માન્ચેસ્ટરમાં મહાત્મા ગાંધીની કાંસ્યપ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ

Wednesday 31st July 2019 03:46 EDT
 
 

લંડનઃ આધ્યાત્મિકતા અને શાંતિના પૂજારી મહાત્મા ગાંધીની ૧૫૦મી (૧૮૬૯-૨૦૧૯) જન્મજયંતી ઊજવાઈ રહી છે ત્યારે તેમની કાંસ્યપ્રતિમા માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર મૂકવાનો પ્રસ્તાવ રખાયો છે. યુકેમાં આ ચોથી પ્રતિમા બની રહેશે. લંડનમાં બે અને લેસ્ટરમાં એક ગાંધીપ્રતિમાની સ્થાપના કરાઈ છે. શિક્ષણ અને જાગૃતિ દ્વારા વિશ્વમાં અહિંસા, શાંતિ, સહિષ્ણુતા અને સમજદારીનો સંદેશ પ્રસરાવવા ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસાદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

શાંતિદૂત ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રે તેમનામાં અહિંસા અને સ્વસુધારના મૂલ્યોનો પાયો નાખ્યો હતો. ભારતમાં વડુ મથક ધરાવતી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK) ની પહેલથી મહાત્મા ગાંધી પ્રોજેક્ટનો આરંભ કરાયો છે.

પ્લાનિંગ પરમિશન મળશે તો જાણીતા ભારતીય શિલ્પી રામ વી. સિતાર દ્વારા નિર્મિત નવ ફૂટની ઊંચાઈ અને ૮૦૦ કિલોગ્રામ વજનની ગાંધીપ્રતિમા નવેમ્બર ૨૦૧૯માં સેન્ટ્રલ માન્ચેસ્ટરમાં ખુલ્લી મૂકાશે. ગાંધીપ્રતિમા પ્રોજેક્ટમાં માન્ચેસ્ટર કેથેડ્રલ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ, ભારતીય હાઈ કમિશન, ગ્રેટર માન્ચેસ્ટર લેફ્ટનન્સી ઓફિસ અને માન્ચેસ્ટર ઈન્ડિયા પાર્ટનરશિપ સહયોગ કરી રહ્યા છે. સ્થાનિક બિઝનેસ માલિકો, ધાર્મિક અને બિનધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ પ્રોજેક્ટમાં સહકાર આપ્યો છે.

ગાંધીજીએ તેમની ૧૯૩૧ની યુકે મુલાકાત દરમિયાન લેન્કેશાયરની ટેક્સટાઈલ મિલોની મુલાકાત લીધી હતી. લંડનથી માન્ચેસ્ટર થઈ બ્લેકબર્ન સુધીના પ્રવાસ કરી તેઓ મિલ વર્કર્સને મળ્યા હતા અને બ્રિટિશ માલસામાનના બહિષ્કારને ભારતીયોની દૃષ્ટિએ સમજાવ્યો હતો. યુકેના બીજા ક્રમનું સૌથી મોટું શહેર માન્ચેસ્ટર બહુવર્ણીય, બહુવંશીય સમાજોનો નાશ કરવા ઈચ્છતા તત્વો સામે અડીખમ ઉભું રહ્યું છે ત્યારે ગાંધીપ્રતિમા વિચાર અને કાર્ય, સ્થળ અને લક્ષ્ય, ઈતિહાસ અને વર્તમાન વચ્ચે સંવાદિતાની અભિવ્યક્તિ દર્શાવશે. ‘તમે વિશ્વમાં પરિવર્તન નિહાળવા ઈચ્છતા હો તે પરિવર્તન તમે ખુદ બનો’ તેમ કહેનારા ગાંધીજીના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter