મકાનોનાં ભાવ ૧૦ ટકા વધે તેમ જન્મદર ૧.૩ ટકા ઘટે

Monday 17th April 2017 07:55 EDT
 
 

લંડનઃ મકાનોનાં ભાવ વધતા જાય છે તેની સીધી અસર જન્મદર પર પડી છે. દેશનો યુવા વર્ગ મકાનોની વધતી કિંમતોના કારણે પરિવાર શરૂ કરવાનું ટાળે છે. તેઓ બાળકને જન્મ આપતા પહેલા પોતાનું મકાન હોય તેમ ઈચ્છે છે. તેમને મકાન ખરીદવાનું પોસાય ત્યાં સુધી બાળકે રાહ જોવી પડે છે. મકાનોની કિંમતમાં દરેક ૧૦ ટકાના વધારા સામે જન્મદરમાં ૧.૩ ટકાનો ઘટાડો થતો હોવાનું યુરોપિયન બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટના સંશોધનમાં બહાર આવ્યું છે.

બ્રિટનમાં દર વર્ષે આશરે ૭૦૦,૦૦૦ બાળકો જન્મે છે અને જે રીતે મકાનોના ભાવ વધે છે તેને ધ્યાનમાં લઈએ તો ૭,૦૦૦થી વધુ બાળક ઓછાં જન્મે છે. જોકે, જે લોકો પોતાનું મકાન ધરાવે છે તેમના પર નજર નાખીએ તો આ પેટર્ન તદ્દન વિરુદ્ધ દિશાની જણાય છે એટલે કે, મકાનોની કિંમતના ૧૦ ટકા વધે તેની સામે આ ચોક્કસ જૂથમાં બાળજન્મનું પ્રમાણ ૨.૮ ટકા વધે છે.

જે લોકો ભાડાંના મકાનમાં રહેતાં હોય તેમના માટે મકાનોની કિંમતમાં આટલા જ વધારા સામે બાળજન્મનો દર ૪.૯ ટકા ઘટે છે. ભાડૂતો પ્રોપર્ટી નિસરણી પર ચડે નહિ ત્યાં સુધી બાળકોને જન્મ આપવાનું મુલતવી રાખે છે. આના પરિણામે, સરેરાશ રાષ્ટ્રીય જન્મદર નીચો આવે છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter