બ્રોડકાસ્ટિંગ સ્ટાફમાં BAME ને વધુ તક આપવા મેયરની ઓફકોમને તાકીદ

Monday 09th October 2017 10:26 EDT
 
 

લંડનઃ યુકેની બ્રોડકાસ્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ સંસ્કૃતિના સ્ટાફના અભાવની સ્થિતિ સુધારવા માટે નવેસરથી પગલાં લેવા લંડનના મેયર સાદિક ખાને બ્રોડકાસ્ટિંગ નિયંત્રક ઓફ્કોમને તાકીદ કરી હતી. તાજેતરમાં ઓફકોમના ચીફ એક્ઝિક્યુટિવ શેરોન વ્હાઈટે સ્ટાફમાં વૈવિધ્યના દુઃખદ અભાવ બદલ બ્રોડકાસ્ટરોની ટીકા કરી તેના ઉકેલ માટે નેતૃત્વ સંભાળવામાં BBC નિષ્ફળ રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ કારણથી પ્રોગ્રામ બનાવનારા અને દર્શકો વચ્ચે સાંસ્કૃતિક અસંતોષ ઉદભવતો હોવાના ઓફ્કોમના તારણ સાથે મેયરે સંમતિ દર્શાવી હતી.

આ ક્ષેત્રમાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME)ના વૈવિધ્યની ચકાસણી કરવા એક્ટર અને કોમેડિયન સર લેની હેન્રીને સમર્થન આપતા જૂથો સાથે મેયર જોડાયા છે. શેરોન વ્હાઈટને પત્ર પાઠવી લેની હેન્રીની ત્રણમાંથી બે ભલામણનો સ્વીકાર કરવા જણાવ્યું હતું.

• પ્રોડક્શન સ્ટાફ પાછળ થતા કુલ ખર્ચનો લગભગ ૫૦ ટકા ખર્ચ BAME પાછળ થવો જોઈએ

• ઓન-સ્ક્રીન ટેલેન્ટ પાછળ થતા કુલ ખર્ચનો લગભગ ૫૦ ટકા ખર્ચ BAME પાછળ થવો જોઈએ

• પ્રોડક્શનમાં કામ કરતા સિનિયર સ્ટાફમાંથી ઓછામાં ઓછા ૩૦ ટકા BAME હોવા જોઈએ.

હાલ BAME લોકો યુકેના વર્કફોર્સમાં ૧૦ ટકા અને રાજધાનીના વર્કફોર્સમાં ૩૫ ટકાનું પ્રમાણ ધરાવે છે છતાં, તેમની નોકરી વિશે અપાતા આંકડા અસંગત અને કેટલીક વખત તો ગેરમાર્ગે દોરનારા હોય છે. તેમાં ઘણી વખત ક્રિએટિવ અથવા પ્રોડક્શનમાં કામ કરતા લોકોને ફાઈનાન્સિયલ અને કોમર્શિયલ ડિપાર્ટમેન્ટમાં અથવા વિદેશના ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા BAME લોકો સાથે ભેગા કરી દેવાતા હોય છે. તેથી BAME પ્રતિનિધિત્વની વિગતો ખોટી પડે છે. આંકડામાં સિનિયર લેવલે BAME પ્રતિનિધિત્વની ખૂબ ઓછી વિગતો અપાતી હોવાથી મેયરે બ્રોડકાસ્ટરો માટે ઓન અને ઓફ સ્ક્રીન હોદ્દા બન્નેમાં BAME રોજગારના લક્ષ્યાંક નક્કી કરવા ઓફકોમને ભલામણ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter