લંડનની પહેલઃ વિશ્વમાં સૌપ્રથમ પોલ્યુશન ટેક્સ

Thursday 11th April 2019 03:02 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં વાયુપ્રદુષણ ભરડો લઈ રહ્યું છે ત્યારે લંડનમાં સૌપ્રથમ વખત પોલ્યુશન ટેક્સ લાદવામાં આવ્યો છે. સોમવાર આઠ એપ્રિલે મેયર સાદિક ખાન દ્વારા નવા ‘અલ્ટ્રા લો એમિશન ઝોન’ની જાહેરાત કરવામાં આવી હતી. આ ઝોનમાં પ્રદૂષણ ફેલાવતી જૂની કાર પ્રવેશ કરશે તે સાથે તેમની પાસેથી ૨૪ પાઉન્ડ વસૂલાશે. ચાર વર્ષથી ઓછી જૂની ડીઝલ કાર અને ૧૩ વર્ષથી ઓછી જૂની પેટ્રોલ કારને આ ટેક્સ લાગુ પડશે. લંડનવાસીઓ મોટા પાયે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થાય તે મુખ્ય હેતુ છે.

હાલ સેન્ટ્રલ લંડનમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારના છથી સાંજના સાત વાગ્યા સુધી પ્રવેશતી દરેક કાર માટે ૧૧.૫૦ પાઉન્ડનો કન્જેશન ચાર્જ વસૂલાય છે. હવે જે કાર વધુ જોખમી કાર્બન ડાયોક્સાઈડ અથવા નાઈટ્રોજન ઓક્સાઈડ્સ ફેંકતી હશે તેમની પાસેથી વધારાના ૧૧.૫૦ પાઉન્ડનો ચાર્જ વસૂલાશે અને ૨૪ કલાક અમલી રહેશે. આનું પાલન ન કરનાર બસ, લોરી અથવા કોચ પાસેથી દૈનિક ૧૦૦ પાઉન્ડની ફી વસુલાશે. કાયદો તોડનાર મોટરચાલકને ૧૬૦ પાઉન્ડ અને લોરી ડ્રાઈવરને ૧૦૦૦ પાઉન્ડની પેનલ્ટી લાગશે. જો પેનલ્ટી ૧૪ દિવસમાં ભરી દેવાય તો તેની અડધી વસૂલાત જ કરાશે.

ટ્રાન્સપોર્ટ ફોર લંડનનું અનુમાન છે કે, આ નિર્ણયથી રોજ ૪૦ હજારથી વધુ કાર પ્રભાવિત થશે. એક અંદાજ અનુસાર ઓક્ટોબર ૨૦૨૧થી ઉત્તર અને દક્ષિણ સરક્યુલર માર્ગો સાથે ઈનર લંડનમાં પણ અલ્ટ્રા લો એમિશન ઝોનનું વિસ્તરણ કરાયા પછી દરરોજ ૧૦૦,૦૦૦ કાર, ૩૫,૦૦૦ વાન અને ૩,૦૦૦ લોરીને અસર પડશે. જોકે, સૌથી વધુ ચિંતા પોતાના વાહનો અપગ્રેડ કરાવી ન શકે તેવા ગરીબ મોટરચાલકોને થનારી અસર વિશે છે. ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસના કહેવા પ્રમાણે, આ વધુ ખર્ચથી નાના બિઝનેસમેન ચિંતિત છે.

લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે, બ્રિટનની રાજધાનીને ઝેરીલી હવાથી મુક્ત કરવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. તેમણે કહ્યું હતું કે ઝેરીલી હવાના કારણે હજારો લંડનવાસીઓ અકાળે મોતને ભેટે છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન અનુસાર, આ પહેલથી બે વર્ષમાં ઝેરીલા ઉત્સર્જનમાં ૪૫ ટકા ઘટાડો થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter