રેસ રિવ્યૂ સામે ભારે રોષ અને વિરોધનો જુવાળ

Wednesday 07th April 2021 03:01 EDT
 
 

લંડનઃ બ્લેક લાઈવ્ઝ મેટર (BLM) આંદોલનના પગલે ગત જુલાઈમાં રચાયેલા સ્વતંત્ર ‘કમિશન ઓન રેસ એન્ડ ઈથનિક ડિસ્પેરિટીઝ’નો લેન્ડમાર્ક રેસ રિવ્યૂ બુધવાર ૩૧ માર્ચે જાહેર કરાયા પછી તેના વિશે ભારે રોષ અને વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે. સરકારના રિવ્યૂમાં બ્રિટિશ એમ્પાયરનું મહિમાગાન કરવા સાથે ગુલામી બાબતે નવી વાત એ કહેવાઈ છે કે તે માત્ર પ્રોફિટ કે યાતનાની બાબત નથી. આ રિવ્યૂને ‘સાંસ્કૃતિક દૃષ્ટિએ બધિર’ ગણાવી વખોડી કઢાયો હતો.

‘કમિશન ઓન રેસ એન્ડ ઈથનિક ડિસ્પેરિટીઝ’ના ચેરમેન ડો. ટોની સેવેલ દ્વારા લખાયેલી પ્રસ્તાવનામાં શાળાના ઈતિહાસના શિક્ષણમાં ભલામણોનો ખુલાસો કરતી ટીપ્પણીમાં એવી દલીલ કરાઈ છે કે તે યુગ ‘આફ્રિકન લોકોએ પોતાનું કેવી રીતે સાંસ્કૃતિક રુપાંતર કર્યું’ તેના વિશે પણ હતો. આ બાબતે તીવ્ર વિરોધ કરાયો છે.

રિપોર્ટ પ્રકાશિત કરાયાના ગણતરીના કલાકોમાં સાંસદો, યુનિયન્સ અને ઈક્વલિટી કેમ્પેઈનરોએ તેને ‘વિભાજનકારી’ ગણાવી વખોડી કાઢ્યો હતો. ટીકાકારોએ કહ્યું હતું કે કમિશન યુકેમાં આરોગ્ય, શિક્ષણ અને હાઉસિંગ ક્ષેત્રોમાં લઘુમતી કોમ્યુનિટીઓને અસર કરતી અસમાનતાઓને સ્વીકારવામાં નિષ્ફળ રહ્યું છે. લેબર પાર્ટીએ આ રિપોર્ટને ગુલામી અને બ્રિટિશ સામ્રાજ્યને વિધેયાત્મક વાઘા પહેરાવી તેનું ગૌરવગાન કરવા સમાન ગણાવ્યો હતો.

ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસના જનરલ સેક્રેટરી ફ્રાન્સેસ ઓ‘ગ્રાડીએ જણાવ્યું હતું કે,‘ યુકેમાં લેબર માર્કેટ અને વ્યાપક સમાજમાં સંસ્થાકીય અને માળખાકીય રેસિઝમનું અસ્તિત્વ છે જ.’ GMB યુનિયનના નેશનલ ઓફિસર રેહાના આઝમે વંશીય લઘુમતી કામદારો અને કોમ્યુનિટીઝને ‘ગેસલાઈટ’ કરવાનો એટલે કે તેમની પોતાની જ માન્યતાઓ પ્રતિ શંકા જગાવવાનો કાવાદાવાનો આક્ષેપ રિપોર્ટના આલેખકો પર કરી કહ્યું હતું કે આ તદ્દન શંકાશીલ, બેજવાબદાર અને અનૈતિક રિપોર્ટ છે.

રેસ ઈક્વલિટી થિન્કટેન્ક રનીમીડ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ હલિમા બેગમે જણાવ્યું હતું કે ‘ગુલામોના વેપારની દેખીતી પુનઃવ્યાખ્યા કેરિબિયન અનુભવ તરીકે કરાયાથી મને આઘાત લાગ્યો છે. આ રિપોર્ટની સાંસ્કૃતિક બહેરાશ આગામી દિવસો અને સપ્તાહોમાં વધુ સ્પષ્ટ થશે. આ રિપોર્ટ અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયોની યાતનાને સ્વીકારવામાં તદ્દન નિષ્ફળ રહ્યો છે.’

ઓપરેશન બ્લેક વોટના સ્થાપક, સરકારના રેસ ડિસપેરિટી યુનિટના પૂર્વ અધ્યક્ષ અને ક્રોસબેન્ચ પીઅર લોર્ડ સાઈમન વૂલી ઓફ વૂડફોર્ડે જણાવ્યું હતું કે,‘આફ્રિકનોને ગુલામ બનાવવા બાબતે એક માત્ર સારું વર્ણન એ છે કે આપણું અસ્તિત્વ જળવાઈ રહ્યું.’ લોર્ડ વૂલીએ લોકોના અનુભવોનો અનાદર અને ધ્યાન નહિ આપવા બદલ કમિશનની ટીકા કરી કહ્યું હતું કે,‘કોવિડ-૧૯ અને બ્લેક લાઈવ્ઝ મેટર પહેલા સમાજના તમામ સ્તરે અને ક્ષેત્રોમાં માળખાગત રેસિઝમ હતું. કોવિડ-૧૯થી માળખાગત અસમાનતાઓ બહાર આવી, BAME કોમ્યુનિટીઝના લોકો મોટા પાયે મોતનો શિકાર બનવા લાગ્યા, બીમાર થયાં અને નોકરીઓ ગુમાવી ત્યારે તેનું વરવું સ્વરુપ સ્પષ્ટ થયું હતું. હવે માત્ર ઈનકાર નથી કરો પરંતુ, એમ કહેવાય છે કે, ‘તમે શાની ફરિયાદ કરો છો? આપણે એવા સમાજમાં રહીએ છીએ જે ૧૦૦ વર્ષ અગાઉના કરતાં સારો છે.’

લેબર પાર્ટીના શેડો વિમેન એન્ડ ઈક્વલિટીઝ સેક્રેટરી માર્શા ડી કોર્ડોવાએ જણાવ્યું હતું કે ‘ મહામારીમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીના લોકોના  અપ્રમાણસર મોત થયાં અને હવે બમણાં બેરોજગારી ભોગવશે તેને હળવાશથી લેવું તે અપમાન જ છે. ટીપ્પણીઓએ ગુલામી અને સામ્રાજ્યને હકારાત્મક ગણાવ્યાં છે. ગુલામોના વેપારનો મહિમા કરતો રિપોર્ટ કેવી રીતે પ્રકાશિત કરાયો તે સરકારે સમજાવવું જોઈએ.’ આ સંદર્ભે સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે ભલામણોનો પ્રત્યાઘાત અપાશે.

NHS Providers પણ રિપોર્ટના તારણો સાથે સંમત નથી. તેમણે કહ્યું હતું કે NHSના શ્વેત સ્ટાની સરખામણીએ વંશીય લઘુમતી સ્ટાફના સૌથી ખરાબ અનુભવો રહ્યા છે અને વધુ અવરોધો નડ્યા છે તેના સ્પષ્ટ પૂરાવાઓ છે. NHS Providersના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ સેફ્રોન કોર્ડેરીએ ચેતવણી આપી હતી કે માળખાગત રેસિઝમ અને આરોગ્ય અસમાનતાઓ વચ્ચેની કડી નુકસાનકારક છે.

ઘણા લોકોએ રિપોર્ટના તારણોને આવકાર્યા હતા. ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનની અધ્યક્ષા બેરોનેસ ફોકનર ઓફ માર્ગ્રેવાઈને જણાવ્યું હતું કે,‘રિપોર્ટ અસમાનતાઓના વિવિધ કારણોને યોગ્યપણે ઓળખાવે છે.’ ૧૯૯૩માં રંગભેદપ્રેરિત હત્યાના શિકાર સ્ટીફન લોરેન્સના પૂર્વ કાઉન્સિલર મિત્ર ડ્વાઈને બ્રૂક્સે ટાઈમ્સ રેડિયોને જણાવ્યું હતું કે,‘રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે સ્પષ્ટ રેસિઝમનું અસ્તિત્વ છે અને આ દેશમાં તે હકીકત છે.’

આ રિપોર્ટને મુસદ્દો ઘડનારા કમિશનરોમાં એક સમીર શાહે યુકેમાં સંસ્થાગત રેસિઝમ નથી તેમ તમે માનો છો તેવા પ્રશ્નના ઉત્તરમાં બીબીસીને જણાવ્યું હતું કે,‘ના, મારું કે કમિશનનું આ મંતવ્ય નથી.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter