લાખો આઈ ફોન યુઝર્સને £૩૦૦નું વળતર મળવાની શક્યતા

Wednesday 06th December 2017 06:25 EST
 
 

લંડનઃ એપલ હેન્ડસેટસમાંથી વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨માં ગેરકાયદેસર રીતે યુઝર્સની અંગત માહિતી ઉઠાવવા બદલ ગુગલ સામે થયેલા સામૂહિક કાનૂની દાવાને પગલે લાખો આઈફોન યુઝર્સને ૩૦૦ પાઉન્ડનું વળતર મળે તેવી શક્યતા છે.

કન્ઝ્યુમર વોચ ડોગ Which?ના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રિચાર્ડ લોઈડના નેતૃત્વ હેઠળનું ક્લેઈમ ગ્રૂપ અંદાજે ૫.૪ મિલિયન વપરાશકારો માટે એક બિલિયન અથવા તેથી વધુ રકમમાં સેટલમેન્ટ થવાનું માને છે. લિટિગેશન ફંડમાંથી કેસ લડવા માટે ૧૫ મિલિયન પાઉન્ડની રકમથી સજ્જ ગ્રૂપે ગૂગલને કેસના પેપર્સ મોકલી આપ્યા હતા. આ કેસની સુનાવણી આવતા વર્ષે શરૂ થશે તેમ મનાય છે.

તે સમયે ગૂગલે આઈફોન હેન્ડસેટના ઈન્ટરનેટ બ્રાઉઝરમાં કોમ્પ્યુટર કોડ ફીટ કર્યો હતો અને તેનાથી યુઝર જે સર્ફિંગ કરે તે માહિતી ટાર્ગેટેડ એડવર્ટાઈઝિંગ માટે વેચી હતી.

આઈફોન યુઝર્સનો ડેટા એકત્ર કરવાના મામલે ગુગલે ખોટી માહિતી આપી હોવાના અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા કરાયેલા આરોપની પતાવટ માટે ગુગલે ૨૦૧૨માં ૨૨.૫ મિલિયન ડોલર (૧૬.૭૫ મિલિયન પાઉન્ડ) ચૂકવ્યા હતા. તેના ત્રણ વર્ષ પછી ગુગલે બ્રિટનના આઈફોન યુઝર્સના એક નાના ગ્રૂપને વળતર ચૂકવ્યુ હતુ. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ગુગલે તેમનો ડેટા લેતા મેડિકલ હિસ્ટ્રી જેવી અંગત માહિતી જાહેર થઈ જતાં તેમને માનસિક યાતના ભોગવવી પડી હતી.   


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter