જૈન ધર્મના સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિકોત્સવ ‘પર્યુષણ’નો સાચો અર્થ

સુરેશ અને ભાવના પટેલ Tuesday 03rd September 2024 14:35 EDT
 

હિન્દુત્વના અનુયાયી હોવા સાથે 37 વર્ષ અગાઉ ઈંગ્લેન્ડથી યુરોપીય દેશોના 10 દિવસના પ્રવાસ દરમિયાન મને જૈન ધર્મના ધાર્મિકોત્સવ ‘પર્યુષણ’ વિશે સાચું જાણવા મળ્યું હતું. આશરે 60થી 70 વર્ષ પહેલા ભારતના ગુજરાતના કરમસદ (ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું વતન) ખાતે મારા શાળાકીય અને કોલેજના શિક્ષણ દરમિયાન પર્યુષણના અર્થનો આછોપાતળો ખ્યાલ હતો. મારા ઘણા ગાઢ મિત્રો જૈન ધર્મનું પાલન કરતા હતા અને હું તેમની સાથે તેમના દહેરાસર/મંદિરમાં દર્શન કરવા પણ જતો અને પર્યુષણના સમાપન સમયે એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ’ની શુભકામના પણ પાઠવતા હતા.

અમે 1987ના ઓગસ્ટમાં મારા ભત્રીજા હેમંત પટેલ (હેઈઝ)ના દિપ્તી પટેલ સાથેના લગ્નમાં હાજરી આપવા અમારી બે દીકરી અલ્પા અને આરતી સાથે કેનેડાથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. અમે વહેલા આવી ગયા હોવાથી સાથે મળીને ઈંગ્લેન્ડથી 10 દિવસ યુરોપીય દેશોનો પ્રથમ પારિવારિક પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રવાસમાં ભારત, અમેરિકા, સાઉથ આફ્રિકા, ઈસ્ટ આફ્રિકા અને યુકેના કેટલાક વિસ્તારોમાંથી પણ કેટલાક પ્રવાસીઓ સામેલ થયા હતા. એકબીજા સાથે સારી રીતે પરિચિત થયા પછી અમને પ્રવાસમાં આનંદ આવ્યો હતો. અમારા ટુર મેનેજર રાજ ઘેરાએ સારી સંભાળ લીધી હતી અને જુદા જુદા સ્થળોની રસપ્રદ મુલાકાત વેળાએ અમને વિગતવાર સમજ આપતા હતા તેમજ અમારા એકોમોડેશન્સ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, ડિપાર્ચરના સમય વગેરે બાબતે ચોકસાઈ રાખતા હતા. અમે પણ બસીસમાં વીડિયો નિહાળતા, ગાતા, એકતબીજા સાથે વાતચીત કરતા અને પ્રવાસનો પૂરો આનંદ ઉઠાવતા હતા.

અન્ય પ્રવાસોમાં થતું હોય છે તેમ ટ્રાફિક, અલગ અલગ દેશોમાં ઈમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું, ખરાબ હવામાન અને ઘણી વખત અણધારી સમસ્યાઓ આવી જાય ત્યારે અમે મુલાકાતના સ્થળે સમયસર પહોંચી શકતા નહિ અને આયોજન પ્રમાણે ઘણા સ્થળની મુલાકાત લઈ શકતા નહિ તથા અમારી હોટેલમાં પહોંચવા અને ડિનર લેવામાં પણ વિલંબ થતો રહેતો. આથી, પ્રવાસના આઠમા દિવસે કેટલાક લોકોએ અમારા ટુર મેનેજર રાજ ઘેરા વિરુદ્ધ મેનેજમેન્ટને લેખિત ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓએ મારો સંપર્ક કર્યો અને મેં પણ તેમને સાથ આપવા નિર્ણય લીધો હતો.

અમારા પ્રવાસ દરમિયાન અમે બે જૈન પરિવાર- નાઈરોબીના સ્વ. શ્રી આર.ડી. શાહ અને શ્રીમતી અરૂણાબહેન શાહ સાથે ગાઢ સંબંધમાં આવ્યા કારણકે તેમના બે યુવાન પુત્રો અમારા સામાન ચડાવવા-ઉતારવા અને હોટેલના રૂમ્સ સુધી પહોંચાડવામાં ઘણા મદદરૂપ થતા હતા. બીજો જૈન પરિવાર ઈંગ્લેન્ડના હેરોના સ્વ. શ્રી મનુભાઈ મહેતા અને શ્રીમતી વિદ્યાબહેન મહેતાનો હતો. આ બંને પરિવારે અમને જણાવ્યું કે તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં અમારા ટુર મેનેજરની ઘણી ભૂલો થઈ હોવાં છતાં તેઓ લેખિત ફરિયાદ કરવામાં અમારી સાથે જોડાઈ શકશે નહિ કારણકે તે સમય સૌથી પવિત્ર પર્યુષણના ઉત્સવનો હતો અને તેમણે ટુર મેનેજરને ક્ષમા આપી દીધી છે. ક્ષમા આપવી અને ક્ષમા માગવી ‘મિચ્છામિ દુક્કડમ’ તે જ પર્યુષણપર્વનો મુખ્ય ઉપદેશ છે. આથી, અમે પણ લેખિત ફરિયાદમાં સામેલ નહિ થવાનો નિર્ણય કર્યો હતો અને અન્ય પ્રવાસીઓને પણ સમજાવ્યા હતા. આખરે તેમણે પણ લેખિત ફરિયાદની બાબત પડતી મૂકી હતી અને અમે સહુએ બાકીનો પ્રવાસ શ્રેષ્ઠ સંસ્મરણો સાથે માણ્યો હતો.

સહુને પવિત્ર પર્યુષણ ઉત્સવની શુભકામના. આપણે ભલે કોઈ પણ ધર્મને અનુસરતા હોઈએ તેને ધ્યાનમાં લીધા વિના આપણા રોજબરોજના જીવનમાં પર્યુષણના ક્ષમાપના ઉપદેશના અર્થને અમલમાં મૂકવો જોઈએ.

સુરેશ અને ભાવના પટેલ

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter