ભારતીય વિદ્યાર્થીનું સેલ્ફી લેવામાં મોત

Wednesday 09th January 2019 01:56 EST
 
 

લંડનઃ આયર્લેન્ડની ક્લેર કાઉન્ટીના બુરેન પ્રદેશમાં આવેલા પર્યટક સ્થળ ક્લીફ્સ ઓફ મોહેર ખાતે ૪ જાન્યુઆરીને શુક્રવારે સેલ્ફી લેવા જતાં સંતુલન ગુમાવી દેતાં ૬૦૦ ફૂટ જેટલી ઉંચાઈએથી નીચે દરિયામાં પડી જતાં ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી આનંદ ગોયલનું મૃત્યુ થયું હતું. તે ડબ્લિનની ટ્રિનિટી કોલેજમાં માર્કેટિંગ અને ડિઝાઈનનો અભ્યાસ કરતો હતો.

મૂળ દિલ્હીનો આનંદ સપ્ટેમ્બરમાં પોતાનો અભ્યાસ શરૂ કરવા ડબ્લિન આવ્યો હતો. તે પોતાના ફુરસદના સમયમાં દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત લેતો હતો. કોલેજ દ્વારા તેના પરિવારજનોને શક્ય મદદ કરવામાં આવી રહી છે. ભારતીય દૂતાવાસે તેના પાર્થિવ દેહને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા કરી હતી.

શુક્રવારે બપોરે ૩.૧૫ના સુમારે બનેલી આ ઘટના સંખ્યાબંધ લોકોએ જોઈ હતી. રેસ્ક્યુ ૧૧૫ના ક્રૂ મેમ્બર્સે પાણીમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો અને તેને ડુલિન કોસ્ટગાર્ડ સ્ટેશને લઈ જવાયો હતો. તેને યુનિવર્સિટી હોસ્પિટલ લીમરીક લઈ જવાતા પહેલા જ મૃત જાહેર કરાયો હતો.

આયર્લેન્ડ પોલીસ, (ગાર્ડા)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે આ બનાવ વિશે કરુણ અકસ્માત સિવાય વધુ કાંઈ કહી શકાય તેમ નથી. સંખ્યાબંધ લોકોના નિવેદનો પરથી એટલું જ કહી શકાય કે મૃતક સેલ્ફી લેતો હતો અને સંતુલન ગુમાવતા તે પડી ગયો હતો.

આયર્લેન્ડ ખાતેના ભારતના રાજદૂત સંદીપ કુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ફેસબુક પર લખ્યું હતું, ‘ટ્રિનિટી કોલેજમાં ટેક માર્કેટિંગ અને ડિઝાઈનનો અભ્યાસ કરતા આશાસ્પદ ભારતીય વિદ્યાર્થી આનંદ ગોયલના અકસ્માતે પડી જવાથી થયેલાં કરુણ મૃત્યુથી ભારે દુઃખની લાગણી અનુભવું છું.’ તેમણે જણાવ્યું હતું કે ગોયલના મૃતદેહને શોધવામાં આઈરિશ કોસ્ટગાર્ડ એન્ડ હેલિકોપ્ટર તથા બોટ ટીમોએ કરેલી મદદ બદલ તેમનો આભાર માને છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter