યુકેમાં અન્ય ધર્મ આધારિત ચેરિટીઝની સરખામણીએ હિન્દુ ચેરિટીઝની સ્થિતિ

પ્રતીક દત્તાણી Wednesday 29th November 2017 07:26 EST
 
 

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ધર્મ આધારિત ચેરિટીઝની સંખ્યા ૫૦,૦૦૦થી વધુ છે, જેમની સંયુક્ત આવક ૧૬ બિલિયન પાઉન્ડથી વધુ થવા જાય છે. સમગ્ર દેશની તમામ ચેરિટીઝની આવકનો આ લગભગ ચોથો હિસ્સો છે. તાજેતરમાં આ સેક્ટર વિશે અભ્યાસના તારણો જાહેર થયા છે પરંતુ, આવા અભ્યાસો મોટા ભાગે ક્રિશ્ચિયન, જ્યૂઈશ અને મુસ્લિમ ચેરિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ હિન્દુ, શીખ અને જૈન તથા સંબંધિત ચેરિટીઝને ઓછું ધ્યાને લેવાનું વલણ ધરાવે છે. આ લેખ આપ સહુને યુકેમાં અન્ય ધર્મ આધારિત ચેરિટીઝની સરખામણીએ હિન્દુ ચેરિટીઝની સ્થિતિ કેવી છે અને તેઓ શું હાંસલ કરે છે તેનો નિર્ણય આવી સખાવતી સંસ્થાઓની કામગીરી કેવી રીતે કરે છે તે સમજાવવામાં મદદરુપ બનશે.

ધર્મ-આસ્થા આધારિત ચેરિટીઝની બહુમતી ક્રિશ્ચિયન છે પરંતુ, ડેટા કેટલાંક રસપ્રદ વલણો તરફ અંગૂલિનિર્દેશ કરે છે. ૨૦૧૧ના સેન્સસ અનુસાર દેશની વસ્તીમાં ૪.૮ ટકા મુસ્લિમ છે આમ છતાં, ધર્મ આધારિત તમામ ચેરિટીઝમાં ૨૩.૨ ટકા મુસ્લિમ ચેરિટીઝનો હિસ્સો છે. દેશની વસ્તીનો માત્ર ૦.૮ ટકા હિસ્સો જ્યૂઈશ છે છતાં, તમામ ધર્મ આધારિત ચેરિટીઝમાં ૪.૬ ટકા જ્યૂઈશનો હિસ્સો છે. દેશની વસ્તીમાં હિન્દુ અને શીખ વસ્તી અનુક્રમે ૧ ટકા અને ૦.૭ ટકા જ છે અને ધર્મ આધારિત તમામ ચેરિટીઝમાં તેમનો હિસ્સો અનુક્રમે માત્ર ૧.૫ ટકા અને ૦.૮ ટકા છે પરંતુ, તેમની ચેરિટેબલ આવક માત્ર ૦.૫ ટકા અને ૦.૪ ટકા છે. ક્રિશ્ચિયન ચેરિટીઝ સૌથી ધનવાન છે, જ્યારે સંયુક્ત આવકમાં જ્યૂઈશ ચેરિટીઝ ૬.૨ ટકા અને મુસ્લિમ ચેરિટીઝ ૩.૩ ટકાનો હિસ્સો ધરાવે છે.

અગ્રણી ચેરિટી કન્સલ્ટન્સી NPCના રિપોર્ટમાં હિન્દુ અને શીખ ચેરિટીઝની સંખ્યાનો અંદાજ ઓછો અંકાયો હોય તેમ બની શકે છે પરંતુ, કેટલાંક તારણો તો સ્પષ્ટ જ છે. સૌપ્રથમ તો અતિશય ધનવાન જ્યૂઈશ ચેરિટીઝની સંખ્યા ઘણી જ ઓછી છે અને દેશમાં સખાવત કરવામાં યહુદીઓ સૌથી પ્રભાવી છે. મુસ્લિમ ચેરિટીઝની સંખ્યા ઘણી છે પરંતુ, મોટા ભાગની સંસ્થાઓ નાની છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર દેશમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમોની આર્થિક પ્રવૃત્તિઓ સૌથી ઓછી છે, જ્યારે હિન્દુઓ સૌથી વધુ આર્થિક પ્રવૃત્તિ કરે છે. આ સંશોધનનો વિચાર કરીએ તો કહી શકાય કે હિન્દુઓ અન્યોની સરખામણીએ ધનવાન છે પરંતુ, અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ નોંધપાત્રપણે ઓછાં ઉદાર છે. હિન્દુત્વમાં સેવાની ગૌરવશાળી પરંપરાને ધ્યાનમાં લેતાં આ કદાચ વિરોધાભાસી લાગી શકે. પરંતુ, અન્ય ધર્મો અનુયાયીઓને તેમની આવકનો નિશ્ચિત હિસ્સો દાનમાં આપવા પ્રોત્સાહિત કરતા હોવાથી તેઓ પ્રમાણમાં વધુ નાણા આપતા હોય છે.

થોડાં વર્ષો અગાઉ, મારા વડપણ હેઠળના સંશોધનમાં (૨૦ વર્ષથી નીચેના યુવા વર્ગને બાકાત રાખવા સાથે) જાણવા મળ્યું હતું કે હિન્દુઓ પોતાના ધર્મના ઉદ્દેશો માટે દાન આપે છે તેની સરખામણીએ જ્યૂઈશ લોકો પોતાના ધર્મના ઉદ્દેશો માટે ૧૦ ગણુ વધુ દાન આપે છે. હિન્દુઓની સરખામણીએ મુસ્લિમો બમણું દાન આપે છે. આ દેશમાં દરેક ધર્મોની છત્રરુપ સંસ્થાઓની સરખામણી કરવા સાથે આ ટ્રેન્ડ સ્પષ્ટપણે બહાર આવ્યો હતો. જે છેલ્લા વર્ષની માહિતી પ્રાપ્ત થઈ તે મુજબ બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ફોર બ્રિટિશ જ્યૂઝની આવક ૧.૨ મિલિયન પાઉન્ડ હતી અને તેમનું રીઝર્વ ભંડોળ ત્રણ વર્ષની આવક કરતા વધુ હતું. ધ ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપની આવક ૪૮૯,૦૦૦ પાઉન્ડ હતી અને એક વર્ષની આવક કરતાં વધુ રીઝર્વ ભંડોળ હતુ. ધ મુસ્લિમ કાઉન્સિલ ઓફ યુકે (જે તાજેતરના વર્ષોમાં થોડી નબળી પડી છે)ની આવક ૫૮,૦૦૦ પાઉન્ડ હતી અને રીઝર્વ ભંડોળ લગભગ ત્રણ વર્ષથી વધુ હતું. ધ બ્રિટિશ શીખ કાઉન્સિલની આવક ૧૬૯,૦૦૦ પાઉન્ડ હતી અને રીઝર્વ ભંડોળ લગભગ છ મહિનાનું હતું. પરંતુ, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનની આવક ૧૦,૦૦૦ પાઉન્ડથી થોડી જ વધુ છે અને રીઝર્વ ભંડોળ પણ ઘણું ઓછું છે.

હિન્દુ કોમ્યુનિટીમાં છત્રરુપ અથવા સેક્યુલર સંસ્થાઓ માન્યતા મેળવવાનો સંઘર્ષ કરે છે. એકેડેમિક સેક્ટરનું ઉદાહરણ લઈએ તો, ઓક્સફર્ડમાં ધર્મ આધારિત ત્રણ સંશોધન કેન્દ્ર હિન્દુ સ્ટડીઝ, હિબ્રુ અને જ્યૂઈશ સ્ટડીઝ તથા ઈસ્લામિક સ્ટડીઝ છે, જેમની વાર્ષિક આવક અનુક્રમે ૨૭૮,૦૦૦ પાઉન્ડ, ૧.૪ મિલિયન પાઉન્ડ અને ૫.૪ મિલિયન પાઉન્ડ છે.

સંપ્રદાય, ગુરુ પરંપરા અથવા સંબંધિત હિન્દુ ચેરિટીઝને રેવન્યુ ઉભી કરવામાં સરળતા રહે છે. BAPS સંસ્થાની વાર્ષિક આવક ૧૦ મિલિયન પાઉન્ડથી વધુ છે, જ્યારે ISKCON ની આવક અંદાજે ૧૦ મિલિયન પાઉન્ડ અને બ્રહ્મા કુમારીઝની આવક આશરે ૨ મિલિયન પાઉન્ડ છે.

થિન્ક ટેન્ક હેન્રી જેક્સન સોસાયટીના રિપોર્ટમાં સમગ્ર રાજકીય ફલકના ત્રણ મુખ્ય વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ તમામ આર્ટિકલ્સનું વિશ્લેષણ કરી જાહેર જીવન પર આસ્થા કોમ્યુનિટીઝની અસરનું મૂલ્યાંકન કર્યું હતું. તેમાં ૨૦૦૦થી ૨૦૧૦ના સમયગાળામાં ૩,૪૯૫ આર્ટિકલ્સની ઓળખ કરી હતી, જેમાં ફેઈથ કોમ્યુનિટીઝનાં અવતરણો લેવાયાં હતાં. હિન્દુઓનું પ્રતિનિધિત્વ સૌથી ઓછું હતું અને જ્યૂઝ પ્રતિનિધિત્વ સૌથી શ્રેષ્ઠ હતું. મહત્ત્વના તારણોમાં એક એ હતું કે હિન્દુ દાવાઓ વ્યાપક સમાજને સંબંધિત નહિ પરંતુ, મોટા ભાગે કોઈ ચોક્કસ મુદ્દા (શામ્બો ગાયનું મૃત્યુ અને રોયલ મેઈલ ક્રિસમસ સ્ટેમ્પ્સ પરથી હિન્દુ દેવી-દેવતાઓને દૂર કરવા) પરત્વેના જ હતા. આ પછી તો, હિન્દુ ધર્મ આધારિત સંસ્થાઓનું જાહેર જીવન તરફે પ્રદાન નિઃશંકપણે (જેમકે, પાંચ પાઉન્ડની નવી નોટોમાં પ્રાણીજ ચરબીના ઉપયોગ) વધ્યું છે . જોકે, વિશાળ અર્થમાં કહીએ તો, સસ્ટેઈનિબિલિટી સંબંધે વૈશ્વક વાર્તાલાપોમાં મહત્ત્વપૂર્ણ બૌદ્ધિક અવાજ ધરાવતા ભૂમિ પ્રોજેક્ટ જેવી સંસ્થાઓ બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીમાં લઘુમતીમાં છે.

આ બધાનો કોઈ અર્થ ખરો? કદાચ નહિ. બ્રિટનમાં હિન્દુઓ સમૃદ્ધ કોમ્યુનિટી છે, જેમનું રાજકીય, મીડિયા અને સિવિક પ્રતિનિધિત્વ વધતું રહ્યું છે. પરંતુ, કોમ્યુનિટી દ્વારા જે સેવાકાર્ય કરવામાં આવે છે તેનો સંદર્ભ લઈએ તો અન્ય મોટી ધાર્મિક કોમ્યુનિટીઓ તે વધુ સારી રીતે કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં મુદ્દાઓની વાત કરીએ તો ધાર્મિક ફલકથી પણ આગળ વધી શકે તેવો બૌદ્ધિક અને નીતિવિષયક અવાજ હોય તેનું પણ વિશેષ મહત્ત્વ છે.

જો તમે અમારા વિશે વધુ માહિતી જાણવા ઈચ્છા ધરાવતા હો તો [email protected]પર અમને ઈમેઈલ કરો અથવા www.charityclarity.org.uk વેબસાઈટની મુલાકાત લેશો. (૯૫૩)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter