યુકેમાં હજારો વૃદ્ધ પેન્શનર્સ ફ્રી ટીવી લાઈસન્સ સુવિધા ગુમાવશે

Wednesday 15th May 2019 02:33 EDT
 

લંડનઃ જો સરકાર પોતાની યોજનામાં આગળ વધશે તો હજારો સ્થાનિક પેન્શનર્સને તેમના ફ્રી ટીવી લાઈસન્સ ગુમાવવા અને વર્ષે લાખો પાઉન્ડની ફી ચુકવવાનો વારો આવશે. લેબર પાર્ટીના સંશોધન અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીએ તેના ૨૦૧૭ના મેનિફેસ્ટોમાં ફ્રી ટીવી લાઈસન્સને ૨૦૨૨ સુધી રક્ષણ આપવાનું વચન આપ્યાં છતાં, લાખો વૃદ્ધ લોકો ૨૦૨૦માં જ તેમના ફ્રી ટીવી લાઈસન્સ ગુમાવશે. લેબર પાર્ટીએ પાર્લામેન્ટની ચર્ચામાં ૭૫થી વધુ વયના લોકો માટે ટીવી લાઈસન્સ મફત રાખવા જણાવ્યું હતું.

ઈલિંગ,સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યા અનુસાર ઈલિંગમાં ૪,૪૨૦ વૃદ્ધ પરિવારોએ સંયુક્તપણે વાર્ષિક ૬૬૫,૨૧૦ પાઉન્ડની લાઈસન્સ ફી ચૂકવવાની આવશે. જો છૂટછાટ પેન્શન ક્રેડિટ સાથે સાંકળવામાં આવે તો ૨,૬૫૦ પરિવાર તેમનો મહત્ત્વનો પેન્શનર બેનિફિટ ગુમાવશે અને કુલ વાર્ષિક ૩૯૮,૮૨૫ પાઉન્ડની લાઈસન્સ ફી ખર્ચ કરવો પડશે. જો, છૂટછાટ માટેની વય વધારી ૮૦ વર્ષ કરવામાં આવે તો ૧,૮૨૦ પરિવારને નવો ખર્ચ ઉભો થશે અને કુલ વાર્ષિક ૨૭૩,૯૧૦ પાઉન્ડનો બોજો માથા પર આવશે. એજ યુકેના જણાવ્યા અનુસાર જો છૂટછાટ રદ કરાશે તો ૭૫થી વધુ વયના બે મિલિયન લોકોએ ટીવી વિના ચલાવવું પડશે અથવા હીટિંગ કે ભોજન જેવી આવશ્યકતાઓ પર કાપ મૂકવો પડશે તેમજ ૫૦,૦૦૦ પેન્શનર ગરીબીરેખાની નીચે ધકેલાઈ જશે.

લેબર સરકારે વર્ષ ૨૦૦૦માં ૭૫થી વધુ વયના લોકો માટે ફ્રી ટીવી લાઈસન્સ યોજના દાખલ કરી હતી. હવે ટોરી સરકારે ફ્રી ટીવી લાઈસન્સ પોલિસી અને ખર્ચની જવાબદારી બીબીસીને સુપરત કરી છે. ફ્રી ટીવી લાઈસન્સ માટે ચુકવણીની જવાબદારી આઉટસોર્સ કરવા સાથે સરકાર ૨૦૨૧-૨૨માં સમગ્ર યુકેમાં વાર્ષિક ૭૪૫ મિલિયન પાઉન્ડની બચત કરશે,જે પેશન્શ ક્રેડિટમાં ફેરફારો દ્વારા બચનારા ૨૨૦ મિલિયન પાઉન્ડ ઉપરાંતના હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter