મુંબઈના ધારાવીની સ્કૂલના લાભાર્થે લંડનમાં ૬ જાન્યુઆરીએ હાફ મેરેથોન

Thursday 03rd January 2019 08:37 EST
 
 

લંડનઃ રવિવાર - ૬ જાન્યુઆરીના રોજ લંડનમાં ૫૦ લોકો હાફ મેરેથોનમાં ભાગ લેવા એકત્ર થશે. આ દોડ વેસ્ટ હેરોથી શરૂ થઈને રાઈસ્લિપ લીડોમાં પૂરી થશે.
શા માટે આ આયોજન થયું છે તેની માહિતી આપતા ક્લિક આઇટીના વેન્ડી પીટરસને જણાવ્યું હતું કે સમરમાં તેઓ ભારત પ્રવાસે ગયા હતા. પ્રવાસના અંતિમ તબક્કામાં મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી હતી. ત્યાંના બાળકોની હાલત ખૂબ દયનીય હતી અને ભણવા માટે સુવિધાયુક્ત ક્લાસરૂમ પણ ન હતા. આ જોઇને હૃદય દ્રવી ઉઠ્યું.
વેન્ડી કહે છે કે ટેક્નોલોજીનું શિક્ષણ આપવાના ૨૦ કરતાં વધુ વર્ષના અનુભવને લીધે મને લાગ્યું કે હું આ બાળકોને કોઈક રીતે મદદરૂપ થઈ શકું તેમ છું. તેને લીધે Donate4Dharaviનો વિચાર આવ્યો અને હવે ૬ જાન્યુઆરીએ આ કાર્યક્રમ યોજ્યો છે.
તેઓ કહે છે કે અમે મિત્રોએ ભેગાં થઈને નાના પાયે ચેરિટી રનનું આયોજન વિચાર્યું હતું. હવે તેમાં ભાગ લેનારા લોકોની સંખ્યા વધીને લગભગ ૬૦ થઈ છે. તેમાં તમામ વય અને વર્ગના લોકોનો સમાવેશ થાય છે. નવા વર્ષની આ ખૂબ સુંદર શરૂઆત થશે.
ટીમમાં રોટરી ક્લબ-નોર્થવુડ અને વેસ્ટ રાઈસ્લિપના સભ્ય નયન પટેલ તેમજ ઈન્ડિયન ચેરિટી રિયાલ્ટી ગીવ્સના ફંડ રેઝિંગ ડિરેક્ટર શાર્લોટ વોટકિન્સનો સમાવેશ થાય છે. સિટીહબ દ્વારા આ કાર્યક્રમના આયોજન માટેનું ફંડ પૂરું પડાયું છે.
૫૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું લક્ષ્ય હાંસલ થઈ ગયું છે અને આગામી ફેબ્રુઆરીમાં ધારાવીની સ્કૂલને કેટલાંક ડિજિટલ માઈક્રોસ્કોપ, ગ્રાફિક્સ ટેબલેટ્સ, કોમ્યુનિટી સેન્ટરને કમ્પ્યુટર આપવાની યોજના છે. ઉપરાંત ક્લાસરૂમ માટે સ્પીકર્સ સહિત સ્કૂલના એમેઝોન વિશલિસ્ટમાંથી અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે જરૂરી નાણાં પણ બચશે તેવી આશા છે, એમ વેન્ડીએ કહ્યું હતું. આયોજનની વધુ વિગત માટે સંપર્ક. 07976 439 586


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter