ભારત અને પાકિસ્તાની મૂળના બિઝનેસમેનોને પીઅરેજનું સન્માન

Wednesday 11th September 2019 03:48 EDT
 
 

લંડનઃ ૧૯૮૭માં માત્ર બે પાઉન્ડથી પોતાનો બિઝનેસ શરૂ કરનાર અને પ્રગતિ કરીને સન માર્ક લિમિટેડ જેવું મલ્ટિમિલિયન પાઉન્ડનું સામ્રાજ્ય સ્થાપાનારા ડો. રેમી રેન્જર CBEનું ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મે દ્વારા તેમના રેઝિગ્નેશન ઓનરના ભાગરૂપે હાઉસ ઓફ લોર્ડ્સમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. તેમની કંપની સતત પાંચ ક્વિન્સ એવોર્ડ્ઝ ફોર એન્ટરપ્રાઈઝ મેળવનારી એકમાત્ર કંપની છે. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ સ્વરાજ પૌલ, ભીખુ પારેખ, ડોલર પોપટ, કરણ બિલિમોરિયા, મેઘનાદ દેસાઈ, નવનીત ધોળકિયા અને જિતેશ ગઢિયા સહિતના કેટલાંક ભારતીય મૂળના પીઅર્સ સાથે જોડાશે. ડો. રેન્જર ઉપરાંત બ્રિટિશ પાકિસ્તાની બિઝનેસમેન અને બેસ્ટવે ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઝમીર ચૌધરી CBEની પણ હાઉસ ઓફ લોર્ડ્સમાં નિમણુંક કરવામાં આવી છે. અગ્રણી બિઝનેસમેન અને આંત્રપ્રિન્યોર તરીકે તેમણે બ્રિટનના સ્થાનિક અને વિદેશી વેપારમાં આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાન, યુકે અને વિદેશમાં કરેલા લોકોપકારી કાર્યો અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ પાકિસ્તાનના ચેરમેન તરીકે તેમણે ભજવેલી ભૂમિકા બદલ આ નિમણુંક કરાઈ છે.

વર્ષોથી કન્ઝર્વેટિવ પાર્ટીના ડોનર રહેલા ૭૨ વર્ષીય રેમી રેન્જરે છેલ્લાં દસ વર્ષમાં એક મિલિયન પાઉન્ડ કરતાં વધુનું ડોનેશન આપ્યું હોવાનું મનાય છે. અગાઉ તેમને MBE અને CBEનું સન્માન અપાયું હતું. તેઓ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન અને બ્રિટિશ શીખ એસોસિએશન (BSA)ના ચેરમેન છે. તેની રચના ઉગ્રવાદી શીખ સંગઠનોને બ્રિટનમાં શીખોનું પ્રતિનિધિત્વ કરતા અટકાવવા કરાઈ હતી. તેઓ શીખ કોમ્યુનિટીના નિષ્ઠાવાન સમર્થક રહ્યા છે અને ૨૦૧૫માં પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થપાઈ તેના મુખ્ય ડોનરો પૈકી તેઓ એક હતા. તેઓ ભારતના વિભાજનનો વિરોધ કરનારા સરદાર નાનક સિંઘના પુત્ર છે. ડો. રેન્જરનો જન્મ જુલાઈ ૧૯૪૭માં ગુજરાંવાલા (હાલ પાકિસ્તાનમાં)માં થયો હતો. તેઓ ૧૯૭૧માં લોનો અભ્યાસ કરવા યુકે આવ્યા હતા. પરંતુ, નાણાંના અભાવને લીધે અભ્યાસ ચાલુ રાખી શક્યા નહીં. ૧૯૮૭માં તેમણે એક શેડમાં માત્ર બે પાઉન્ડમાં શીપિંગ કાર્ગોનો બિઝનેસ શરૂ કર્યો હતો. ૧૯૯૫માં તેમણે એક્સપોર્ટ કંપની સન માર્ક લિમિટેડની સ્થાપના કરી.

ગુજરાત સમાચાર/એશિયન વોઈસ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ મહાન દેશ દ્વારા તેમને આપવામાં આવેલા આ સન્માનથી તેઓ રોમાંચની સાથે ખૂબ આનંદ અનુભવી રહ્યા છે. તેમનો પરિવાર અને મિત્રો પણ ખૂબ ખુશ છે. હવે સત્તા મળવાથી જાહેર સેવાના વધુ કાર્યો કરીશ. કન્ઝર્વેટિવ પાર્ટીના યુવા કાઉન્સિલર અને ડો. રેન્જરના પુત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં જણાવ્યું હતું,‘ મારા પિતાને અભિનંદન. આજે તેમને પીઅરેજ મળતાં હવે તેઓ લોર્ડ રેમી રેન્જર બન્યા છે.’

બેસ્ટવે ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ઝમીર મોહમ્મદે યુકે અને પાકિસ્તાનમાં મોટાપાયે બિઝનેસનો વિકાસ કર્યો છે. તેને લીધે પાકિસ્તાન બ્રિટન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ફોરમના ડેપ્યૂટી ચેરમેન તરીકે તેમની નિમણુંક કરાઈ હતી. અગાઉના વર્ષોમાં તેઓ કન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીની ઈકોનોમિક અફેર્સ કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. તેમનો જન્મ પાકિસ્તાનના એક અંતરિયાળ ગામમાં થયો હતો. ૧૨ વર્ષની વયે તેઓએ યુકે આવ્યા હતા. કારકિર્દીમાં મેળવેલી નોંધપાત્ર સફળતાને લીધે તેમને ૨૦૧૬ના ન્યૂ યર્સ ઓનર્સ લિસ્ટ ફોર સર્વિસીસ ટુ ઈન્ડસ્ટ્રી અને ફિલાન્થ્રોપીમાં કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (CBE) તરીકે નિમણુંક કરાઈ હતી. તેઓ ક્રાઈમસ્ટોપર્સ, ગ્રોસરી એઈડ અને બેસ્ટવે ફાઉન્ડેશન સહિતની કેટલીક નેશનલ ચેરિટીના ટ્રસ્ટી છે. ગુજરાત સમાચાર/એશિયન વોઈસ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું,‘આ બહુ મોટું સન્માન છે. હાઉસ ઓફ લોર્ડ્સમા મારી નિમણુંકથી ખૂબ આનંદ થયો છે. હું યુકેને હંમેશા તકોની ભૂમિ તરીકે જોઉં છું અને આ મહાન દેશની સતત પ્રગતિમાં મારું યોગદાન આપવા તત્પર છું.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter