ પછી બ્રિટિશ રેલ સર્વિસીસને ઈન્ટરરેલ અથવા ઈયુરેલ પાસીસ હેઠળ આવરી લેવાશે નહિ અને બ્રિટરેલ નામે નવી સેવા શરૂ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે, તેનો ભારે વિરોધ કરાયાના પગલે RDG દ્વારા ઈયુરેલ સાથે નવેસરથી વાટાઘાટો કરી સમજૂતી સાધી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી શાપ્શે જણાવ્યું હતું કે ઈયુ છોડવા સાથે સંકળાયેલી ન હોવા સાથે યુકેના નાગરિકોને ખાસ અસર નહિ થવાની હોવાં છતાં, યુકેના પ્રવાસે આવનારા અન્ય લોકો માટે તે મુશ્કેલી વધારશે. તેમણે રેલ ડિલિવરી ગ્રૂપને નિર્ણય પાછો ખેંચવા હાકલ કરી હતી.

RDGએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રિટનની ટ્રેન કંપનીઓ કદી ઈન્ટરરેલ છોડવા માગતી ન હતી. હવે અમે ઈન્ટરરેલ અને ઈયુરેલ પાસીસનો હિસ્સો બની રહીશું.૧૯૭૨માં લોન્ચ કરાયેલી ઈન્ટરરેલ એવી સેવા છે જેમાં, એક જ રેલ ટિકિટ હેઠળ સમગ્ર યુરોપના ૩૧ દેશનો પ્રવાસ ખેડી શકાય છે. અત્યાર સુધી ઈયુરેલ પાસ બિનયુરોપીય નાગરિકો માટે અને ઈન્ટરરેલ પાસ યુરોપિયન નાગરિકો માટે વપરાતો હતો. ઈયુરેલ અને ઈન્ટરરેલ પાસીસને એક જ કરી દેવાના ઈયુરેલ ગ્રૂપના નિર્ણયથી ઈયુરેલ ગ્રૂપ અને RDG વચ્ચે વિવાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. બ્રિટનમાં આ પાસમાંથી મળતી આવક અન્ય દેશોમાં વહેંચાતી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter