સાચને આંચ નહિં

Tuesday 12th July 2016 15:12 EDT
 

સાચને આંચ નહિં
અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે બે સપ્તાહ પૂર્વે 'ગુજરાત સમાચાર'માં વિસ્તૃત અહેવાલ વાંચ્યો હતો. તમે જ્યારે સહીઅો એકત્ર કરવા માટે પાના ભરીને અહેવાલો અને પીટીશનના ફોર્મ છાપતા હતા ત્યારે સાચુ કહું તો મને આ કામ અશક્ય લાગતું હતું. પરંતુ તમારી મહેનત ફળી. ભારતના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે સીબી પટેલના નામ સાથે જાહેરાત કરી ત્યારે મને આનંદ આનંદ થઇ ગયો હતો અને હવે ૧૫મી અોગસ્ટથી સીધા અમદાવાદ જવા નોન સ્ટોપ ફલાઇટ શરૂ થઇ રહી છે.
હમણા મેં લંડનથી નીકળતા એક ગુજરાતી મેગેઝીનમાં ડાયરેક્ટ ફ્લાઇટ માટેના સમાચાર જોયા. કેટલાક લોકો યુપીએ સરકારના તે સમયના નાગરીક ઉડ્ડયન મંત્રી અજીત સિંઘ સામે બેઠા હતા તેવો ફોટો પ્રસિધ્ધ થયો હતો અને નીચે લખ્યું હતું કે 'ડાયરેક્ટ ફ્લાઇટની ઘોષણા કરતા ઉડ્ડયન પ્રધાન અજીત સિંઘ.' હવે જે મંત્રીએ ડાયરેક્ટ ફ્લાઇટ માટે કશું કર્યું જ નથી, આ બાબતે જેમની કોઇ ભૂમિકા જ નથી તેમનો ફોટો છાપવાનો અને તેમણે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની ઘોષણા કરી તેવું જુઠ્ઠાણું છાપવાનો કોઇ અર્થ ખરો?
ઇતિહાસ સાક્ષી છે કે અજીત સિંઘે આવી કોઇ ઘોષણા કરી નથી કે નથી યુપીએ – કોંગ્રેસ સાશનમાં ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ. સૌ જાણે છે કે એકાદ મંત્રીને મળવાથી આ ભગીરથ કાર્ય થયું નથી. તો પછી શા માટે આ મેગેઝીન અને કહેવાતા નેતાઅો સરેઆમ ખોટો પ્રચાર કરે છે? ખરેખર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાવી છે. પરંતુ તેમનું ખુદનું નામ તો કોઇ જગ્યાએ અપાયું જ નથી.
જેમનો ફોટો મેગેઝીનમાં છપાયો છે તે લોકો પણ આ જુઠ્ઠાણામાં સામેલ છે તેમ કહી શકાય ખરું? આવા ખોટા અહેવાલોથી મળેલી પ્રતિષ્ઠા કદાચ થોડીક સેકંડ માટે જ રહે અને મુરખા હોય તે જ તેને માને. અખબારે હંમેશા પોતાનું અને પત્રકારત્વનું મુલ્ય જાળવવું જ જોઇએ. જાણતા હોવા છતાં આવા ખોટા અહેવાલો છાપનાર મેગેઝીનની કિંમત કેટલી? આવા જુઠ્ઠા સમચાર વાચકનું પણ અપમાન છે. વાચક આ બધું જ સમજે છે એટલે આવા ગપ્પા મારવા કરતા લોકોએ નવા મુદ્દા શોધી પ્રજાહિતમાં કામ કરવું જોઇએ.
- રમેશ પટેલ, હેરો

ગુનાહિત પ્રવૃત્તીમાં સામેલગીરી
કોઇ વ્યક્તિ ગુનો કે છેતરપીંડી કરતો હોય તેને સીધી કે આડકતરી મદદ કરો તેને શું કહેવાય? કાયદો એમ કહે છે કે ગુનેગારને સાથ આપનાર, ગુનેગારને છાવરનાર અને ગુનેગારને ગુનો કરવામાં મદદ થાય તેવી પ્રવૃત્તી કરનાર તમામ વ્યક્તિ કે વ્યાપારી પેઢી પણ ગુનાખોરી માટે એટલા જ જવાબદાર કહેવાય છે.
હમણાં જ મેં 'ગુજરાત સમાચાર'માં બર્મિંગહામમાં દોરાધાગા કરનાર ધુતારાને સજા થઇ તેના સમાચાર વાંચ્યા. લંડનથી પ્રકાશીત થતા એક મેગેઝીનમાં દર અઠવાડીયે બે - સવા બે પાના ભરીને ભૂતભુવા- દોરાધાગા કરવા વાળાની જાહેરાતો છપાય છે. લોકોનું સરેઆમ શોષણ કરતા આ ભુવાઅો અને કહેવાતા જ્યોતીષીઅો માની ન શકાય તેવા દાવાઅો કરે છે. કોઇ ફોન પર સમસ્યાનો ઉકેલ લાવી આપવાનું કહે છે તો કોઇ ગણતરીના કલાકોમાં સમસ્યાનો ઉકેલ લાવી આપવાનું કહે છે. આ બધા ધુતારાઅોના વાયદા પહેલી જ નજરે જુઠ્ઠા હોય છે અને એટલે જ મેગેઝીનવાળા ગુજરાતી અને ઇંગ્લીશમાં એક ચેતવણી (ડીસ્ક્લેઇમર) છાપે છે કે આ દાવામાં જાહેખબર દાતા ખરા ન ઉતરે તો અમારી જવાબદારી નહિં. પૈસા મોકલતા પહેલા પૂરતી પૂછપરછ કરવી. નાના અક્ષરમાં આવી નાનકડી નોંધ મૂકવી તે છટકવાની વૃત્તી દર્શાવે છે.
આવા મેગેઝીનવાળાને ખરેખર કોર્ટમાં ઉભા કરી દેવા જોઇએ અને પછી તેમને જે તે જાહેરખબર બતાવીને પૂછવું જોઇએ કે આ જાહેરાતમાંથી કયો દાવો તમને સાચો લાગે છે? જો એક પણ દાવો તમને સાચો લાગતો નથી તો શા માટે પ્રજાનું શોષણ કરતા તત્વોને મદદ કરો છો? પેટ ભરાયેલા હોવા છતાં થોડાક પાઉન્ડ માટે આવા ભુવા જાગરીયાઅોની જાહહેરાતો છાપી ગુનાહીત પ્રવૃત્તીમાં મદદ કરતા લોકો સામે ધીમે ધીમે સરકાર અને તંત્ર કડક પગલા ભરવા તરફ જઇ રહ્યું છે. આવી જાહેરાતો લઇને સમાજમાં પોતાની ઇજ્જત બગાડતા લોકોની નિયત કેવી છે તે પણ તેમની વર્તણુંક પરથી ખબર પડે છે.
આપણી બહેન દિકરીઅોનું આર્થિક અને શારીરિક શોષણ કરતા લુખ્ખાઅોને મદદરૂપ થતા આવા મેગેઝીન કેમ્પેઇન જર્નાલીઝમથી તો જોજનો દૂર છે. જેમનો અંતરાત્મા જ મરી ગયો હોય તેમને કહેવું પણ શું?
- અજય શાહ, બ્રેન્ટ

વિરોધાભાસી ઘટનાઓ
‘ગુજરાત સમાચાર’ના તા. ૯ જુલાઈના અંકમાં છેલ્લા પાને આંખ અને દાંતના સમાચાર વાંચ્યા.
આંખ ધીરે ધીરે દ્રષ્ટિ ગુમાવે અને કાયમનો અંધાપો આવી જાય તેવા રોગીઓની સેવા-સારવારનું વૃક્ષ ભાવનાબહેન મકવાણા બન્યા છે. દ્રષ્ટિ ગુમાવવાનો સમય પાકે એ પહેલાં જ બીમારીના અવરોધો સામે કેમ ટકી રહેવું તેનું અભિયાન ભાવનાબહેને આરંભ્યું છે અને વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમનું સન્માન થાય તે ગૌરવની વાત છે.
આંખની વાત પછી દાંતની વાત. કેવો વિરોધાભાસ ? બેઉ વાતને એકબીજાને સાથે મેળ ખાતો નથી.
એકબાજુ માનવતાનું પુણ્યકાર્ય અને બીજી બાજુ સ્વાર્થી, લેભાગુ અને હલકટાઈની હદ વટાવી જનારા ડેન્ટિસ્ટ પરાગ પટેલના ભવાડાના સમાચાર છે. પોતાના દર્દીની સેવાનું સૂત્રનું અપમાન કર્યું છે અને મહિલાની મજબૂરીનો લાભ ઊઠાવીને તે તેની લાજ લૂંટતો રહ્યો. તેના પર ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ આવી ગયો છે તે સજા ઓછી છે.
ભાવનાબહેનનું સર્વોચ્ચ સન્માન થયું છે તો પરાગને સખ્ત કેદની સજા થવી જોઈએ
- જગદીશ ગણાત્રા, વેલીંગબરો

‘ગુજરાત સમાચાર’ દ્વારા ઉત્કૃષ્ટ સેવા
કલમના કસબી મુર્ધન્ય લેખક - પત્રકાર શ્રી વિષ્ણુ પંડ્યા લેખિત ‘સુભાષ કથા - અંતિમ અધ્યાય’ આપણા ‘ગુજરાત સમાચાર’માં પ્રસિદ્ધ કરીને આપે ઉત્કૃષ્ટ સેવા કરી છે. આ નવલકથા દ્વારા ‘ગુજરાત સમાચાર’ એ ભારતની આઝાદીની ગૌરવાન્વિત ઈતિહાસધારાની ખૂટતી કડી સાંકળવાનું ઉત્તમ કાર્ય કર્યું છે, તે બદલ આનંદ સહ આભાર.
હું ગત થોડા મહિના ભારતમાં હતો, તે દરમિયાન ભારતની ગરિમાને ઉજાગર કરતાં બે પુસ્તક વાંચવા મળ્યાં. એક રાજનીતિજ્ઞ શ્રી દિનકર મહેતાનું ‘પરિવર્તન’. બીજું મુર્ધન્ય ડો. સનત મહેતાનું ‘સમાજ દર્પણ’. બંનેમાં ભારતની તત્કાલિન રાજકીય પરિસ્થિતિની આલોચના કરી તેનું દોહન સંકલિત થયું છે. શ્રી દિનકર મહેતા જો સામ્યવાદના નાદે દોરવાયા ન હોત તો ગુજરાતને આશાસ્પદ પ્રતિભા સાંપડી હોત ! ડો. મહેતાએ તો મહારાજા સયાજીરાવના અંગત ડોક્ટર હોવાના નાતે ત્રણ ત્રણ વખત વિશ્વનું પરિભ્રમણ કર્યું હતું. તે દરમિયાન તેઓ અનેક પ્રતિભાઓનો પરિચય પામી જ્ઞાનનું ભાથું પીરસીને ગુજરાતી ભાષાને રસાળ બનાવવામાં પૂરક બન્યા છે.
- મગનભાઈ બી. કરાડિયા, ચેલ્ધામ

સાથે કશું જ લઈ જવાનું નથી
હતું જે તે હવે નથી,
હવે છે તે રહેવાનું નથી
આ સંસારમાં કાયમ કોઈ રહેવાનું નથી.
મા પુત્રને છોડી જાય,
પત્ની પતિને છોડી જાય.
અહીં સદાય કોઈ રહેવાનું નથી,
આ સંસારની એ જ બલિહારી છે,
અહીંયાથી સાથે કશું લઈ જવાનું નથી.
ધન-દૌલત બધી માયા છે,
સંપત્તિ અહીંયા જ છોડી જવાની છે,
સાથે કશું જ લઈ જવાનું નથી.
- અમૃતલાલ પી. સોની ‘અમીત’, વેમ્બલી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter