મિનિમમ વેજમાં ૫૧ પેન્સનો વિક્રમજનક વધારો જાહેર

Wednesday 08th January 2020 01:55 EST
 
 

લંડનઃ ચાન્સેલર સાજિદ જાવિદે ૩૦ ડિસેમ્બરે મિનિમમ વેજમાં વિક્રમજનક ૫૧ પેન્સના વધારાની જાહેરાત કરી હતી. આગામી એપ્રિલ ૨૦૨૦થી અમલી થનારા વધારા મુજબ કલાકદીઠ મિનિમમ વેજ ૮.૨૧ પાઉન્ડથી વધારીને ૮.૭૨ પાઉન્ડ કરાયો છે.

મિનિમમ વેજમાં થયેલો ૬.૨ ટકાનો વધારો સરેરાશ વાર્ષિક વેજ ગ્રોથના દર અને હાલના ફૂગાવાના દર કરતાં બમણો છે. ૧૯૯૭માં લીગલ મિનિમમ વેજ અમલી બન્યા પછી કેશમાં તે સૌથી મોટો વધારો છે. આ વધારાથી મિનિમમ વેજ મેળવતા લગભગ ત્રણ મિલિયન વર્કરોને દર વર્ષે વધારાના ૯૩૦ પાઉન્ડ મળશે.

૨૦૨૪ સુધીમાં મિનિમમ વેજ વધારીને ૧૦.૫૦ પાઉન્ડ કરવાના ચાન્સેલરે આપેલા વચન મુજબ આ વધારો છે. ચાન્સેલર જાવિદે જણાવ્યું હતું, ‘ઓછાં વેજીસ પર કામ કરતા લાખો મહેનતુ લોકોનાં વેતનમાં વધારો તે તેમના માટે ૨૦૨૦ની સૌથી શ્રેષ્ઠ શરૂઆત હશે તેમ હું માનું છું. તેથી નેશનલ લિવિંગ વેજ વધારીને અમે તે જ કરી રહ્યા છીએ. આગામી એપ્રિલથી ફૂલ ટાઈમ વર્કરને કલાક દીઠ ૮.૭૨ પાઉન્ડ મળશે, જે વર્ષે વધારાના ૯૩૦ પાઉન્ડ થશે. હું ભૂતકાળ તરફ જોઉં છું અને વેતનમાં એક ટકાનો વધારો થાય તો તેનાથી કેટલો ફરક પડે છે તે મેં મારા માતાપિતા પાસેથી જાણ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી મોટો રોકડવધારો છે. આ સરકાર મહેનતુ લોકોને યોગ્ય વળતર ચૂકવે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter