યુકે-ભારત સંબંધો મજબૂત બનાવવા પ્રથમ ગ્લોબલ ઈન્ડિયન બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સ યોજાયા

રુપાંજના દત્તા Wednesday 05th June 2019 05:14 EDT
 
 

યુકેમાં રોકાણ કરતા ભારતીય બિઝનેસીસની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. બ્રેક્ઝિટની અનિશ્ચિતતા છતાં ગત વર્ષે તેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વસ્તરે યુકે-ભારતની વધતી પાર્ટનરશિપને ઉજવવા ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ અને WBR Corp દ્વારા બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં ગુરુવાર, ૩૦ મેએ સર્વપ્રથમ ગ્લોબલ ઈન્ડિયન બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

સર્વગ્રાહી માર્કેટ રિસર્ચ અભ્યાસના પરિણામસ્વરુપ એવોર્ડ્સનો પ્રાથમિક હેતુ વિવિધ ઉદ્યોગોમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામતી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકની ઓળખ કરી તેમની કદર અને સન્માન કરવાનો છે. સર્વગ્રાહી પ્રોફાઈલિંગના આધારે અને નોમિનેટેડ સંસ્થાઓ અને વ્યક્તિઓની પશ્ચાદભૂની સઘન ચકાસણી કર્યા પછી જ વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. એવોર્ડ્સની સલૂણી સાંજે ઉપસ્થિત મહાનુભાવોમાં સાંસદો, લોર્ડ્સ, કોમ્યુનિટી અને બિઝનેસ સેક્ટરના અગ્રણીઓ સહિતનો સમાવેશ થયો હતો.

આ સર્વપ્રથમ એવોર્ડ્સના ચાવીરુપ વિજેતાઓમાં ભારતમાં વિસ્તારા એરલાઈન્સના ટેકનોલોજી અને સ્ટ્રેટેજી વિભાગના વડા અને ટેક્નોક્રેટ શ્રી કપિલ જૈનનો સમાવેશ થયો હતો, જેમને ‘આઈટી કન્સલ્ટિંગ અને સલાહકારી સેવામાં નેતૃત્વ અને ઈનોવેશન’ માટે એવોર્ડ એનાયત કરાયો હતો. ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય વાતાવરણ પુરુ પાડવામાં સૌથી પસંદગીપાત્ર યુનિવર્સિટી’નો એવોર્ડ બેંગ્લોરસ્થિત REVA યુનિવર્સિટીને અપાયો હતો. પૂર્વ નૌસેના કમાન્ડર અને ૩૦ કરતા વધુ વર્ષથી જાણીતા શિક્ષણવિદ્ ડો. કમાન્ડર કાર્તિકેય સૈનીના ફાળે ‘સામાજિક પરિવર્તનકાર અને એજ્યુકેશનિસ્ટ’ એવોર્ડ ગયો હતો. એવોર્ડ્સના ચાવીરુપ વિજેતાઓમાં બાળકો માટેની બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલનાં સીઈઓ ડો. મિની બોધનવાલા જેવી પોતાના સંબંધિત ઉદ્યોગોમાં ક્રાંતિ સર્જનારી મહિલાઓનો પણ સમાવેશ થયો હતો, જેમણે ‘આઈકોનિક બિઝનેસ પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડ મેળવ્યો હતો. આ જ રીતે, ‘એજ્યુકેશનિસ્ટ એન્ડ સોશિયલ વર્કર ઓફ ધ યર’ એવોર્ડ ગ્રેસ ઈન્ટરનેશનલ સ્કૂલનાં મિસ ગ્રેસ રોમિલાને અને ‘સોશિયલ રાઈટ્સ એક્ટિવિસ્ટ એન્ડ વુમન એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર’ એવોર્ડ સ્પ્રિંગડેલ હાઈ સ્કૂલનાં ચેરપર્સન ડો. શાહનાઝ અહમદ અને ‘બેસ્ટ ઈમર્જિંગ ઈન્ટિરિયર ડિઝાઈન પ્રોફેશનલ ઓફ ધ યર’ એવોર્ડ K A ડિઝાઈન્સના સ્થાપક મિસ કરિશ્મા કાકોટી જીત્યાં હતાં.

દ્વિપક્ષીય રોકાણો માટે ઉજળું ભાવિઃ સીબી પટેલ

એવોર્ડ્સના સહસંયોજક તેમજ ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ અખબારોના પ્રકાશક તંત્રી શ્રી સીબી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,‘ આ એવોર્ડ્સનું ધ્યેય વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા દર્શાવનારા ભારતીય બિઝનેસીસની કદર કરવાનું તેમજ યુકેમાં બિઝનેસ કરવા ઈચ્છનારાને ટેકો આપવાનું છે. ભારત અને યુકે વચ્ચે વિશિષ્ટ સંબંધ છે, જે દાયકાઓ જૂનો છે અને હું માનું છું કે આગામી વર્ષોમાં દ્વિપક્ષીય રોકાણો માટે ભાવિ ઉજળું છે. આપણા બંને દેશો અલગ પરંતુ, નોંધપાત્ર સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગતિશીલ નેતાગીરી હેઠળની ભારતની સરકાર પાંચ વર્ષના સ્થિર અને મજબૂત શાસન માટે અગ્રેસર થઈ છે. આ સરકાર ભારતની પ્રજાની મહત્ત્વાકાંક્ષાઓ અને વિદેશમાં ભારતીય રોકાણોને પૂર્ણ કરવા તરફ આગળ વધશે. યુકેમાં પોતાની શોપ સ્થાપવા ઈચ્છતા ભારતીય એન્ટ્રેપ્રીન્યોર્સ માટે આ મંગળ સમય બની રહેશે.’

શ્રી સીબી પટેલે ઉમેર્યું હતું કે,‘ બિઝનેસ એડવાઈઝરી ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટન યુકે LLP અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સહિયારા પ્રયાસથી પ્રસિદ્ધ વાર્ષિક ‘India Meets Britain Tracker’માં જણાવાયું છે કે બ્રિટનમાં બિઝનેસ કરતી ભારતીય કંપનીઓની સંખ્યા ૨૦૧૮માં ૮૦૦ હતી જે વધીને ૨૦૧૯માં ૮૪૨ થઈ છે અને તેમનું સંયુક્ત ટર્નઓવર ૪૯ બિલિયન પાઉન્ડ છે. બ્રેક્ઝિટની વર્તમાન અનિશ્ચિતતાઓ છતાં આ સ્થિતિ છે, જે ભારતીય વેપારધંધાની ઉદ્યોગસાહસિકતા અને ખંતની શ્રેષ્ઠ પ્રતિભા દર્શાવે છે. મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં આમાં વૃદ્ધિ જોવા મળશે અને યુકે ભારતીય રોકાણકારો માટે ઈન્વેસ્ટમેન્ટ કરવાનું અગ્રસ્થાન બની રહેશે.’

ભારત-યુકે બિઝનેસીસ માટે નેટવર્કિંગ પ્લેટફોર્મ

WBR Corp ના શ્રી સંજય કુમારે જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ઈન્ડિયન બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સના આયોજનનું મુખ્ય લક્ષ્ય યુકેમાં રોકાણોના સંભવિત ક્ષેત્રોની ઓળખ તેમજ ભારતીય અને યુકેના એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ અને સમાન વલણ ધરાવતા બિઝનેસીસ માટે નેટવર્કિંગના સર્વસમાન પ્લેટફોર્મની રચના કરવાનું છે. ભારતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત નેતાગીરીનો અનુભવ લીધો છે અને તાજેતરના તેમના ભવ્ય વિજય પછી ભારત ઉર્ધ્વરેખાએ ગતિશીલ બનશે. શ્રી મોદીની નેતાગીરી હેઠળ ભારત-યુકે સંબંધો નોંધપાત્ર રહ્યા અને મને વિશ્વાસ છે કે બંને દેશમાં બિઝનેસીસ માટે તે લાભદાયી બની રહેશે.’

ફોર્બસ ઈન્ડિયા સાથે મળી ‘ઈન્ડિયા શાઈનિંગ’ ઈસ્યુ

એવોર્ડ્સ સમારંભમાં ફોર્બસ ઈન્ડિયા સ્પેશિયલ મેગેઝિન ‘Global Indian Brands and Leaders’નું વિમોચન પણ કરાયું હતું, જેમાં વિવિધ ઉદ્યોગક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ મહાનુભાવો વિશે જણાવાયું છે. ગ્લોબલ ઈન્ડિયન બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સ અને ફોર્બસ ઈન્ડિયા સાથે મળીને ‘ઈન્ડિયા શાઈનિંગ’ સ્પેશિયલ ઈસ્યુ પ્રસિદ્ધ કરશે, જેમાં પ્રથમ વર્ષના એવોર્ડવિજેતાઓ વિશે લેખોનો સમાવેશ કરવામાં આવશે. ફોર્બસ ૧૦૦ વર્ષ જૂની કંપની છે અને સૌથી વિશિષ્ટ અને દેખાઈ આવતી બિઝનેસ બ્રાન્ડ્સમાં તેનું સ્થાન છે.

                             ગ્લોબલ ઈન્ડિયન બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સના વિજેતાઓ

. મોસ્ટ પ્રીફર્ડ યુનિવર્સિટી પ્રોવાઈડિંગ ગ્લોબલ એન્વિરોનમેન્ટ ટુ ઈનટરનેશનલ સ્ટુડન્ટ્સઃ REVA યુનિવર્સિટી

. સોશિયલ ચેન્જ મેકર એન્ડ એજ્યુકેશનિસ્ટ ઓફ ધ યરઃ ડો. કમાન્ડર કાર્તિકેય સૈની, ચેરમેન સ્કોટિશ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ, ઈન્ડિયા

. કોર્પોરેટ રીઅલ એસ્ટેટ સર્વિસ કંપની ઓફ ધ યરઃ વેસ્ટિઆન

. સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ કંપની ઓફ ધ યરઃ CADD સેન્ટર ટ્રેનિંગ સર્વિસીસ પ્રા. લિમિ.

. આઈકોનિક બિઝનેસ પર્સનાલિટી ઓફ ધ યરઃ ડો. મિની બોધનવાલા, સીઈઓ, બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન

. બેસ્ટ સ્ટાર્ટઅપ ઓફ ધ યરઃ લાઈફસ્પાન પ્રા. લિમિ.

. સોશિયલ રાઈટ્સ એક્ટિવિસ્ટ એન્ડ વુમન એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યરઃ ડો. શાહનાઝ અહમદ, ચેરપર્સન, સ્પ્રિંગડેલ હાઈ સ્કૂલ

. પેથોલોજી એન્ડ ડાયગ્નોસ્ટિક સર્વિસીસ કંપની ઓફ ધ યરઃ મોડર્ન ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર

. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્રાન્ડ ઈન લોક્સ એન્ડ હાર્ડવેર ઓફ ધ યરઃ સુઝુ સ્ટીલ ઈન્ડિયા

૧૦. પાયોનીઅર ઓફ એફિલિએટ માર્કેટિંગ ઈન ઈન્ડિયાઃ મિ. એલ.ડી. શર્મા, OMG નેટવર્ક ઈન્ડિયા પ્રા. લિમિ.ના MD અને CEO.

૧૧. આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટુ બ્યૂટી એન્ડ વેલનેસ સેક્ટરઃ મિ. કપિલ કુમાર

૧૨. મોસ્ટ પ્રીફર્ડ ટ્રાવેલ સોલ્યુશન્સ કંપની ઓફ ધ યરઃ પુષ્ટિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ

૧૩. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈન્ડિયન સ્પિરિટ્સ કંપની ઓફ ધ યરઃ કાયા બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિ.

૧૪. આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટુ એન્વિરોન્મેન્ટલ કન્ઝર્વેશન એન્ડ ઈનોવેટિવ પ્રોડક્ટ્સઃ મિ. યતિન ગુપ્તે વોર્ડવિઝાર્ડ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રા. લિમિ.ના સીઈઓ અને સ્થાપક

૧૫. એજ્યુકેશનિસ્ટ એન્ડ સોશિયલ વર્કર ઓફ ધ યરઃ મિસ ગ્રેસ રોમિલા, ગ્રેસ ઈન્ટરનેશનલ સ્કૂલ

૧૬. લીડરશિપ એન્ડ ઈનોવેશન ઈન આઈટી કન્સલ્ટિંગ એન્ડ એડવાઈઝરી સર્વિસીસઃ મિ. કપિલ જૈન, વિસ્તારાના ટેકનોલોજી અને સ્ટ્રેટેજી વિભાગના વડા

૧૮. એક્સેલન્સ ઈન આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈનઃ ડે પ્રોક્સેમિક્સ ડિઝાઈન સ્ટુડિયો, લંડન

૧૯. મોસ્ટ પ્રોમિસિંગ કંપની ટુ ઈન્વેસ્ટ ઈન હેલ્થ એન્ડ વેલનેસ સેક્ટરઃ લાઈફસ્પાન પ્રા. લિમિ.

૨૦. બેસ્ટ ઈમર્જિંગ ઈન્ટિરિયર ડિઝાઈન પ્રોફેશનલ ઓફ ધ યરઃ મિસ કરિશ્મા કાકોટી, K A ડિઝાઈન્સના સ્થાપક


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter