યુકેના હીટવેવમાં ૬૫૦થી વધુના મોત

ભયંકર ગરમીમાં હૃદય અથવા કિડનીની સમસ્યા ધરાવતા નાજૂક વૃદ્ધ લોકોને મોતનું ભારે જોખમ

Wednesday 08th August 2018 02:47 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જૂન-જુલાઈ મહિનાઓમાં હીટવેવ દરમિયાન સરેરાશથી પણ વધુ ૬૬૩ જેટલા મોત થયાનું સત્તાવાર આંકડામાં જાહેર થયું છે. આટલી ભયંકર ગરમીમાં હૃદય અથવા કિડનીની સમસ્યા ધરાવતા નાજૂક વૃદ્ધ લોકોને મોતનું ભારે જોખમ રહે છે. તમામ રાજકીય પક્ષોના સાંસદોની બનેલી સમિતિના ૨૭ જુલાઈએ પ્રસિદ્ધ રિપોર્ટ અનુસાર બ્રિટન ગરમીના વિનાશક મોજાંનો સામનો કરવા તૈયાર નથી. પ્રાપ્ત ડેટા અનુસાર તાપમાનમાં તીવ્ર વધારા સાથે યુકેમાં મોતમાં ઉછાળો આવતો જણાય છે. એક આગાહી અનુસાર ૨૦૧૮ના હીટવેવથી થયેલાં કુલ મોતનો આંકડો ૧,૦૦૦ને વટાવી શકે છે.

સાંસદોની સમિતિએ જણાવ્યું છે કે સરકારે તેના જ સત્તાવાર ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરની ચેતવણીઓ અવગણી હતી અને કોઈ ચોક્કસ પગલાં વિના ૨૦૪૦ સુધીમાં ભારે ગરમી સંબંધિત મોત વાર્ષિક ત્રણ ગણા વધીને ૭,૦૦૦ સુધી પહોંચી શકે છે. મેટ ઓફિસ અનુસાર ૨૫ જૂનથી ૯ જુલાઈના ગાળામાં તીવ્રતમ ગરમી હતી. સતત ૧૫ દિવસ સુધી તાપમાન ૨૮ ડીગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું હતું. ગત પાંચ વર્ષમાં બે સપ્તાહના આ ગાળામાં જેટલા મોત થયાં હતાં તેની સરખામણીએ આ વર્ષમાં ૬૬૩ મોત વધુ નોંધાયા છે.

પબ્લિક હેલ્થ ચેરિટી Medact ના ડો. ઈઝાબેલ બ્રેથવેઈટ કહે છે કે વર્તમાન વૈજ્ઞાનિક પુરાવાઓ દર્શાવે છે કે ‘અતિશય હુંફાળા હવામાનનો લાંબો સમયગાળો પણ વૃદ્ધાવસ્થા તેમજ આરોગ્યની સમસ્યાઓ ધરાવતા લોકોના આરોગ્યને અસર કરી શકે છે.’ અતિશય ગરમીએ જૂનીપુરાણી ઈમારતોની સમસ્યા પણ ઉજાગર કરી છે, જેઓ ગરમીનો સામનો કરવાની ડિઝાઈન કે ઉપકરણો ધરાવતા નથી.

ભારે ગરમીના કારણે થતાં ડિહાઈડ્રેશન ઉપરાંત, શ્વાસોચ્છવાસની સમસ્યાઓ વધે છે. ડિહાઈડ્રેશનના કારણે ચક્કર અને પડી જવું, ચેપનું જોખમ વધવું, હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સનું જોખમ વધી જાય છે. ઊંચા તાપમાનથી હવાઈ પ્રદૂષણ પણ વધે છે, જેની અસર શ્વસન સંબંધિત રોગોમાં જોવાં મળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter