લંડનવાસીઓને ગરમીના પ્રકોપ સામે ઠંડકનો અહેસાસ આપતી ‘કૂલ’ ટેક્સી

Wednesday 10th July 2019 03:02 EDT
 
 

લંડનઃ બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં ગરમીના પ્રકોપે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે ત્યારે ગરમીથી ત્રાહિમામ લંડનવાસીઓને રાહત આપવા ‘ફ્રીઝર ઓન વ્હીલ’ કહેવાય તેવી ટેક્સી ફરવા લાગી છે. આ ટેક્સી ખરેખર તો રેફ્રિજરેટેડ હેકની કેરેજ છે. પ્રવાસીઓને ભરપૂર ઠંડક આપવા ટેકસીમાં ડ્રાય આઈસના ઉપયોગથી ઠંડુ રહેતું આંતરિક વાતાવરણ, અત્યાધુનિક એર કંડિશનિંગ સિસ્ટમ અને આઈસ લોલીઝનો સંગ્રહ ધરાવતા ફ્રીઝર સહિત અનેક લાક્ષણિકતા છે.

કૂલ કેબનું નિર્માણ કરાવનારા એન્ડ્રયુઝ એર કંડિશનિંગના પ્રવક્તા કહે છે કે પ્રવાસીઓ માટે તીવ્ર ઉનાળાના દિવસે ટેક્સીમાં શેકાઈ જવા જેવું ખરાબ કશું ન કહેવાય. આથી, અમારી ‘કૂલ કેબ’ થકી પ્રવાસીઓને ગરમીથી રાહત અપાવવાનો પ્રયાસ કરાયો છે. અત્યાર સુધી ‘કૂલ કેબ’ને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. બ્રિટિશ હવામાન ઘણું ગરમ, ઘણું ઠંડુ અથવા ઘણું ભેજવાળું હોય છે. આવા સમયે પેસેન્જરને મુસાફરી સમયે ઠંડક મળતી રહે તે સાથે તેમને ખુશ રાખવાનો અમારો પ્રયાસ છે.’અત્યારે તો મર્યાદિત સમય માટે દોડી રહેલી ‘કૂલ કેબ’ પેસેન્જરમાં ભારે લોકપ્રિય બની છે અને ભવિષ્યમાં સમગ્ર ઉનાળાના સમય માટે સંપૂર્ણ સમયની કામગીરીમાં પણ જોડાઈ શકે છે.

સેન્ટ્રલ લંડનમાં પેસેન્જર હાથ હલાવે ત્યાં અનોખું રેફ્રિજરેટેડ વાહન આવીને ઉભું રહે છે. ગ્રાહકોને પણ આ કૂલ કેબ ભારે પસંદ પડી છે. લિંકનશાયરના એક મુસાફર સ્ટીવ ઓ‘ડેર કહે છે કે અત્યાર સુધી મેં કરેલી આ સૌથી ઠંડી મુસાફરી છે. તમે ટેક્સીમાં પ્રવેશતા જ અલગ વિશ્વમાં પહોંચી ગયાનો અનુભવ થાય છે. આ તદ્દન નવો વિચાર છે.’ સાઉથ ઈસ્ટથી આવેલાં એલિઝાબેથ એન ઈલિફનો પણ આવો જ અનુભવ છે કે.‘ગરમીથી થોડા સમય માટે છૂટવા અને રાહત મેળવવા ટેક્સીમાં પગ માંડવાનું ઘણું સારું લાગે છે.’

‘કૂલ કેબ’ના ડ્રાઈવર ટોની ૧૧ વર્ષથી ઉનાળામાં પણ ટેક્સી ચલાવે છે. તેમનું પણ કહેવું છે કે લંડનના હવામાનમાં યોગ્ય એરકંડિશનિંગની જરૂર રહે છે. તમારે ઠંડા રહેવાની સાથે સુકાં પણ રહેવું પડે. વિષમ હવામાનમાં કેબ ચલાવવી પણ મુશ્કેલ રહે છે. હવામાન વધુ ખરાબ થવા સાથે તમારી સહનશીલતાની પણ પરીક્ષા થાય છે. ઉનાળામાં અંડરગ્રાઉન્ડનો અનુભવ પણ મુસાફરો માટે ખરાબ રહે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter