ફોન દ્વારા ઠગાઈ કરતા ધુતારાઓથી ચેતજો

મારે પણ કંઇક કહેવું છે

- ભરત સચાણીયા લંડન Wednesday 27th March 2019 11:07 EDT
 

તા. ૧૬.૦૩.૨૦૧૯ના ‘ગુજરાત સમાચાર’માં પાન.૮ પર કોકિલાબેન પટેલનો લેખ વાંચીને જણાવવાનું કે ફોન દ્વારા ખાસ કરીને મોટી ઉમરના લોકો સાથે ઠગાઈ થતી હોય છે. તેઓ નિવૃત હોવાથી ઘરે એકલા હોય છે. મોટાભાગના લોકોને ભાષાની સમસ્યા હોય છે. આવા બનાવો ખૂબ જ બને છે. કોઈ કાર અકસ્માતના ફોન આવે છે કે ફલાણા સમયે તમારી કારને અકસ્માત થયો હતો. તેના વીમા યોજનાના પૈસા આપવાના છે. તમે આ લોકોને તમારી વિગત આપો એટલે તેઓ તરત જ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે. બીજો દાખલો લોટરીનો છે. તેવી રીતે તમારા ક્રેડિટ - ડેબિટ કાર્ડનો કોઈ ઉપયોગ કરે છે. ધૂતારાઓ પોતે ફલાણા પોલીસ ચોકીમાં જાસૂસ હોવાનું કહીને પણ લોકોને ફસાવીને લૂંટે છે. લોકો ખૂબ ગભરાયેલા હોવાથી તેમના તાબે થઈને પોતાના બેન્ક ખાતા અને કાર્ડના પિન નંબર આપીને છેતરાય છે. આવા અનેક બનાવો ‘ગુજરાત સમાચાર’ માં આવેલા છે જ છતાં પણ લોકો હજુ જાગ્યા નથી.

મને યાદ છે થોડા વર્ષ પહેલા મારા પર પણ આવો એક ફોન આવ્યો હતો. પરંતુ, મેં ‘ગુજરાત સમાચાર’માં વાંચેલું કે આવા બોગસ ફોન ઠગાઈ કરનારાના હોય છે. મેં તેને કહ્યું કે હું મારી પત્નીને પૂછીને તમને કહું. મેં ફોન મૂકીને ચેક કર્યું પણ નંબર હતો નહિ. થોડીવારમાં પાછો ફોન આવ્યો ત્યારે મેં તેને કહ્યું કે તેં આપેલ પોલીસચોકીના સરનામે મેં ફોન કરીને પૂછ્યું તો તેં આપેલ નામનો કોઈ જાસૂસ ત્યાં કામ કરતો હોવાની તેમણે મને ના પાડી. તેથી તું ખોટો છે. તેવું કહ્યું તો તેણે તરત જ ફોન મૂકી દીધો. હકીકતે તો મેં તેને ખોટો જવાબ આપ્યો હતો. તે સમયે મેં આ માહિતી ત્યારે ‘ગુજરાત સમાચાર’માં આપી હતી જે પ્રસિધ થઈ હતી.

લોકોએ ખાસ એક વાત યાદ રાખવી જરૂરી છે કે પોલીસ ક્યારેય ફોન ન કરે અને કરે તો પણ પોતાનો ફોન નંબર તો હોય જ. બેન્ક પણ સામાન્ય રીતે ફોન નથી કરતી અને કોઈ પણ સરકારી ખાતાવાળા પણ આવા ફોન કરે નહીં. તે તો તમને લેટર કે ઈમેલ દ્વારા જ જણાવે. ઘરે નિવૃત લોકો હોય તેમને આ વાત કરવી રહી. પોતાના પરિવારના સભ્યો કામ પર હોય ત્યારે બની શકે તો કોઈ પણ ફોન આવે તો ઉપાડવો જ નહિ. કોઈ ફોન આવે તો તે ચેક કરવો. જો નંબર હોય તો તે લખી લેવો. આજકાલ ફરી પાછા જાહેરાતોના ફોન આવવા લાગ્યા છે, માટે ખૂબ જ સાવચેત રહેવું. કોઈને કોઈપણ જાતની માહિતી આપવી જ નહિ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter