લાખોના પગારદાર પારસ શાહે સેન્ડવિચ ચોરી! નોકરી ગુમાવી

Wednesday 12th February 2020 02:40 EST
 
 

લંડનઃ કોઈપણ અર્થશાસ્ત્રી કહી શકે કે ફ્રી લંચ મળે તો તેના જેવું ઉત્તમ કાંઈ નથી. પરંતુ, ચોરાયેલું ફ્રી લંચ નોકરી છોડાવી શકે છે. ઈન્વેસ્ટમેન્ટ બેંક સીટી ગ્રૂપની સ્ટાફ કેન્ટીનમાંથી ફૂડની ચોરી કર્યાના આક્ષેપ વચ્ચે ૩૧ વર્ષીય ટ્રેડર પારસ શાહને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ વર્તણુંકના વિવાદ પછી તેઓ સીટી ગ્રૂપમાં ફરજ પર હાજર થયા નથી. તેમણે ઘટના અંગે બચાવ સાથે ખુલાસો કર્યાનું પણ કહેવાય છે. જોકે, આ બાબતે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

શાહ ૨૦૧૭માં સીટી ગ્રૂપના ટ્રેડિંગ ડિપાર્ટમેન્ટમાં જોડાયા અને પછીના વર્ષે હેડ ઓફ હાઈ-યીલ્ડ ક્રેડિટ ટ્રેડિંગ ફોર યુરોપ, મીડલ ઈસ્ટ અને આફ્રિકાનું પ્રમોશન મેળવ્યું હતું. કંપનીઓનું જોખમી દેવું ઈન્વેસ્ટરોને વેચવાના કામમાં તેમને સારું વેતન મળતું હતું. સફળ ટ્રેડર્સને સામાન્ય રીતે એક મિલિયન પાઉન્ડનું વેતન તેમજ સારા વર્ષે બોનસ પણ મળે છે.

પારસ શાહની લીંક્ડ ઈન પ્રોફાઈલ મુજબ યુનિવર્સિટી ઓફ બાથમાંથી ઈકોનોમિક્સની ડિગ્રી મેળવ્યા પહેલા તેમણે નોર્થ લંડનની લેટીમેર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે એચએસબીસીમાં છ વર્ષ ફરજ બજાવી હતી. ટ્રેડરના પ્રમોશન પહેલા તેમણે રેટ્સ ટ્રેડિંગ ડિવિઝનમાં એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. શાહના ફેસબુક પેજ મુજબ તેમને વિદેશમાં હોલિડે માણવાનો ભારે શોખ હતો.

ટ્રેડર તરીકે શાહ સ્ટાફની યોગ્ય વર્તણુંક વિશે જરૂરીયાતો નિર્ધારિત કરનાર ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) સિનિયર મેનેજર્સના કાર્યક્ષેત્ર હેઠળ આવતા નથી. જોકે, તેમણે નવી જોબ મેળવવા માટે ટેસ્ટ પાસ કરવી પડે. બ્રિટનની નાણાકીય સંસ્થાઓ સ્ટાફની ગેરરીતિઓ અંગે કડક વલણ ધરાવે છે. ન્યુયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી કંપનીએ સત્તાવાર ટીપ્પણી આપી ન હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter