મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ.કે.આયોજીત બાપુની જન્મ જયંતિમાં સેંકડો ગાંધી પ્રેમીઓની હાજરી

જ્યોત્સના શાહ Wednesday 10th October 2018 06:42 EDT
 
 

હેરો, લંડનમાં આવેલ કડવા પાટીદાર સેન્ટરમાં ગાંધી ફાઉન્ડેશન યુ.કે. યોજીત ગુરૂવાર તા.૪ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પૂ,બાપુના ૧૪૯માં જન્મદિનની ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. ૫૦૦ જેટલા બાપુ પ્રેમીઓની હાજરી વચ્ચે સોનુ એન્ડ પાર્ટીએ બાપુના પ્રિય ભજનો "વૈષ્ણવ જન તો ...રઘુપતિ રાઘવ રાજા રામ... આદીના સુમધુર સૂરો રેલાવ્યા ને ઉપસ્થિત સૌને ડોલાવ્યા. કાર્યક્રમનું સંચાલન વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી ઇલાબેન પંડ્યાએ કર્યું હતું. આમંત્રિત મહેમાનો સહિત સૌનું ભાવભીનું સ્વાગત કરતાં ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી નીતીબેન મહેશભાઇ ઘીવાલાએ એના સ્થાપકો સ્વ શ્રી ડાહ્યાભાઇ કવિ અને રતિભાઇ જોબનપુત્રાને યાદ કરી ભાવંજલિ આપતાં જણાવ્યું કે, દર વર્ષે બે મોટા કાર્યક્રમો, બાપુની જન્મ જયંતિ અને નિર્વાણ દિન અમે મોટા પાયે ઉજવીએ છીએ.
૨૦૧૯માં ૧૫૦મી જન્મ જયંતિએ બાપુની ફીલોસોફી વિશ્વભરમાં ફેલાય તે માટે ભારત સરકારની જાહેરાત અને સક્રિયતા સરાહનીય છે. અહિંસા અને શાંતિભર્યા વાતાવરણના પ્રચાર-પ્રસાર માટે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તાજેતરમાં રાજકોટમાં જ્યાં ગાંધીજી ભણ્યા હતા ત્યાં ખુલ્લું મૂકાયેલ મ્યુઝિયમ, દુબઇમાં વિશ્વના સૌથી ઉંચા ટાવર પર ગાંધીજીનું પિક્ચર અને ત્રિરંગો મૂકાશે, બાપુનું પ્રિય ભજન વિશ્વના ૪૧ દેશોના ગાયકોએ ગાયું...આ અને આવી અનેક ઘટનાઓ બાપુના જીવન-કવનની યાદોં તાજી કરશે અને એમના સિધ્ધાંતો જીવનમાં ઉતારવાની પ્રેરણા આપશે. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સમાજના અગ્રણીઓએ બાપુની તસવીરને ભાવભરી પુષ્પાંજલિ અર્પી હતી.
હેરોના મેયર કાઉન્સિલર કરીમા મરીકરે એમના પ્રાસંગિક પ્રવચનમાં પોતે અમદાવાદમાં લીધેલ ગાંધી આશ્રમની યાદ તાજી કરતાં જણાવ્યું કે, એ જોઇ હું ભાવુક બની ગઇ હતી.. “ What a great man!’’..હેરો કાઉન્સિલ યુ.કે.નો ડાયવર્સ બરો છે અને એમાં ૨૦,૦૦૦ગુજરાતીઓ વસે છે જે શાંતિપ્રિય છે એનું મને ગૌરવ છે.
ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો.જગદીશભાઇ દવે ચાર વર્ષના હતા ત્યારનો પ્રસંગ યાદ કરતાં જણાવ્યું કે, બાપુએ ત્યારે મને આપેલ આશીર્વાદ "ગુજરાતી સરસ ભણજે અને ભણાવજે"નું હું પાલન કરી રહ્યો છું અને અંતિમ શ્વાસ સુધી કરતો રહીશ. મારા જીવનનો રાહ બાપુએ નક્કી કરી આપ્યો. મારી જેમ અનેકના પ્રેરણાદાતા બાપુ બન્યા છે. ગાંધીજીએ ગીતાનો અનાસક્ત યોગ આત્મસાત્ કરતાં સંદેશ આપ્યો છે. ઇન્ડીયન હાઇકમિશનના પ્રતિનિધિ શ્રી બ્રીજકુમાર ગુહારે પંચમહાભૂતથી બનેલ આપણા દેહની વાત કરતા જણાવ્યું કે, સૃષ્ટી, સંસ્કાર અને વિશ્વને બચાવવું હોય તો અહિંસાનું પાલન બહુ જરૂરી છે. અહિંસા, સત્યાગ્રહ અને શાંતિ આદી ગાંધીજીના સિધ્ધાંતોની જાણ અને એનો અમલ આપણે અને યુવા પેઢીએ કરવો પડશે.
લંડન એસેમ્બલીમાં હેરો-બ્રેન્ટના પ્રતિનિધિ કાઉન્સિલર શ્રી નવીનભાઇ શાહ, વેજીટેરીયન સોસાયટીના પ્રેસિડેન્ટ શ્રી નીતિનભાઇ મહેતા અને ગોલ્ડન ટૂર્સ અને ગોલ્ડન ફાઉન્ડેશનના શ્રી નીતીનભાઇ પલાણ MBEઆદીએ પ્રાસંગિક પ્રવચનમાં ગાંધીજીના અનુદાનને યાદ કર્યું. પલાણ દંપતિ તરફથી એ સાંજની પ્રસાદીના દાતા અને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પૂરૂં પાડનાર કીર્તી કેટરીંગના જયાબેન પટેલનું અભિવાદન કરાયું. સમાપનમાં સેક્રેટરી શ્રી ભાનુભાઇ પંડ્યાએ પીરસવાની સેવા આપવા માટે યોગી ડીવાઇન સોસાયટીનો અને ગુજરાત સમાચારનો હરહંમેશ સહકાર માટે, મ્યુઝીક ગૃપ સોનુ એન્ડ પાર્ટીનો, ફોટોગ્રાફીની સેવા માટે શ્રી ભૂપેન્દ્રસિંહ જેઠવા અને શ્રી શરદ રાવલનો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવાના સહભાગી સૌનો હાર્દિક આભાર માન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter