બર્મિંગહામઃ ભારતના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મિડલેન્ડ્સમાં ભારતના સર્વોચ્ચ રાજદ્વારી ડો. વેંકટાચલમ મુરુગન દ્વારા આયોજિત ભવ્ય રિસેપ્શન ઊજવણીમાં વક્તાઓએ સ્પષ્ટ સંદેશામાં જણાવ્યું હતું કે ભારતનું ભાવિ હજુ ઉજ્જવળ છે. બ્રિટનના વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા સંખ્યાબંધ અગ્રણીઓએ ગત રવિવાર, 26 જાન્યુઆરીએ બર્મિંગહામ કાઉન્સિલ હાઉસમાં આયોજિત સમારંભમાં હાજરી આપી હતી. રાઉન્ડ ટેબલ ઈવેન્ટમાં ભારતીય પરંપરા અનુસાર દીપપ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી.
સાત વિશિષ્ટ મહાનુભાવો (VVIPs) – વેસ્ટ મિડલેન્ડન્સના લોર્ડ લેફ્ટનન્ટ ડેરિક એન્ડરસન, પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર સિમોન ફોસ્ટર, લોર્ડ મેયર ઓફ બર્મિંગહામ કાઉન્સિલર કેન વૂડ, લોર્ડ કુલદીપ સાહોટા, ડર્બી સાઉથના સાંસદ બગ્ગી શંકર, બાંગલાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનર મોહમ્મદ અલીમુજ્જામન અને લોર્ડ મેયર ઓફ કોવેન્ટ્રી કાઉન્સિલર માલ મટ્ટનનું રેશમી શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું. લોર્ડ લેફ્ટનન્ટ ડેરિક એન્ડરસને સ્ક્રીપ્ટ વિના જ જણાવ્યું હતું કે ભારતીય કોમ્યુનિટીએ આપણી કોમ્યુનિટીઓમાં વિશિષ્ટતા ઉમેરી છે. વેસ્ટ મિડલેન્ડન્સના મેયર તેમજ મિડલેન્ડના તમામ ભારતવંશી સાંસદો ઉપસ્થિત રહ્યા ન હતા. કાર્યક્રમમાં બોલીવૂડ થેરાપી અને ઈન્ડિયા આઈલેન્ડ એકેડેમીના ગ્રૂપ્સ દ્વારા ભારતીય લોકગીતો, કથક અને ક્લાસિકલ ડાન્સીસ રજૂ કરાયા હતા.
યુકેના અગ્રણી હેલ્થ પ્રોફેશનલ્સમાં એક પ્રોફેસર કિરણ પટેલનું વેસ્ટ મિડલેન્ડ્સમાં આરોગ્યસંભાળ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સન્માન કરાયું હતું. પ્રોફેસર કિરણ પટેલ યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ કોવેન્ટ્રી એન્ડ વોરવિકશાયરમાં પાંચ વર્ષ ચીફ મેડિકલ ઓફિસર અને ડેપ્યુટી સીઈઓ તરીકે સેવા આપ્યા પછી ગત વર્ષે માર્ચ મહિનામાં ચીફ મેડિકલ ઓફિસર અને કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ તરીકે યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં જોડાયા હતા. અગાઉ તેમણે NHS ઈંગ્લેન્ડ (વેસ્ટ મિડલેન્ડ્સ)ના મેડિકલ ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવી હતી. વેલન્ટરી સેક્ટરમાં તેઓ તેમના દ્વારા 1999માં સ્થાપિત સાઉથ એશિયન હેલ્થ ફાઉન્ડેશન ચેરિટીમાં આરંભથી જ ટ્રસ્ટીગણના અધ્યક્ષ રહ્યા છે.
ઉપસ્થિત મહેમાનોમાં મિડલેન્ડ્સમાં યુગાન્ડાના કોન્સલ જનરલ જાફર કપાસી, કાઉન્સિલર ચમન લાલ અને તેમના પત્ની વિદ્યા, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાનાનિન્દેર જોહલ, તેજ ભટ્ટી, નાયાઝ કાઝી, રેડિયો પ્રેઝન્ટર રાજેશ બેદી, યોર્કશાયર શીખ ફોરમના સભ્યો, બ્રેડફોર્ડથી ડો. મનોજ જોશી MBE, પ્રોફેસર પાવન બુધવાર અને તેમના પત્ની લક્ષ્મી, ભારતીય કોમ્યુનિટીના પીઢ અગ્રણી હરમોહિન્દર સિંહ ભાટીઆ ઉર્ફ ઉપાસકજી અને તેમનો પુત્ર ગુરપ્રીત, અભિષેક ત્રિપાઠી, સની ગિલ, રાજીવ રાય, ઉદય ધોળકીઆ, કાઉન્સિલર ઉદય સિંહ, હરજોત સિંહ સહિતનો સમાવેશ થયો હતો.