અયોધ્યાઃ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અયોધ્યાના રામમંદિરમાં 11 જાન્યુઆરીથી ત્રણ દિવસીય અનુષ્ઠાનનો પ્રારંભ થશે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે 11 જાન્યુઆરીને પોષ સુદ બારસના રોજ બપોરે 12ઃ20 કલાકે રામલલાનો અભિષેક અને ભવ્ય આરતી કરાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે, જે સંતોને આમંત્રિત કરવામાં આવી શકાયા ન હતા અથવા તો જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થઇ શક્યા નહીં, તેમને અનુષ્ઠાન સમારોહમાં આમંત્રિત કરાશે. સામાન્ય લોકો માટે પણ મંદિર પરિસરની અંદર - બહાર બંને સ્થળોએ ભાગ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અયોધ્યામાં ‘હાઉસફુલ’ઃ દર્શનનો સમય લંબાવાયો
અયોધ્યા શ્રદ્ધાળુઓ અને પર્યટકોના ધસારાથી છલકાઇ રહ્યું છે. એક તો લોકોમાં નવા વર્ષના પ્રારંભે રામલલ્લાના દર્શન કરવાનો ઉત્સાહ અને બીજું રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પણ 22 જાન્યુઆરીએ વર્ષ પૂરું થઇ રહ્યું છે. અયોધ્યા અને તેની નજીકમાં આવેલા ફૈઝાબાદમાં લગભગ તમામ હોટેલો અને ગેસ્ટહાઉસના બુકિંગ ફુલ થઈ ગયા છે ત્યારે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે દર્શનસમયમાં વધારો કરાયો છે અને સઘન વ્યવસ્થા ગોઠવાઇ છે. અયોધ્યામાં સ્થાનિક હોટલ માલિક અંકિત મિશ્રાએ જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી અમારા તમામ રૂમ બુક થઈ ગયા છે. ઘણી હોટેલ્સ દ્વારા શ્રદ્ધાળુઓની ભીડમાં વધારો જોતા એક રાત્રીના 10 હજાર સુધીની રકમ ભાડા પેટે વસૂલવામાં આવી રહી છે.