લંડનના પાર્ક્સ અને પ્લેગ્રાઉન્ડમાં ફેલાયેલું ઝેરી નાઈટ્રોજન ડાયોક્સાઈડનું જોખમી સ્તર

લાંબા સમય સુધી NO2ના ઊંચા પ્રમાણ સાથે રહેવાથી ફેફસાને નુકસાન પહોંચે છેઃ તે બાળકોમાં અસ્થમા, ફેફસાના અલ્પ વિકાસ અને મગજની કામગીરી ઘટાડવા માટે જવાબદાર

Wednesday 16th October 2019 06:13 EDT
 
 

લંડનઃ ઈમ્પિરિયલ કોલેજ લંડન અને યુનિવર્સિટી ઓફ લેસ્ટર દ્વારા રાજધાની લંડનના ૪,૪૭૦ પાર્ક્સ, ગાર્ડન્સ અને ખુલ્લી જગ્યાઓનો અભ્યાસ કરાયા બાદ જણાયું છે કે શહેરના ફેફસા સમાન ગણાતી આ જગ્યાઓ વાયુ પ્રદુષણની સલામત મર્યાદાની બહાર છે. વિક્ટોરિયા એમ્બેન્કમેન્ટ ગાર્ડન્સ અને પાર્લામેન્ટ સ્ક્વેરની હાલત સૌથી ખરાબ છે પરંતુ, ગ્રીન પાર્ક, હાઈડ પાર્ક અને રીજેન્ટ્સ પાર્કમાં પણ નાઈટ્રોજન ડાયોક્સાઈડ (NO2)નું જોખમી પ્રમાણ છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડન અને યુનિવર્સિટી ઓફ લેસ્ટરના અભ્યાસ અનુસાર આ સ્થળોમાં ઝેરી નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ ઈયુ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સલામત મર્યાદાનો ભંગ કરે છે. આના કરીને હજારો બાળકો અને લંડનવાસીઓ જોખમમાં મૂકાય છે. લાંબા સમય સુધી NO2ના ઊંચા પ્રમાણ સાથે રહેવાનું થાય ત્યારે ફેફસાને નુકસાન પહોંચે છે. તે બાળકોમાં અસ્થમા, ફેફસાના અલ્પ વિકાસ અને મગજની કામગીરી ઘટાડવા સાથે સંકળાયેલું છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડનની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડો. ડેનિયેલા ફીચ્ટે જણાવ્યું હતું કે સેંકડો નર્સરી અને પ્રાઈમરી સ્કૂલ્સ NO2ની કાયદેસરની સલામત મર્યાદાને વટાવી ગયેલાં આ વિસ્તારોમાં કે તેની ઘણી નજીક આવેલી છે, જેનાથી બાળકોનું લાંબા ગાળાનું આરોગ્ય જોખમમાં મૂકાય છે.

NO2માટે ઈયુ અને WHOની સરેરાશ સલામત મર્યાદા વાર્ષિક ૪૦µg/m૩ની છે પરંતુ, વિક્ટોરિયા એમ્બેન્કમેન્ટ ગાર્ડન્સ ખાતે આ પ્રમાણ ૫૯.૮, પાર્લામેન્ટ સ્ક્વેરમાં ૫૮.૩ અને ગ્રીન પાર્કમાં ૪૯.૨ જોવાં મળ્યું છે. બકિંગહામ પેલેસની બહાર ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ ગાર્ડન્સ ખાતે આ પ્રમાણ ૫૦.૮, લંડન આઈ પાસે જ્યુબિલી ગાર્ડન્સ ખાતે ૪૭.૨ અને સિટી હોલ નજીક પોટર્સ ફિલ્ડ્સ ખાતે ૪૫.૨ હતું.

રાજધાનીના પાંચ બરોઝ- સિટી ઓફ લંડન, વેસ્ટમિન્સ્ટર, કેમડન, કેન્સિંગ્ટન તથા ચેલ્સી એન્ડ ઈઝ્લિંગ્ટનમાં સલામત સપાટીઓનો ભંગ થયો છે. આ આંકડા ૨૦૧૬ના ડેટા પર આધારિત છે, જે એપ્રિલ મહિનામાં સેન્ટ્રલ લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોન (Ulez) દાખલ કરાયા અગાઉના છે. હવે આગામી મહિને નવા પરિણામો જાહેર થશે જેનાથી Ulez દ્વારા NO2ના પ્રમાણમાં કેટલો ઘટાડો થયો છે તે જાણી શકાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter