નવી દિલ્હીઃ દેશમાં આગામી 12 નવેમ્બરથી શરૂ થઈ રહેલી લગ્નોની મોસમ દેશની ઇકોનોમી માટે અબજો રૂપિયાનો કારોબાર થવાના સારા સંકેતો લઇને આવી રહી છે. આ વર્ષે આશરે 48 લાખ દંપતી લગ્નબંધને બંધાશે. આથી રૂ. 5.9 લાખ કરોડનો કારોબાર થશે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)નાં રિપોર્ટ મુજબ, નવેમ્બર અને ડિસેમ્બરના 60 દિવસના ગાળામાં દેશમાં 48 લાખ લગ્નો થશે જેમાં ઈકોનોમીના જુદાજુદા સેક્ટરમાં રૂ. 5.9 લાખ કરોડનો કારોબાર થવાની ધારણા છે. માત્ર દિલ્હીમાં જ 4.5 લાખ દંપતી લગ્નનાં બંધનથી બંધાશે. આ લગ્નોમાં રૂ. 1.5 લાખ કરોડનો કારોબાર થવાનો અંદાજ છે.
આ વખતે લગ્નોમાં વિદેશી ચીજવસ્તુઓને બદલે ભારતીય ચીજવસ્તુઓની ધૂમ મચશે તેવી ધારણા છે. વેપારીઓએ લગ્નસરાની મોસમને આવકારવા પુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે લગ્નોની મોસમમાં ગુડ્ઝ અને સર્વિસીસ બંને સેક્ટરને ફાયદો થશે અને કરોડોની કમાણી શક્ય બનશે. ગયા વર્ષે 35 લાખ લગ્નો યોજાયા હતા જેમાં કુલ રૂ. 4.25 લાખ કરોડનો કારોબાર થયો હતો.
વર્ષ 2023ની સરખામણીમાં આ વર્ષે લગ્નો માટે 18 શુભ તિથિઓ આવી છે. તેથી લગ્નો અને કારોબારની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. ગયા વર્ષે લગ્નો માટે 11 તિથિ જ શુભ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને આત્મનિર્ભર ભારતનાં અભિગમને લોકો અપનાવશે તેથી દેશમાં ઉત્પાદિત ચીજોના વેચાણમાં જંગી વધારો થઈ શકે છે.
કેટલા લગ્નો અને કેટલો ખર્ચ?
• એક અંદાજ મુજબ 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 3 લાખના ખર્ચની ધારણા
• બીજા અંદાજ મુજબ 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 6 લાખના ખર્ચનો અંદાજ
• અન્ય એક અંદાજ મુજબ 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 10 લાખના ખર્ચની સંભાવના
• અન્ય 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 15 લાખનો ખર્ચ થવાની શક્યતા
• આશરે 7 લાખ લગ્નોમાં દરેક લગ્ન માટે રૂ. 25 લાખના ખર્ચનો અંદાજ
• અંદાજે 50 હજાર લગ્નોમાં લગ્નદીઠ રૂ. 50 લાખના ખર્ચની સંભાવના
• અને 50 હજાર લગ્નોમાં દરેક લગ્ન પાછળ રૂ. 1 કરોડથી વધુ ખર્ચનો અંદાજ